News of Monday, 20th April 2026
રાજકોટના રાજકારણમાં 'નણંદ-ભાભી' આમને-સામને: રીવાબાએ કહ્યું 'જડબાતોડ જવાબ મળશે', તો નયનાબાએ ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપને ઘેર્યું
RMC ચૂંટણી ૨૦૨૬: જાડેજા પરિવારનો રાજકીય કલહ રસ્તા પર, એક તરફ ભાજપનો વિજય વિશ્વાસ તો બીજી તરફ કોંગ્રેસનો પરિવર્તનનો હુંકાર

રાજકોટ: તા.૨૦ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે માત્ર રાજકીય રહ્યો નથી, પરંતુ તે કૌટુંબિક પ્રતિષ્ઠાનો જંગ પણ બની ગયો છે. રાજકોટના રાજકારણમાં અત્યારે સૌથી વધુ ચર્ચા જો કોઈ વિષયની હોય તો તે છે ‘નણંદ વિરુદ્ધ ભાભી’નો જંગ. ભાજપના ફાયરબ્રાન્ડ નેતા રીવાબા જાડેજા અને તેમના નણંદ તથા કોંગ્રેસના ઉમેદવાર નયનાબા જાડેજા વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ બન્યં્ છે, જેના કારણે રાજકોટનું રાજકીય તાપમાન પારો ઓળંગી રહ્યું છે.
રીવાબાનો હુંકાર: ‘ભાજપની પેનલ ગજવશે મેદાન’
રાજકોટની મુલાકાતે આવેલા રીવાબા જાડેજાએ મીડિયા સમક્ષ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, લોકશાહીમાં દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે અને તે રીતે હું નયનાબાને શુભેચ્છા પાઠવું છું. પરંતુ, તેમણે સ્પષ્ટ શબ્દોમાં ઉમેર્યું હતું કે, "રાજકોટની જનતા ભાજપના વિકાસ કાર્યોને જાણે છે. ૨૮ તારીખે જ્યારે મતદાન થશે, ત્યારે કોંગ્રેસને જડબાતોડ જવાબ મળશે અને ભાજપની આખી પેનલ જંગી બહુમતીથી વિજયી બનશે."
નયનાબાનો વળતો પ્રહાર: ‘જનતા હિસાબ માંગશે’
ભાભી રીવાબાના નિવેદન પર પલટવાર કરતા કોંગ્રેસના ઉમેદવાર નયનાબા જાડેજાએ જરાય મચક આપી નહોતી. તેમણે આકરા તેવરમાં કહ્યું કે, "શુભેચ્છાઓ માટે આભાર, પણ જીત કોની થશે તે એસી ઓફિસમાં બેસીને નક્કી નથી થતું, તે જનતા નક્કી કરે છે." નયનાબાએ વધુમાં ભાજપના શાસન પર પ્રહાર કરતા કહ્યું કે, છેલ્લા વર્ષોમાં ભાજપના નગરસેવકોએ માત્ર ભ્રષ્ટાચાર જ કર્યો છે અને પ્રજાના પાયાના પ્રશ્નોને નેવે મૂક્યા છે. હવે જનતા કંટાળી ગઈ છે અને પરિવર્તન માટે તૈયાર છે.
ચૂંટણી ગણિત અને પરિવાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં ચાલી રહેલો આ રાજકીય વિખવાદ સોશિયલ મીડિયા પર પણ ભારે વાયરલ થઈ રહ્યો છે. એક જ પરિવારના બે મજબૂત સભ્યો જ્યારે અલગ-અલગ વિચારધારા સાથે મેદાનમાં હોય, ત્યારે રાજકોટના મતદારો કોના પક્ષે જશે તે જોવું રસપ્રદ રહેશે. આગામી ૨૮ તારીખે થનારું મતદાન જ નક્કી કરશે કે રાજકોટના ‘રજવાડા’માં કોનું શાસન ચાલશે.
(4:34 PM IST)










