તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
રાજકોટ-કોટડા-ગોંડલના ર૪ ગામોમાં ૬૦ દિવસ સુધી બિનખેતી પરવાનગી અંગેની પ્રક્રિયા સ્થગિત કરતા કલેકટર ઓમપ્રકાશ
સરકારના પરિપત્રબાદ મહત્વનો નિર્ણયઃ ગોંડલ-હિરાસર એરપોર્ટ બાયપાસ અંતર્ગત સંપાદનમાં આવતા ગામો સંદર્ભે કાર્યવાહી

રાજકોટઃતા.૭,ગોંડલ-રાજકોટ (હિરાસર એરપોર્ટ) બાયપાસ યોજનામાં આવતા રાજકોટ, કોટડાસાંગાણી અને ગોંડલ તાલુકાના કુલ ૨૪ ગામોમાં આગામી ૬૦ દિવસ માટે બિનખેતી (એન.એ.) પરવાનગી અંગેની પ્રક્રિયા હાલ તુરંત સ્થગિત કરવામાં આવી છે.
સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર અન્વયે જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશ દ્વારા આ મહત્વનો નિર્ણય જારી કરવામાં આવ્યો છે. જેની સંબંધિત જમીનધારકો અને નાગરિકોએ નોંધ લેવા પણ સૂચના આપાઇ છે.
રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે, સરકારના મહેસૂલ વિભાગના ૨ જૂન ૨૦૨૬ના પરિપત્રથી જમીન સંપાદન અંતર્ગત સંપાદન થનાર જમીનોને જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ હેઠળ બિનખેતી પરવાનગી આપવા બાબતે સૂચના અપાઈ છે. આ પરિપત્ર મુજબ, સંપાદક સંસ્થા દ્વારા યોજનામાં સંભવિત સમાવિષ્ટ થનારા ગામોની યાદી કલેક્ટરને સોંપવાની રહે છે. આ યાદી મુજબના ગામોની બિનખેતી મંજૂરી અંગેની કાર્યવાહી ૬૦ દિવસ માટે સ્થગિત કરવાની હોય છે. આ ૬૦ દિવસના સમયગાળામાં સંપાદન કરવાપાત્ર સર્વે નંબરની ઓળખ કરવા અંગેની કાર્યવાહી સંપાદક સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
પ્રોજેક્ટ ડાયરેક્ટર, એન.એચ.એ.આઈ., પી.આઈ.યુ., રાજકોટ દ્વારા ગોંડલ-રાજકોટ (હિરાસર એરપોર્ટ) બાયપાસ અંતર્ગત સંપાદન યોજનામાં આવતા ગામોની યાદી ૨૨મી જૂને મોકલવામાં આવી છે.
જેમાં રાજકોટ તાલુકાના રામપરા બેટી, મઘરવાડા, સાયપર, કુચીયાદડ, રફાળા, ભાયાસર, કાથરોટા, પાડાસણ, અણીયાળા, ખેરડી, ગુંદા, કસ્તુરબા ધામ, કુવાડવા, ઢાંઢણી, ઢાંઢીયા અને ગઢકા ગામનો સમાવેશ થાય છે. જ્યારે કોટડાસાંગાણી તાલુકાના રાજપરા, અરડોઈ, નારણકા, પીપલાણા અને આણંદપર તેમજ ગોંડલ તાલુકાના ગુંદાસરા, રીબડા અને પીપળીયા ગામનો સમાવેશ થાય છે. સંપાદન પ્રક્રિયામાં આવતા ઉપરોક્ત ગામોમાં ૬૦ દિવસ સુધી બિનખેતી પરવાનગી અંગેની પ્રક્રિયા હાલ સ્થગિત કરવામાં આવી છે.
સંપાદક સંસ્થા એન.એચ.એ.આઈ. દ્વારા જમીન સંપાદન કરવાપાત્ર સંભવિત સર્વે નંબરની ઓળખ અંગેની કાર્યવાહી પૂર્ણ થયા બાદ કલેક્ટર કચેરી ખાતે દરખાસ્ત કરવામાં આવશે. આ દરખાસ્તમાં બિનખેતી પરવાનગી માટે માંગણી કરેલી જમીનનો સમાવેશ સંપાદન હેઠળ થતો ન હોય તો તે માટે અરજી કરી શકાશે, તેમ કલેકટરે ઉમેર્યુ હતું.
(2:33 PM IST)










