News of Monday, 29th June 2026
હવે રાજકમલ ફાટક પાસે H આકારના બ્રિજની વિચારણા
શહેરમાં રેલ્વે ફાટક મુકત માટે મોટા પ્રોજેકટોની તૈયારીઓ : પી.ડી. માલવિયા કોલેજ પાસે અન્ડરબ્રિજને રૂા. ૮૨ કરોડની સૈધ્ધાંતિક મંજુરીઃ બંને ફાટક પર એકસાથે બ્રિજ બનાવવાનું આયોજન

રાજકોટ ,તા.૨૯: શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રેલ્વે ફાટકમુક્ત વ્યવસ્થા ઊભી કરવાના ઉદ્દેશ સાથે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ આગળ વધારવામાં આવી રહ્યા છે. પી.ડી. માલવિયા કોલેજ પાસે આવેલ રેલ્વે ફાટક નજીક અન્ડરબ્રિજ બનાવવાની સરકારશ્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે અંદાજેરૂા.૨ કરોડની રકમને સૈદ્ધાંતિક મંજૂરી મળતા હવે આગામી પ્રક્રિયાઓને ગતિ મળશે.
પ્રસ્તાવિત અન્ડરબ્રિજના એલાઈમેન્ટ મુજબ ઢેબર રોડ અને ગોંડલ રોડ પર કેટલીક મિલકતો કપાતમાં આવતી હોવાથી, લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ કપાતની કામગીરી ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે જ પ્રોજેક્ટનું ડી.પી.આર., ટેન્ડર પ્રક્રિયા અને રેલ્વે વિભાગ સાથેનું સંકલન બાંધકામ શાખા સેન્ટ્રલ ઝોન દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ અન્ડરબ્રિજ તૈયાર થયા બાદ ઢેબર રોડ, ગોંડલ રોડ અને પી.ડી. માલવિયા કોલેજ વિસ્તારના ટ્રાફિકને મોટી રાહત મળશે. ખાસ કરીને ફાટક બંધ રહેવાના કારણે થતા ટ્રાફિકજામ, વાહનોની લાંબી લાઈનો અને સમય બગાડ જેવી સમસ્યાઓમાં ઘટાડો થવાની શકયતા છે.
આ સાથે હવે રાજકોટના રાજકમલ ફાટક અંગે પણ આગામી સમયમાં વિચારણા આગળ વધે તેવી શકયતા છે. રાજકમલ ફાટક પાસે H આકારના બ્રિજનો પ્રાથમિક વિચાર ચાલી રહ્યો છે, જેનો અંદાજીત ખર્ચ આશરે રૂા. ૮૧ કરોડ માનવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ આગળ વધે તો કોઠારીયા તરફથી આવતા ભારે વાહનોને સીધું ક્રોસિંગ મળી શકે અને શહેરના આંતરિક ટ્રાફિક પરનો ભાર ઘટી શકે.
રાજકમલ ફાટક પર H આકારનો બ્રિજ બને તો ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને મોટો લાભ મળી શકે છે. કોઠારીયા અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી આવતા ભારે વાહનોને ફાટક પર અટકવું ન પડે અને સીધી કનેક્ટિવિટી મળે, તો માલવાહક વાહનોના સમય અને ઇંધણ બંનેમાં બચત થશે.
જો કે, આ બંને પ્રોજેક્ટમાં રેલ્વે વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. મિલકત કપાત, એલાઈમેન્ટ, ડી.પી.આર., ટેન્ડર,રેલ્વે મંજૂરી અને ટેકનિકલ સંકલન જેવી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ જ પ્રોજેક્ટ વાસ્તવિક અમલીકરણ તરફ આગળ વધી શકશે. હાલ પી.ડી. માલવિયા કોલેજ નજીકના અન્ડરબ્રિજની કામગીરી માટે પ્રાથમિક તબક્કાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, જ્યારે રાજકમલ ફાટકનો વિચાર પણ આગામી સમયમાં આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. (
(2:55 PM IST)










