<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

દર સપ્તાહે સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકનો નવો ટ્રેન્‍ડઃ કાલે માત્ર બે દરખાસ્‍તો પર થશે નિર્ણય

માધાપર એસટીપીના ઓપરેશન-મેન્‍ટેનન્‍સ અને શહેરમાં વળક્ષારોપણ માટે કોન્‍ટ્રાક્‍ટની દરખાસ્‍ત એજન્‍ડામાં: જરૂર પડે તો અધ્‍યક્ષ સ્‍થાનેથી તાકીદની દરખાસ્‍ત પણ રજૂ થશે

રાજકોટ , તા.૭: મહાનગરપાલિકાની નવી બોડી કાર્યરત થયા બાદ સ્‍ટેન્‍ડિંગ કમિટીની કામગીરીમાં મહત્‍વનો ફેરફાર કરવામાં આવ્‍યો છે. અગાઉ દર મહિને એક વખત મોટી સંખ્‍યામાં દરખાસ્‍તો સાથે બેઠક યોજાતી હતી, જ્‍યારે હવે દર સપ્તાહે બુધવારે નિયમિત બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. તેના ભાગરૂપે બુધવારે મળનારી સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠક માટે માત્ર બે દરખાસ્‍તોનો એજન્‍ડા જાહેર કરવામાં આવ્‍યો છે.

બેઠકમાં માધાપર સ્‍થિત સુએઝ ટ્રિટમેન્‍ટ પ્‍લાન્‍ટ (STP)ના બે વર્ષના ઓપરેશન અને મેન્‍ટેનન્‍સ માટે કોન્‍ટ્રાક્‍ટ મંજૂર કરવાની દરખાસ્‍ત તેમજ શહેરના વિવિધ ટીપી પ્‍લોટ, વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ અને લાયન સફારી પાર્ક આસપાસના વિસ્‍તારોમાં વળક્ષારોપણ માટે કોન્‍ટ્રાક્‍ટ આપવાની દરખાસ્‍ત પર વિચારણા કરવામાં આવશે. જો બેઠક દરમિયાન કોઈ તાકીદની જરૂરિયાત ઉભી થશે તો અધ્‍યક્ષ સ્‍થાનેથી અરજન્‍ટ બિઝનેસ તરીકે નવી દરખાસ્‍ત પણ રજૂ કરી શકાશે.

સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ કાર્યભાર સંભાળ્‍યા બાદ જૂની પદ્ધતિમાં ફેરફાર કરીને દર સપ્તાહે બેઠક યોજવાનો અભિગમ અપનાવ્‍યો છે. આ વ્‍યવસ્‍થાથી સભ્‍યોને ઓછી સંખ્‍યાની દરખાસ્‍તોનો વિગતવાર અભ્‍યાસ કરવાનો પૂરતો સમય મળશે અને નિર્ણયો વધુ અસરકારક રીતે લઈ શકાશે તેવી અપેક્ષા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે પણ સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં માત્ર ત્રણ દરખાસ્‍તો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં અગાઉ પેન્‍ડિંગ રહેલી બે દરખાસ્‍તો ઉપરાંત રેટ કોન્‍ટ્રાક્‍ટના રિવ્‍યૂ અંગેની એક નવી દરખાસ્‍ત અધ્‍યક્ષ સ્‍થાનેથી રજૂ કરવામાં આવી હતી. નવી કાર્યપદ્ધતિ હેઠળ હવે દરખાસ્‍તોની સંખ્‍યા ઓછી રાખીને નિયમિત બેઠક યોજવાનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે

(3:08 PM IST)