તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
પદગ્રહણ કરતા જ નેહલ શુકલનો સપાટોઃ તંત્રને ઢંઢોળ્યુ
આક્રમતા અને વિવેક બન્નેનો પરિચય આપ્યોઃ સિકયુરીટી ગાર્ડ સાથે હાથ મીલાવ્યા અને અધિકારીઓ સામે આંખથી આંખ મીલાવી જન્મ-મરણ વિભાગમાં ઓચિંતી મુલાકાતઃ પાણી, મંડપ અને ટોકન વ્યવસ્થા તાત્કાલિક શરૂ કરવા આદેશઃ ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીને તાત્કાલીક સિવીક સેન્ટર ખાતે બોલાવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી રહેવા આપી સૂચના

ઓચીંતી મુલાકાતઃ શહેરના નવનિયુકત મેયર ડો.નેહલ શુકલએ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલ સીવીક સેન્ટરના જન્મ-મરણ વિભાગની ઓચીંતી મુલાકાત કરી હતી. દરમ્યાન જન્મ-મરણના દાખલા કઢાવવા માટે લોકોને પડતી હાલાકી બાબતે સમીક્ષા કરી જવાબદાર અધિકારીને તાત્કાલીક ધોરણે સ્થળ પર બોલાવ્યા હતા અને અરજદારો માટે પીવાના પાણીની સુવિધા, બેસવા માટે ખુરશી, હેલ્પ ડેસ્ક શરૂ કરવા તાકીદ કરી હતી. તે વખતની તસ્વીરમાં જન્મ-મરણ વિભાગ બાબતે નવનિયુકત મેયર અને જન્મ-મરણના વિભાગના અધિકારી પ્રેરીત જોષી સમીક્ષા કરી રહયા છે. તેમજ નવનિયુકત મેયરને શુભેચ્છા પાઠવતા શુભેચ્છકો, આસીસ્ટન્ટ કમિશનર હરીશ રૂપારેલીયા સાથે ચર્ચા કરતા તેમજ સિકયુરીટી સાથે હાથ મીલાવતા તે વખતની તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ ,તા.૨૯: નવ નિયુકત મેયર તરીકે પદગ્રહણ કર્યા બાદ નેહલ શુકલાએ પ્રથમ જ દિવસે કાર્યશૈલીનો અલગ અંદાજ રજૂ કરતાં તંત્રને ઢંઢોળી નાખ્યું હતું. પદ સંભાળતા જ તેમણે માત્ર ઔપચારિક બેઠકોથી સંતોષ ન માની સીધો લોકો વચ્ચે જઈ વહીવટી વ્યવસ્થાની જાત નિરીક્ષણ કરવાની શરૂઆત કરી હતી. તેમની આક્રમકતા સાથે વિવેકપૂર્ણ અભિગમે તંત્રમાં ચકચાર જગાવી હતી.
મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર નેહલ શુકલાએ અચાનક વિવિધ વિભાગોની મુલાકાત લેતા અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ દરમિયાન તેમણે જન્મ-મરણ વિભાગમાં ઓચિંતી મુલાકાત લઈ ત્યાં હાજર અરજદારો સાથે સીધી વાતચીત કરી હતી. અરજદારોને પડતી મુશ્કેલીઓ, લાંબી રાહ, બેસવાની અસુવિધા સહિતના મુદ્દાઓ અંગે તેમણે વિગતવાર માહિતી મેળવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના નવ નિયુક્ત મેયર ડો.નેહલ શુક્લએ રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન સિવિક સેન્ટર ખાતે જન્મ-મરણ વિભાગની મુલાકાત કરી. મુલાકાત દરમ્યાનજન્મ-મરણના દાખલા કઢાવવા માટે લોકોને પડતી હાલાકી અને લાંબી કતારો બાબતે સમીક્ષા કરી.
સદરહુ મુલાકાત દરમ્યાન મેયર ડો.નેહલ શુક્લ દ્વારા જન્મ મરણ વિભાગ સંભાળતાડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણીને તાત્કાલિક સિવિક સેન્ટર ખાતે બોલાવવામાં આવેલ હતા અને અરજદારો માટેવ્યવસ્થા ન થાય ત્યાં સુધી સ્થળ પર જ રહેવાની સુચના આપવામાં આવી.
