<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

ફેસબૂક પર જાહેરાત વાંચી સોલાર પેનલ ફીટ કરાવવા જતાં નિતેશભાઇએ ૧ાા લાખ ગુમાવ્‍યા

સસ્‍તામાં સોલાર પેનલ નામે ૧૦૦થી વધુ ઠગાઇમાં ચાર મહિના પહેલા પકડાયેલી ટોળકી સામે હવે રાજકોટમાં પણ ગુનો દાખલઃ અગાઉ જામનગર સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓને પકડયા'તા : આજીડેમ પોલીસે હિરેન, ચેતન, કાના, ધીરજ સામે ઠગાઇનો ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૬: ફેસબૂક પર સસ્‍તામાં સોલાર પેનલની જાહેરાત મુકી લોકો સાથે મસમોટી ઠગાઇ કરનારી ટોળકી સામે આજીડેમ પોલીસમાં પણ એક ગુનો દાખલ થયો છે. આ ટોળકીને અગાઉ જામનગર સાયબર ક્રાઇમ પોલીસે પકડી ત્‍યારે ૧૦૦ જેટલી આવી ઠગાઇના ગુના આચર્યાની વિગતો બહાર આવી હતી. આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા રોડ ખોડલધામ સોસાયટી-૭ શેરી નં. ૨માં ‘મા બાલવી કૃપા' ખાતે રહેતાં અને મજુરી કરતાં નિતેશભાઇ બાબુભાઇ પીઠવા (ઉ.વ.૪૪)ની ફરિયાદ પરથી ધીરજભાઇ, કાનાભાઇ મેરામભાઇ બદીયાવદરા, હિરેનભાઇ નાથાભાઇ લાઠીયા અને ચેતનભાઇ પાણખાનીયા તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્‍યો છે.

નિતેશભાઇ પીઠવાએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મજુરી કરી ગુજરાન ચલાવુ છું. તા. ૨૮/૧૦/૨૫ના રોજ હું મારા ઘરે ફોનમાં મારી ફેસબૂક આઇડી ચેક કરતો હતો ત્‍યારે મેં ઇન્‍ટીફાય સોલાર પ્રાઇવેટ લિમીટેડ નામની સોલાર પેનલ માટેની જાહેરાત જોઇ હતી. જેમાં જણાવેલા મોબાઇલ નંબર ૯૭૭૩૦ ૫૦૯૬૪ ઉપર ફોન કરતાં આ ફોન રીસીવ કરનારે પોતે ધીરજભાઇ બોલે છે તેવી વાત કરી હતી. બાદમાં મેં મારા ઘરે સોલાર પેનલ ફીટ કરાવવી છે તેવુ કહેતાં તેણે કહેલું કે-અમારી કંપની બજાર ભાવ કરતાં સસ્‍તામાં, સારી ક્‍વોલીટીની સોલાર પેનલ ફીટ કરી આપશે. આથી મેં હા પાડી હતી. બાદમાં ધીરજભાઇએ મને વ્‍હોટ્‍ેસએપમાં રૂા. ૧,૪૮,૦૦૦નું કેટેશન મોકલ્‍યું હતું.

