તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
મેન્ડેટ વિરૂધ્ધ જનાર સામે તોળાતા પગલા
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીએ ભાજપનું ‘ઘર સળગાવ્યું'? : જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખી વિજય સખીયા, જયેશ બોઘરા સહિતના ચાર ભાજપ નેતાઓ સામે પગલાં ભરવા કરી ભલામણ : માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને પ્રદેશ મોરચાના હોદ્દેદારોએ જ પાર્ટી વિરુદ્ધ ઉમેદવારી નોંધાવતા સંગઠનમાં ભારે ખળભળાટ

રાજકોટઃ રાજકોટ-લોધિકા સહકારી સંઘની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે રાજકોટ જિલ્લા ભાજપના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ચૂંટણી દરમિયાન પક્ષના અધિકૃત મેન્ડેટની અવગણના કરીને બળવો કરનારા ચાર મોટા નેતાઓ સામે ભાજપ સંગઠન હવે આરપારના મોરચે આવી ગયું છે. પક્ષના નીતિ-નિયમો અને મેન્ડેટ વિરુદ્ધ જઈને ચૂંટણી લડનારા અગ્રણીઓ સામે શિસ્તભંગના કડક પગલાં લેવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ પ્રદેશ પ્રમુખને સત્તાવાર પત્ર પાઠવીને રજૂઆત કરી છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે.
રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ ભાજપમાં અંદરોઅંદરનો અસંતોષ અને વિવાદ સપાટી પર આવ્યા હતા. સંગઠન દ્વારા નક્કી કરવામાં આવેલા અધિકૃત ઉમેદવારો સામે પક્ષના જ કેટલાક વરિષ્ઠ અને જવાબદાર નેતાઓએ બળવાખોરી કરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ બળવાખોરોમાં ભાજપના પ્રદેશ મોરચાના આગેવાન વિજય કોરાટ, ગોંડલ માર્કેટિગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, વિજય સખીયા તથા ભૂપતસિહ જાડેજા જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. પક્ષના મેન્ડેટ હોવા છતાં આ તમામ આગેવાનોએ ચૂંટણીમાં ઝંપલાવતા સંગઠનની શિસ્તના ધજાગરા ઉડ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાં જ હવે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે લાલ આંખ કરી છે. તેમણે પ્રદેશ પ્રમુખને મોકલેલી યાદીમાં આ ચારેય આગેવાનોના નામ આપીને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પક્ષના જવાબદાર હોદ્દાઓ ભોગવતા આગેવાનો દ્વારા જ મેન્ડેટ અનાદર કરાતા ભાજપ હાઈકમાન્ડ પણ આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યું છે. આગામી દિવસોમાં આ ચારેય અગ્રણીઓને પક્ષમાંથી નિલંબિત કરવા અથવા તેમના હોદ્દા પરથી દૂર કરવા સહિતના કડક શિસ્તભંગના પગલાં લેવાય તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે
(3:22 PM IST)










