હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકોટ ભાજપમાં સમાધાનનાં નવાં સમીકરણો : રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા
કોંગ્રેસમાંથી આગેવાનોની આયાત કરવાને બદલે ભાજપના જ નારાજ આગેવાનો વચ્ચે સમાધાન કરાવવાની નવી રણનીતિ અપનાવાઈ રહી હોવાની ચર્ચા :રાજકોટ શહેરમાં ભાજપના જૂના આગેવાનોની નાડ પારખીને સમાધાનની નીતિ અપનાવાતાં કાર્યકર્તાઓમાં આશ્ચર્ય : ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ :ચૂંટણી પહેલાં ભાજપમાં ખખડતાં વાસણોનો અવાજ બંધ કરવા કાંધીએ મૂકેલાં જૂનાં વાસણો ફરી બજારમાં લવાશે તેવી કાર્યકર્તાઓમાં રમૂજ

રાજકોટઃ ગુજરાતમાં ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં રાજકીય સમાધાનનાં નવાં સમીકરણો આકાર લઈ રહ્યાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ખાસ કરીને રાજકોટ શહેર અને જિલ્લાના રાજકારણમાં એકબીજાથી દૂર રહેલા આગેવાનો વચ્ચે મનમેળ કરાવવાના પ્રયાસો ચર્ચાનો વિષય બન્યા છે. આ ગતિવિધિઓને પગલે ભાજપના કાર્યકર્તાઓ અને સામાજિક ક્ષેત્રમાં પણ અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.
ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રભારી શ્રી તરુણ ચૂઘ સૌપ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે તેમણે પોતાની પ્રથમ બેઠકમાં જ સંગઠનલક્ષી મુદ્દાઓને વિશેષ મહત્ત્વ આપ્યું હોવાનું જાણવા મળે છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, તેમણે પક્ષના નારાજ કાર્યકર્તાઓને મનાવવા અને નિષ્ક્રિય કાર્યકર્તાઓને ફરી સક્રિય કરવા સૂચનાઓ આપી હતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અંગેની ફરિયાદોનું નિવારણ લાવવા પણ ભાર મૂક્યો હતો. યુવા કાર્યકરોને પક્ષમાં વધુ કામ અને મહત્ત્વ આપવાની જવાબદારી જિલ્લા અને મહાનગરના પ્રભારીઓને સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
રાજકીય પંડિતોના મતે સપ્ટેમ્બર આસપાસ આપવામાં આવેલી આ સૂચનાઓનો અમલ સૌપ્રથમ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં થયો હોવાના સંકેતો મળ્યા હતા. જૂથવાદથી ધમધમતા રાજકોટના રાજકારણમાં આ પરિવર્તન નોંધપાત્ર માનવામાં આવી રહ્યું છે.
રાજકોટના રાજકારણમાં એકબીજાનું મોઢું જોવા પણ તૈયાર ન હોય તેવા આગેવાનો એક જ મંચ પર સાથે જોવા મળ્યા હતા. આ અંગેના ફોટા સાથેના અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા. ત્યારથી શહેરના રાજકીય વર્તુળોમાં સમાધાનની ચર્ચાઓ શરૂ થઈ હતી.
રસપ્રદ બાબત એ છે કે આ ગતિવિધિઓની શરૂઆત મહાદેવજીના અભિષેકથી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઢાળ પર બિરાજમાન મહાદેવજીએ પણ આ સમાધાનની વાતને ઢાળ આપવાના આશીર્વાદ આપ્યા હોય તેવું રાજકીય વર્તુળોમાં રમૂજભેર કહેવાઈ રહ્યું છે.
છેલ્લા ત્રણ-ચાર દિવસમાં આ સમાધાનકારી પ્રયાસોનાં વધુ સ્પષ્ટ ચિホો જોવા મળતાં શહેરના આગેવાનો અને કાર્યકર્તાઓમાં ચર્ચાનો દોર વધુ તેજ બન્યો છે.
રાજકારણમાં ક્યારેય કોઈ કાયમી મિત્ર કે કાયમી શત્રુ હોતો નથી. આ જાણીતી ઉક્તિને રાજકોટના કેટલાક આગેવાનોએ ફરી એક વખત સાચી ઠેરવી હોવાની ચર્ચા છે. સાથે જ આ બદલાતાં સમીકરણોએ કાર્યકર્તાઓમાં રાજકીય વફાદારી અંગે પણ એક નવો સંદેશ મોકલ્યો હોવાનું મનાઈ રહ્યું છે.
શહેર ભાજપની નાડ પારખીને સમાધાનની સર્જરીઃ આગેવાનોની બદલાયેલી ભૂમિકાથી આヘર્ય
વધુમાં જાણવા મળતી માહિતી મુજબ, વિધાનસભાની ચૂંટણી પહેલાં ટિકિટ અને પદ મેળવવા માટે વિવિધ આગેવાનો પોતપોતાનાં રાજકીય ચોકઠાં ગોઠવી રહ્યા છે. આવા સમયે રાજકીય સર્જરી કરવામાં કુશળ ગણાતા પ્રદેશ કક્ષાના એક પૂર્વ આગેવાને રાજકોટ શહેર ભાજપની નાડ પારખી હોવાનું કહેવાય છે.
