News of Saturday, 18th April 2026
નવાગામમાં કંપનીના કર્મચારી સંજય જીંજરીયાએ રિક્ષાના ૨૬ લાખના પાર્ટસ બારોબાર વેંચી માર્યા!
જીમીભાઇ ધોળકીયાની માલિકીની કંપનીના મેનેજર જેનીશભાઇ મહેતાની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે રંગીલા સોસાયટીમાં રહેતાં સંજય વિરૂધ્ધ વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરીઃ ઓડીટ વખતે સ્પેર પાર્ટસ ઓછા હોવાનું જણાતાં ભાંડો ફુટયો

રાજકોટ તા. ૧૮: શહેરના નવાગામમાં ખાટુશ્યામ મંદિર પાસે આવેલી બજાજ રીક્ષાના સ્પેર પાર્ટ્સ વેંચતી કંપની એપકોમોટોલિંક પ્રાઇવેટ લિમિટેડમાં લાખો રૂપિયાની ઉચાપતનો મામલો સામે આવ્યો છે. કંપનીના જ એક કર્મચારીએ વિશ્વાસઘાત કરી ૨૬,૦૮,૯૪૧ની કિંમતના સ્પેર પાર્ટ્સ બારોબાર વેચી નાખ્યા હોવાની ફરિયાદ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે જાગનાથ પ્લોટ-૪મા શિવાલય એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૧માં રહેતાં અને નવાગામ ખાટુશ્યામ મંદિર પાસે આવેલી એપકો મોટર્સ ઇન્ડિયા પ્રા. લિ.માં મેનેજર તરીકે નોકરી કરતાં જેનીશભાઇ સંદિપભાઇ મહેતા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી નવાગામ આણંદપર રંગીલા સોસાયટીમાં રહેતાં અને નવગામમાં જ આવેલ બજાજ રિક્ષાના સ્પેર પાર્ટસનું વેંચાણ કરતી કંપનીમાં મજુરી કરતાં સંજય ભુપતભાઇ જીંજરીયા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
જેનીશભાઇએ જણાવ્યું છે કે અમારી કંપનીના માલિક જીમીભાઈ ભાવેશભાઈ ધોળકિયા છે. તેમની માલિકીની એકોમોટોલિન્ક પ્રા.લિ. નામની બ્રાંચ નવાગામમાં જ એપકો મોટર્સ પાસે પ્લોટ નૈ. ૩૬, ૩૭માં આવેલી છે. અહિથી બજાજ રિક્ષાના ઓટો પાર્ટસનું વેંચાણ થાય છે. અહિ મેનેજર તરીકે યતીનભાઇ જયસુલાલ ગણાત્રા છે. આ બ્રાંચમાં નવગામ રંગીલા સોસાયટીના સંજય જીંજરીયાને મજુરી કામ માટે નોકરીમાં રાખ્યો હતો. કંપનીની મુખ્ય ઓફિસ અમદાવાદ સરખેજ ખાતે છે. તારીખ ૦૨/૦૪/૨૦૨૬ અને ૦૩/૦૪/૨૦૨૬ના સમય ગાળા દરમિયાન આર.વી.ડી. એન્ડ એસોસિએટ્સ દ્વારા કંપનીનું ઓડિટ કરવામાં આવ્યું હતું. ઓડિટર રૂષીભાઈ દરજીના રિપોર્ટમાં જાણવા મળ્યું કે સ્ટોકમાંથી રૂા. ૨૬.૦૮ લાખની કિંમતના વિવિધ સ્પેર પાર્ટ્સ ગાયબ છે. આ ચોંકાવનારો અહેવાલ મળતા જ કંપનીના મેનેજર જેનીશભાઈ મહેતાએ તપાસ આદરી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કંપનીમાં મજૂરી કામ કરતા કર્મચારી સંજયભાઈ ભૂપતભાઈ જીંજરિયા (રહે. નવાગામ, આણંદપર) શંકાસ્પદ પ્રવળત્તિઓમાં સામેલ હતો. સીસીટીવી ફૂટેજ તપાસતા જોવા મળ્યું કે સંજય પાર્સલ પેકિંગ વખતે માલ આગળના દરવાજેથી મોકલવાને બદલે પાછળના ભાગે લઈ જતો હતો.
અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પણ એક રીક્ષા ચાલક ભરતભાઈ મારફતે જાણ થઈ હતી કે સંજયે દત્તાત્રેય નામની દુકાને માલ પહોંચાડવા માટે વધારાની ૨૦ નંગ ચેઈન છુપાવીને મોકલી હતી. જ્યારે મેનેજર યતીનભાઈ તેને પકડવા ગયા ત્યારે સંજય ત્યાંથી ભાગી છૂટયો હતો. બાદમાં કંપનીના અધિકારીઓ દ્વારા જ્યારે સંજય જીંજરિયાની પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. અંતે અમદાવાદ સ્થિત હેડ ઓફિસની મંજૂરી અને ઓથોરિટી લેટરના આધારે જેનીશભાઈ મહેતાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સંજયએ કંપનીની બ્રાંચના અલગ અલગ સ્પેર પાર્ટસ કુલ રૂા. ૨૬,૦૮,૯૪૧ના કંપનીના મેનેજર સહિતની જાણ બહાર બારોબાર કોઇને વેંચી દઇ ઠગાઇ વિશ્વાસઘાત કર્યો હોઇ ફરિયાદ નોંધાવાઇ છે. તેમ વધુમાં જેનીશભાઇએ જણાવતાં પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં એએસઆઇ કે. વી. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(1:23 PM IST)










