હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મેલુ દૂર કરવાના નામે ઢોંગી તુષારભુવાનો પરિણીતા પર બળાત્કારઃ ધુણતાં ધુણતાં કહ્યું-મને માતાજીએ કીધુ છે, હું જ તારો ઘરવાળો છું!
રાજકોટમાં કારખાનામાં કામ કરતાં શખ્સે એક કારખાનેદાર સાથે સંપર્ક કેળવીને કહ્યું-તમારા ઘરમાં મેલુ છે એટલે આર્થિક ખેંચ છે, હું ઘરે આવીને વિધી કરીશ એટલે તકલીફ દૂર થશેઃ પછી એક રાતે ઘરે પહોંચ્યોઃ કારખાનેદાર અને તેના માસુમ પુત્રને બહાર બેસાડી કારખાનેદારની પત્નિને વિધીમાં બેસાડી મિઠાઇ ખવડાવી બેભાન કરી દેહ પીંખ્યોઃ પછી છરી બતાવી ધમકી દઇ વારંવાર શોષણ કર્યુ : એક વખત તો ઝપાઝપી વખતે પરિણીતાને છરી લાગી ગઇ છતાં તેણીના માસુમ દિકરાની નજર સામે જ બળજબરી આચરીઃ માથે જતાં કાર પણ લેતો ગયોઃ ધમકી દઇ મહિલાના પતિ પાસેથી રૂપિયા પણ પડાવતોઃ ત્રાસને કારણે ત્રણ વખત ઘર બદલ્યું છતાં પીછો ન છોડયોઃ અંતે પોલીસને જાણ કરાઇઃ કોટડાસાંગાણીના ખરેડા ગામના કહેવાતા ભુવા વિરૂધ્ધ ગુનો નોંધી આજીડેમ પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ એમ. જે. વરૂએ તપાસ હાથ ધરી : સતત વારંવાર શોષણથી કંટાળેલી પરિણીતાએ જ્યારે-હવે હું અને મારો પતિ ઝેર પી મરી જઇશું તેમ કહ્યું ત્યારે તુષાર ભુવો પોતે ઝેરી દવા લાવ્યો અને કહ્યું-તું અને તારો પતિ નહિ, આપણે બે'ય મરી જઇશે, પછી તારો પતિ જેલભેગો થશે કોટડા સાંગાણીના ખરેડા ગામના તુષાર સિંધવના કૂકર્મનો પર્દાફાશ

રાજકોટ તા. ૨૦: ધાર્મિક આસ્થા અને અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી મહિલાનું કહેવાતા ભુવાએ શોષણ કરી ધમકી આપી દૂષ્કર્મ આચરી લીધાની ઘટના બની છે. કોટડાસાંગાણીના શખ્સે પોતે મેલડીમાના ભુવા હોવાનો સ્વાંગ રચીને પરિણીતાને બેભાન કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ તેણીના પતિ અને માસુમ સંતાનને જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડ, સોનાના દાગીના અને વૈભવી કાર પણ પડાવી લીધી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર જાગી છે. એક વખત તો દારૂ પીને આવેલા આ કહેવાતા તુષારભુવાએ ધુણતાં-ધુણતાં આ પરિણીતાને કહેલું કે-મને માતાજીએ કીધું છે કે હું જ તારો પતિ છું! આમ કહી ઝપાઝપી કરી તેણીને છરીથી ઇજા પહોંચાડી લોહી નીકળતી હાલતમાં તેણીના માસુમ દિકરાની સામે જ બળાત્કાર ગુજાર્યો હતો.
આ બનાવમાં આજીડેમ પોલીસે ૪૦ વર્ષિય મહિલાની ફરિયાદ પરથી કોટડા સાંગાણીના ખરેડા ગામના તુષાર રણછોડભાઇ સિંધવ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. ફરિયાદ મુજબ આરોપી તુષાર કારખાનામાં કામ કરતો હોઇ તેનો પરિચય મહિલાના કારખાનેદાર પતિ સાથે થયો હતો. ચારેક વર્ષના આ પરીચય દરમિયાન મહિલાના પતિને એવું કહીને ભોળવ્યા હતા કે હું મેલડીમાનો ભુવો છું અને દાણા જોઈને આર્થિક સંકટ દૂર કરી શકુ છું. આ પછી તે કારખાનામાં જ અવાર-નવાર પાઠ માંડી દાણા જોતો હતો.