ડેપ્યુટી કમિશનર શ્રી તથા લગત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરતા તાત્કાલિક ધોરણે અરજદારો માટે પીવાના પાણીની સુવિધા, બેસવા માટે ખુરશીની સુવિધા, હેલ્પ ડેસ્ક તેમજ ટોકન આપવા માટેની સુવિધા કાર્યરત કરાવેલ છે.
હાલ, જન્મ-મરણના દાખલામાં કેન્દ્ર સરકારનાં નિયમ મુજબ સુધારા કરવા માટે નવા નિયમો લાગુ પડેલ છેતેમજ કેન્દ્ર સરકારના ઓનલાઈન પોર્ટલ દ્વારા જ આ સમગ્ર કામગીરી થતી હોઈ, આ સમગ્ર કાર્યવાહીમાં લોકોને હાલાકી ન પડે તે માટે ઉપરોક્ત જણાવેલ તમામ સુવિધાઓ તથા અન્ય જરૂરી સુવિધાઓ તાત્કાલિક કરવા માટે લગત અધિકારીઓને પદાધિકારીશ્રીઓ દ્વારા સુચના આપેલ છે.
આ સ્થળ મુલાકાત દરમ્યાન કોર્પોરેશનના નવ નિયુક્ત પદાધિકારીશ્રી મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પિપળીયા, શાસક પક્ષ નેતા ડો.હિરેન ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા તેમજ ડી.એમ.સી. સી.કે.નંદાણી તથા લગત અધિકારીશ્રીઓ હાજર રહેલ હતા.
મુલાકાત દરમિયાન મેયરે જોયું કે અરજદારો માટે પૂરતી સુવિધાનો અભાવ હતો. કેટલાક લોકો લાંબા સમયથી ઉભા રહી પોતાના વારાની રાહ જોઈ રહ્યા હતા. આ સ્થિતિ જોતા મેયરે તરત જ નારાજગી વ્યક્ત કરી અને અરજદારો માટે બેસવાની ખુરશી, પીવાના પાણી તથા ગરમીથી બચવા મંડપ જેવી મૂળભૂત સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા તાકીદ કરી હતી.
આ દરમ્યાન તેમણે ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીને સ્થળ પર બોલાવી સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે અરજદારોને અનાવશ્યક ભીડ અને અવ્યવસ્થા ભોગવવી ન પડે તે માટે ટોકન સિસ્ટમ સહિતની વ્યવસ્થા તરત અમલમાં મુકવામાં આવે. લોકોની સુવિધા અને સમય બચાવ એ તંત્રની પ્રાથમિક જવાબદારી હોવી જોઈએ તેમ કહી મેયરે અધિકારીઓને જવાબદારીપૂર્વક કામગીરી કરવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મુલાકાત દરમિયાન મેયર નેહલ શુકલાએ સિકયોરિટી ગાર્ડ સાથે પણ સીધી અને સ્પષ્ટ વાતચીત કરી હતી. કોઈપણ હોદ્દાની દાદાગીરી વગર સામાન્ય કર્મચારી સાથે આંખમાં આંખ મિલાવી સંવાદ કરવાના તેમના અંદાજે હાજર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
પદગ્રહણના પ્રથમ જ દિવસે નેહલ શુકલએ આપેલો આ સંદેશ સ્પષ્ટ માનવામાં આવી રહ્યો છે કે નવી ટીમ માત્ર કચેરી આધારિત કામગીરી નહીં, પરંતુ મેદાનમાં ઉતરી લોકોની સમસ્યાઓ સાંભળવા અને તંત્રને જવાબદાર બનાવવાના મૂડમાં છે. મેયરની આ અચાનક સક્રિયતાએ મનપા તંત્રમાં પણ સાવચેતી અને સતર્કતાનું વાતાવરણ સર્જ્યું હોવાનું ચર્ચાઈ રહ્યુંછે.
(2:26 PM IST)