આઠેક દિવસ બાદ ધીરજભાઇ મારી અગાસીનું માપ લઇ ગયા હતાં. એ પછી તેણે ફોન કરી કોટેશનના પૈસાની વાત કરતાં મેં લોન કરાવવી છે તેમ કહેતાં તેણે બજાજ ફાયનાન્‍સમાંથી લોન થઇ જશે તેમ કહ્યું હતું. એ પછી બજાજ ફાયનાન્‍સના નામે મારા પર ફોન આવ્‍યોહ તો. મેં મારા પત્‍નિનું અધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ડિટેઇલ, લાઇટ બીલના ગ્રાહક નંબર આપ્‍યા હતાં. એ પછી બજાજ ફાયનાન્‍સમાંથી લોન મંજુર થઇ ગયાનો ૬/૧૧ના રોજ મને ફોન આવ્‍યો હતો. ધીરજભાઇએ ત્‍યારે કહેલું કે ૮૦ ટકા એટલે કે ૧,૩,૧૦૦૦ની લોન મંજુર થઇ છે. આ રૂપિયા કંપનીના એકાઉન્‍ટમાં આવી ગયા છે. બાકીના ૧૬૦૦૦ તમારે આપવા પડશે. જેથી તેણે મોકલેલા સ્‍કેનરમાં મેં ૧૬૦૦૦ ટ્રાન્‍સફર કરી દીધા હતાં. આ પછી પંદરેક દિવસ વીતી જવા છતાં કામ ચાલુ ન થતાં મેં ધીરજભાઇને આ બાબતે ફોન કરી પુછતાં તેણે તમારે ત્‍યાં જે પેનલ નાંખવાની છે તે કંપની પાસે હાલ નથી, હજુ પંદરેક દિવસ લાગશે તેમ કહ્યું હતું. આ પછી હું જ્‍યારે પણ પેનલ બાબતે ફોન કરતો ત્‍યારે ધીરજભાઇ નવા નવા બહાના ધરી દેતો હતો. એ દરમિયાન બજાજ ફાયનાન્‍સની લોનના બે હપ્‍તા પણ મારા પત્‍નિના એકાઉન્‍ટમાંથી કપાઇ ગયા હતાં. એ પછી મેં ફરી ફોન કરતાં ધીરજભાઇનો ફોન બંધ હતો. બાદમાં બજાજ ફાયનાન્‍સવાળા મારા ઘરે સોલાર પેનલ જોવા આવ્‍યા હતાં. પરંતુ અહિ કોઇ પેનલ ફીટ થઇ નહોતી. બજાજવાળા મારફત જાણવા મળેલુ કે ઇન્‍ટીફાઇ સોલાર કંપનીના માલિક કાના મેરામભાઇ બદીયાવદરા, હિરેન નાથા લાઠીયા અને ચેતન પાણખાનીયા છે. આ પછી મેં ચેતનભાઇ સાથે વાતક રતાં તેણે થોડા દિવસમાં કામ ચાલુ થઇ જશે તેવી ખાત્રી આપી હતી. પરંતુબ ાદમાં તેનો ફોન પણ બંધ થઇ ગયો હતો. આમ આ બધાએ ભેગા મળી મારી સાથે ઠગાઇ કર્યાનું જણાયું હતું. મને એવી પણ જાણ થઇ હતી કે આ બધાએ સાથે મળી સોલાર પેનલના નામે અનેક લોકો સાથે કરોડોની ઠગાઇ કરી છે.  પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્‍સ. એસ. જે. ચોૈહાણે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ચાર મહિના પહેલા જામનગર સાયબર ક્રાઇમ પોલીસે જામનગર સી-ડિવીઝનમાં  નોંધાયેલા સોલાર પેનલના નામે ફ્રોડના કેસમાં ટોળકીના પાંચ જણા  હિરેનભાઈ નાથાલાલ લાઠીયા, ચેતનભાઈ અશોકભાઈ પાણખાણીયા, રાહુલભાઈ રાજેન્‍દ્રપ્રશાદ ભટ્ટ , અભયભાઈ જીતેન્‍દ્રભાઈ પરમાર અને રામજી કમોદસિંઘ લોધીની ધરપકડ કરી હતી. જે તે વખતે આ ટોળકીએ સોલાર પેનલના નામે ૧૦૦થી વધુ લોકો સાથે ફ્રોડ આચર્યુ હોવાની વિગતો ખુલી હતી. હવે આ ટોળકી પૈકીના ચેતન, હિરેન સહિતની સામે રાજકોટ આજીડેમમાં ગુનો નોંધાયો છે.

 

(3:59 PM IST)