આ પછી આશરે દોઢેક વર્ષ પહેલાં તુષારે દંપતીના ભાડાના મકાને આવીને કહેલુ કે તમારા ઘરમાં મેલુ (મેલી વિદ્યા) છે જો તે નહીં કાઢો તો મોટું નુકસાન થશે. અંધશ્રદ્ધાના ડરમાં આવી ગયેલા પરિવારે વિધિ કરવાની હા પાડી હતી. એ પછી રાતે સાડા અગીયારેક વાગ્યે તુષાર વિધિનો સામાન લઈને ઘરે આવ્યો હતો અને રાત્રે બાર વાગ્યે વિધિ શરૂ કરી ત્યારે પરિણીતાના પતિ અને તેના ૬ વર્ષના માસુમ દીકરાને ‘તમે વિધીમાં નહિ ચાલો' તેમ કહી રૂમની બહાર કાઢી મૂકયા હતા. ત્યારબાદ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી પરિણીતાને કોઈ મીઠાઇ ખવડાવી દીધી હતી. જેના કારણે પરિણીતા બેભાન થઈ ગઈ હતી. આ પછી થોડી ભાનમાં આવતાં તેની સાથે શરીર સંબંધ બાંધી લીધાનું લાગતાં અને તેના શરીર પર ચીકણો પદાર્થ હોઇ તેણીએ તુષારને તે આ શું કર્યુ છે? તેમ પુછતાં તેણે છરી કાઢી પરિણીતા ગળે મુકી દીધી હતી અને ધમકી આપી હતી કે જો આ વાત કોઈને કહી છે તો તારા દીકરાને જાનથી મારી નાખીશ. તેમ કહી ઘરમાં સિંદુરવાળા અડદના દાણા નાંખતો ગયો હતો.
આ ડરના કારણે પરિણીતા મૌન રહી ગઈ હતી. આ ઘટનાના ૧૫ દિવસ પછી તુષાર દારૂ પીધેલી હાલતમાં ઘરે આવ્યો હતો અને અચાનક ધુણવા માંડયો હતો. ત્યારે તેણીના પતિ ઘરે નહોતાં. આ વખતે તુષારે ધુણતા ધુણતાં ‘હું જ તારો ઘરવાળો છું એવું મને માતાજીએ કહ્યું છે' તેમ કહી ઝપાઝપી કરી હતી. તેણીએ આજીજી કરી છતાં બળજબરીના પ્રયાસ દરમિયાન તેણીને છરી વાગતાં લોહીલુહાણ થઈ ગઈ હોવા છતાં નરાધમે દયા દાખવી ન હતી. તેણીના માસુમ દિકરાની હાજરીમાં જ તે બળજબરી કરતો હતો. આ પછી તેણે મહિલાના પતિની ફોર-વ્હીલર કારની ચાવી બળજબરીથી પડાવી લીધી હતી અને જતા જતાં એવુ કહી ગયો હતો કે-મારી વિદ્યા તને કંઇ કરવા નહિ દે. આ પછી સાંજે પરિણીતાએ પતિ ઘરે આવતાં તુષાર કાર લઇ ગયાની વાત કરી હતી.
આ પછી તે પોલીસના નામે ધમકી આપી પરિણીતાના પતિ પાસેથી પણ રૂપિયા પડાવી જતો હતો. તેમજ તુષારે પરિણીતાના ફોનમાંથી તમામ સગા-સંબંધીઓના નંબર ડીલીટ કરી નાખ્યા હતા જેથી તેઓ કોઈની મદદ ન લઈ શકે. આ ત્રાસથી કંટાળીને પરિવારે છેલ્લા એક વર્ષમાં ત્રણ વખત ભાડાના મકાનો બદલ્યા હતા, પરંતુ આરોપી ત્યાં પણ સરનામું શોધીને પહોંચી જતો હતો અને મહિલા પર બળાત્કાર ગુજારતો હતો. એ વખત તો પરિણીતાએ તેને કહેલુ કે-અમે તારા શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી ગયા છીએ, જેથી હવે હું અને મારા પતિ દવા પીને મરી જઇશું. આ સાંભળી તુષાર ભુવો પોતે જ દવાની શીશી લઇને આવ્યો હતો અને કહ્યું હતું કે-તમે પતિ-પત્નિ નહિ, પણ આપણે બંને દવા પી જઇએ, પછી ભલે મારો ભત્રીજો જે પોલીસમાં છે તે તારા ઘરવાળાને જેલમાં નાંખી દેશે, તારો છોકરો રખડી પડશે.
આ રીતે ધમકી આપી તે અવાર-નવાર ઘરે આવતો અને ઘણીવાર પરાણે રોકાઇ જતો હતો. પતિની ગેરહાજરીમાં વારંવાર શરીર સંબંધ બાંધી લેતો હતો. છેલ્લા છ મહિનાથી આ મહિલા અને તેના પતિ અન્ય એક વિસ્તારમાં રહે છે જેનું સરનામુ તુષારને ખબર ન હોઇ હાલ તે અહિ આવતો નથી. અંતે હવે પતિએ હિંમત આપતાં પરિણીતાએ આજીડેમ પોલીસમાં જાણ કરતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. વરૂએ કહેવાતા ભુવા તુષાર રણછોડભાઈ સિંધવ સામે ગુનાહિત અપપ્રવેશ, બળાત્કાર, સળષ્ટિ વિરુદ્ધનું કળત્ય, જાનથી મારી નાખવાની ધમકી, હથિયારબંધી જાહેરનામાનો ભંગ અને બળજબરીથી કિંમતી વસ્તુઓ પડાવી લેવા અંગેની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવા ચક્રો ગતિમાન કર્યા છે.










