તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
વસતિ ગણતરીમાં માત્ર શિક્ષકો જ નહી... પરંતુ અન્ય સરકારી કર્મચારીઓને પણ કામગીરી સોંપોઃ આવેદન
૮૦ થી ૯૦ ટકા ટાર્ગેંટ ફરીજીયાત રાખવાથી શિક્ષકો પર દબાણ ઉભુ થાય છે BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકોને મુકિત આપોઃ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘનું કલેકટરને આવેદન

રાજકોટ, તા. ૭: પ્રાથમિક શૈક્ષિક મહાસંધના આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી રાજકોટ જિલ્લામાં ચાલી રહેલી ગણતરી તથા પ્રશાસનિક કામગીરી અંગે શિક્ષક મિત્રોની વાજબી મુશ્કેલીઓ બાબતે રજૂઆતો કહી હતી.
આવેદનમાં ઉમેર્યુ હતું કે, રાજકોટ જિલ્લામાં ટૂંક સમયમાં વસ્તી ગણતરી તેમજ પ્રશાસનિક કામગીરી દરમિયાન પ્રાથમિક શિક્ષક મિત્રોને અનેક પ્રકારની વ્યવહારિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તેમજ શિક્ષણ જેવા અત્યંત જવાબદારીપૂર્ણ કાર્ય સાથે વધારાની ફરજો નિભાવતા શિક્ષકો પર વધતું દબાણ તેમજ શિક્ષણ કાર્યને અસર ન થાય તે હેતુસર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટ વતી મુદ્દાસર રજૂઆત છે.
વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ કામગીરીમાં માત્ર શિક્ષકોને જ નહીં, પરંતુ અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓની પણ સમાન રીતે ફરજ ફાળવવામાં આવે. શરૂઆતથી જ ૮૦% થી ૯૦% જેટલા ટાર્ગેટ ફરજિયાત રાખવાથી શિક્ષકો પર અનાવશ્યક માનસિક દબાણ ઊભું થાય છે, તેથી ટાર્ગેટ બાબતે યોગ્ય લવચીકતા રાખવામાં આવે. BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકો જો મુક્તિ માંગે તો એમને સંવેદનશીલતાથી મુક્તિ આપવામાં આવે, કારણ કે તેઓ અગાઉ SIR જેવી કામગીરી પૂર્ણ કરી ચૂકયા હોય તેમ તેમની પર ભાર વધે છે. ૫૦ વર્ષથી મોટી ઉંમરના તેમજ સગર્ભા મહિલાઓને મુક્તિ આપવામાં આવે.
સુપરવાઈઝર મિત્રોને ૫ અથવા એમની નોકરીમાં સ્થળની નજીક બનતા જૂથમાં જ ગણતરીદારો સોંપવામાં આવે જેથી કાર્યમાં સરળતા રહે. તાલુકા અને જિલ્લા કક્ષાએ મજબૂત સંકલન વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી શિક્ષકોને અનાવશ્યક દોડધામથી મુક્તિ મળે તેમજ શિક્ષકો અને અધિકારીઓ વચ્ચે સકારાત્મક અને સંવેદનશીલ સંવાદ જળવાઈ રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. કોઈપણ શિક્ષક મિત્ર સાથે અપમાનજનક અથવા ધમકીભર્યો વલણ ટાળવામાં આવે. હેડક્વાર્ટર બાબતે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવે. ખાસ કરીને ઉનાળુ વેકેશન દરમિયાન જો કામગીરી સોંપવામાં આવે તો કામગીરીમાં રોકાયેલ તમામ કર્મચારી ને-હેડક્વાર્ટર ન છોડવા બાબતે સ્પષ્ટ અને તાત્કાલિક આદેશો પ્રસિદ્ધ કરવામાં આવે. આવેદન દેવામાં સંજયભાઇ હુંબલ, સાગરભાઇ પોપટ તથા અન્યો જોડાયા હતા.
(2:16 PM IST)