તેમણે શહેરનાં રાજકીય સમીકરણોનો તાગ મેળવી સમાધાનકારી વલણ અપનાવ્યું હોવાની ચર્ચા છે. બીજી તરફ સામેના આગેવાનોએ પણ પક્ષની નીતિ, નિયમો અને આગામી રાજકીય રણનીતિને ધ્યાનમાં રાખીને પોતાનું વલણ બદલ્યું હોવાનું મનાય છે.
ઉપરવાળો ધણી કરે ઈ ઠીકની ભાવના સાથે આ આગેવાનોએ એકસાથે તસવીરો પડાવી છે. આવી તસવીરો સામે આવતાં કેટલાક કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે તો કેટલાકમાં બદલાતાં સમીકરણોને લઈને ગણગણાટ પણ જોવા મળી રહ્યો છે.
જિલ્લાના રાજકારણમાં પણ સમાધાનનો સૂર બે બળિયા આગેવાનો વચ્ચે ધારાસભ્યની મધ્યસ્થીની ચર્ચા રાજકોટ જિલ્લાના રાજકારણમાં પણ સમાધાનની નવી ગતિવિધિઓ શરૂ થઈ હોવાની ચર્ચા છે.
સૌરાષ્ટ્રમાં આસ્થાનું પ્રતીક ગણાતાં અને અનેક રાજકીય આગેવાનોને શક્તિ પૂરી પાડતાં મા ખોડલના આશીર્વાદથી સામાજિક ક્ષેત્રમાં પ્રભાવ ધરાવતા એક અગ્રણી આગેવાન તથા રાજકીય અને સહકારી ક્ષેત્રમાં શક્તિશાળી સાબિત થયેલા એક યુવા ધારાસભ્ય વચ્ચે પણ સમાધાન થયાની ચર્ચા ચાલી રહી છે.
સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા આ યુવા ધારાસભ્ય અને સામાજિક ક્ષેત્રના ચોક્કસ વર્ગમાં સર્વેસર્વા ગણાતા આગેવાન વચ્ચેના મતભેદો દૂર કરવા રાજકોટના એક શાંત સ્વભાવના અને ઓછું બોલતા ધારાસભ્યશ્રીએ મધ્યસ્થી કરી હોવાનું કાર્યકર્તાઓમાંથી જાણવા મળે છે. જોકે આ ચર્ચાતી બાબતને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. આ ઘટનાક્રમને રાજકોટ જિલ્લાના આગામી રાજકીય સમીકરણો માટે મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસમાંથી આયાત કરતાં પોતાના જ આગેવાનોને સાથે રાખવાની નીતિ ?
શહેર અને જિલ્લામાં જોવા મળેલા આ સમાધાનકારી વલણ અંગે રાજકીય પંડિતો જુદા જુદા અર્થઘટનો કરી રહ્યા છે.
તેમના મતે ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વધુ મજબૂત બનાવવા માટે કોંગ્રેસમાંથી આગેવાનોની આયાત કરવાને બદલે પોતાના જ પક્ષના આગેવાનો વચ્ચે મનમેળ કરાવવાની રણનીતિ અપનાવવામાં આવી રહી હોવાની શક્યતા છે.
ભાજપમાં રહેલા નાના-મોટા મતભેદો દૂર કરવા અને જૂથવાદને કારણે ખખડતાં વાસણોનો અવાજ બંધ કરવાના પ્રયાસો શરૂ થયા હોવાનું પણ મનાઈ રહ્યું છે.
આ અંગે કાર્યકર્તાઓમાં એવી રમૂજ ચાલી રહી છે કે ચૂંટણી પહેલાં ભાજપ હવે કાંધીએ મૂકેલાં જૂનાં વાસણો ઉતારીને ફરી બજારમાં લાવવાની તૈયારી કરી રહ્યો છે!
ભૂતકાળમાં કોઈ ને કોઈ કારણસર હાંસિયામાં ધકેલાયેલા આગેવાનોને ફરી સક્રિય કરવામાં આવે તો સંગઠનને રાજકીય લાભ મળી શકે તેવી ગણતરી પણ ચર્ચાઈ રહી છે.
ર્ંનૂતન વર્ષમાં હજુ એક-બે જૂથો વચ્ચે સમાધાનના એંધાણ : રાજકોટ ભાજપમાં નવો સૂર્યોદય થશે ?
રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે નૂતન વર્ષના પ્રારંભમાં રાજકોટ ભાજપનાં હજુ એક-બે જૂથો સામસામે બેસી શકે છે.
એકબીજાને બાકી રહેલા રામ-રામ કરીને મોઢાં મીઠાં કરાવવાનો કાર્યક્રમ પણ યોજાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આમ, વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકોટ ભાજપમાં સમાધાનનો નવો અધ્યાય શરૂ થયો હોવાના સંકેતો મળી રહ્યા છે. આ પ્રયાસો કેટલા સફળ થાય છે અને જૂના મતભેદો ખરેખર કેટલા દૂર થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.
રાજકીય પંડિતો માની રહ્યા છે કે આ સમાધાનકારી પ્રયાસો સફળ થશે તો રાજકોટ ભાજપમાં એક નવા સૂર્યોદયનો આરંભ થઈ શકે છે. જોકે બદલાતાં રાજકીય સમીકરણો કોના માટે ખુશી અને કોના માટે ગમનું કારણ બનશે તે તો આવનારો સમય જ બતાવશે.(૩૮.૨૬)










