<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

રાજકોટ-જામનગર હાઈવે પર ફલ્લા પાસે બેફામ કારે એક્ટિવાને મારી જોરદાર ટક્કર: ૬૫ વર્ષીય પ્રૌઢનું જી.જી. હોસ્પિટલમાં કરુણ મોત

ધ્રોલની ભવ્ય ગ્રીન સોસાયટીના રહીશ વાવવા રાખેલી ખેતીની જમીને જતા હતા ત્યારે પાછળથી કારે ઉડાડતા માથામાં ગંભીર હેમરેજ, કાર ચાલક સામે ગુનો નોંધાયો

જામનગર: (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :રાજકોટ-જામનગર હાઈ-વે પર અકસ્માતોની હારમાળા વચ્ચે ફલ્લા ગામ નજીક એક કાળમુખી કારની ટક્કરે વધુ એક નિર્દોષ પ્રૌઢનો જીવ લીધો છે. વાવવા રાખેલી ખેતીની જમીને જઈ રહેલા ૬૫ વર્ષીય વૃદ્ધને પાછળથી પૂરઝડપે આવતી કારે અડફેટે લેતા તેઓ રોડ પર પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજતાં પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી અનુસાર ધ્રોલમાં આવેલ ભવ્ય ગ્રીન સોસાયટીમાં રહેતા સુરેશ રમેશભાઈ જાકસણીયાએ તા. ૮ ના રોજ ધ્રોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ૬ ના રોજ રાજકોટ-જામનગર હાઈ-વે રોડ પર ફલ્લા ગામ પાસે આ કામેના આરોપી ફોરવીલ કાર રજી. નં. જી.જે.૦૩-પીઆર-૧૯૯૨ ના ચાલકે ફરીયાદીના પિતા રમેશભાઈ પોપટભાઈ ઉ.વ. ૬૫ વાળા પોતાનું એક્ટીવા જી.જે.૧૦–સીએફ-૦૨૭૫ વાળુ મોટર સાયકલ લઈ ફલ્લા પાસે વાવવા રાખેલ ખેતીની જમીને જતા હતા તે દરમ્યાન આરોપીએ પોતાની કાર પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી પાછળથી ઠોકર મારી રોડ ઉપર પડાવી દઈ માથના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા કરતા તેમને સારવાર અથે જામનગર જી.જી.હોસ્પિટલમાં લાવવામાં આવેલ જયાં તેમનું સારવાર બાદ મોત નિપજયું છે.

(4:07 PM IST)