<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

ન માઈક- ન ભુંગળા, સોશ્‍યલ મડીયામાં પ્રચારઃ રાજકીય પક્ષોમાં નવો ટ્રેન્‍ડ

હાઈટેક યુગમાં રાજકોટ ભાજપ-કોંગ્રેસ-આપ દ્વારા વિવિધ પ્‍લેટફોર્મ ઉપર પોસ્‍ટની ભરમાર : ૨૫ હજારથી ૧.૫૦ લાખ રૂપિયા સુધીનો ખર્ચઃ એક દિવસમાં ૨ થ ૩ હજાર લોકો સુધી રીલ્‍સ વાઈરલ થાય છે

રાજકોટ,તા.૨૧: મનપાની ચૂંટણીના જાહેર પ્રચાર આડે ગણતરીના દિવસો બચ્‍યા છે ત્‍યારે રાજકોટમાં રીક્ષા-ટેમ્‍પો સહિતના પરંપરાગત પ્રચાર વાહનો સાથે રેલી-સભાઓ યોજાઈ રહી છે. પણ હાલના હાઈટેક યુગમાં ભાજપ, કોંગ્રેસ, આપ દ્વારા રિલ્‍સ અને સોશ્‍યલ મિડીયામાં મતદારોને રિઝવવા પોસ્‍ટની ભરમાર કરવામાં આવી રહી છે.

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણીનાં ઉમેદવારો હવે પરંપરાગત સભાઓ અને રેલીઓ સાથોસાથે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મનો પણ વ્‍યાપક ઉપયોગ કરી રહ્યા છે. ઈન્‍સ્‍ટાગ્રામ, ફેસબુક અને યુ-ટયુબ જેવા માધ્‍યમો ચૂંટણી પ્રચાર માટે મુખ્‍ય હથિયાર બની રહ્યાં હોવાથી કન્‍ટેન્‍ટ ક્રિએટર્સ અને ડિજિટલ માર્કેટિગવાળાઓને કમાણીની સીઝન ખૂલી છે.

સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર વધુ ઝડપથી અને ઓછી કિમતમાં મોટી સંખ્‍યામાં લોકો સુધી પહોંચે છે. તેમાં ઘણાં લોકો કોમેન્‍ટ્‍સ અને મેસેજ દ્વારા સીધો પ્રતિસાદ પણ આપે છે, જેનાથી ઉમેદવાર લોકમિજાજ જાણી શકે છે. રાજકોટ-સૌરાષ્ટ્રના યુવાનોમાં પણ આ પ્રકારનો પ્રચાર લોકપ્રિય બન્‍યો છે. ઘણાં યુવાનો ઉમેદવારોના વીડિયો શેર કરે કરે છે અને તેમના અભિપ્રાય પણ જાહેર કરે છે. કેટલાંક ઉમેદવારો દ્વારા દસ દિવસ પ્રચાર માટે કોન્‍ટ્રાક્‍ટ રાખવામાં આવ્‍યો છે, જેમાં રોજના ૨થી ૫ હજાર રૂપિયા ચાર્જ લેતા કેમેરામેન ઉમેદવારની સાથે અલગ-અલગ વિસ્‍તારોમાં ફરીને બેથી ત્રણ કલાકનો વીડિયો શૂટ કરે છે.

ઉમેદવારની લોકો સાથેની મુલાકાત, હારતોરા સહિત જુદા-જુદા કોન્‍સેપ્‍ટ અને કન્‍ટેઇન મુજબ સારા શોટ મિક્‍સ કરવામાં આવે છે અને ૧૦ સેકેન્‍ડ આસપાસના વીડિયોમાં ફિલ્‍મનાં ગીતો અને ડાયલોગ મુકવામાં આવે છે. રોજ દિવસ દરમિયાન એ અલગ-અલગ રીલ્‍સ ઇન્‍સ્‍ટાગ્રામ અથવા ફેસબુકમાં અપલોડ કરાતી રહેશે.

ઉમેદવારો જુદી-જુદી કંપનીઓ પાસેથી એક પ્રકારને સોફટવેર ખરીદ કરે છે. આ સોફટવેર ૭૦ હજાર રૂપિયાથી વધુની કિમતનો હોય છે, જેમાં વોર્ડ પ્રમાણે મતદારોના ફોન નંબર સહિતનો ડેટા હોય છે. ત્‍યારબાદ દરેક વોર્ડમાં દસથી વધુ માણસોને બેસાડીને વોર્ડના મતદારોના મોબાઈલ નંબર પર કોલ, એસ.એમ.એસ, વ્‍હોટસ એપ મેસેજ અને પ્રચારાત્‍મક વીડિયો મોકલાવવામાં આવે છે. આ માણસોને કલાક મુજબનું મહેનતાણું તેમજ જમવાનું, ચા-નાસ્‍તો સહિતનો ખર્ચ ઉમેદવાર ચૂકવે છે. આ પ્રચાર મતદાનના આગલા દિવસ સુધી ચાલે છે. ઉમેદવારો દ્વારા ડિજિટલ માર્કેટીંગવાળા સાથે દસ દિવસ માટે કોન્‍ટ્રાક્‍ટ રાખવામાં આવે છે, જે માટે ૨૫ હજારથી ૧.૫૦ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે.

એક દિવસના ૫૦૦ રૂપિયામાં ૨થી ૩ હજાર લોકો સુધી, ૧ હજાર રૂપિયામાં ૬થી ૭ હજાર લોકો સુધી તેમજ ૫ હજાર રૂપિયામાં ૫૦થી ૬૦ હજાર લોકો સુધી રીલ્‍સ વાઈરલ થાય છે. કેટલાક ઉમેદવારો આખાં કેમ્‍પેઈન માટે ૨ લાખથી ૧૦ લાખ રૂપિયા કે તેથી વધુ પણ ખર્ચે છે. ખાસ કરીને તેઓ પ્રોફેશનલ ટીમ રાખે છે.

ઉમેદવારનો વિસ્‍તાર મોટો હોય છે. એ પૈકી અમુક રીચ વિસ્‍તારમાં પ્રચાર કરવા માટે પ્રોફેશનલ ટીમ રાખીને વધુ રીચ અને ટાર્ગેટેડ ઓડિયન્‍સ વીડિયો તેમજ રીલ્‍સ બનાવી પ્રચાર કરાય છે. કેમ્‍પેઈનમાં કેમેરામેન અને તેની ટીમને દોઢ લાખથી વધુ મહેનતાણુ ચૂકવાઈ રહ્યું છે.

 

 

(2:40 PM IST)