તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 5th October 2026
હવે રાજકોટ હિરાસર એરપોર્ટ પરથી ઉડશે ઈન્ટરનેશનલ ફલાઇટ!!
ડિસેમ્બરના અંત સુધીમાં રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફલાઇટ શરૂ થાય તેવી સંભાવનાઃ તૈયારી શરૂ : પોલીસ કર્મચારીઓને ઈમિગ્રેશનની ખાસ ટ્રેનિંગઃ સૌરાષ્ટ્રવાસીઓને અમદાવાદ સુધી જવાની જરૂરિયાત ઘટશે

રાજકોટ,તા.૫: રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે હિરાસર એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફલાઇટ શરૂ થવાના સમાચાર છે. ડિસેમ્બરના અંત સુધીમાં રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફલાઇટ શરૂ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ સેવા શરૂ થશે તો સૌરાષ્ટ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે અમદાવાદ સુધી લાંબી મુસાફરી કરવાની જરૂરિયાત ઘટી શકે છે.
રાજકોટના હિરાસર એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફલાઇટ શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઇમિગ્રેશન વ્યવસ્થા માટે જરૂરી પ્રક્રિયાઓ આગળ વધારવામાં આવી રહી છે. ઈન્ટરનેશનલ ફલાઇટ માટે એરપોર્ટ પર ઈમિગ્રેશન સહિતની સુવિધાઓ મહત્વપૂર્ણ હોવાથી આ દિશામાં કામગીરી તેજ કરવામાં આવી છે.
ઈમિગ્રેશન પ્રક્રિયા માટે તાજેતરમાં રાજકોટ પોલીસના PI, PSI સહિત અંદાજે ૧૧ જેટલા પોલીસ કર્મચારીઓએ તાલીમ પૂર્ણ કરી છે. અમદાવાદ ખાતે પોલીસ કર્મચારીઓ માટે ઈમિગ્રેશન સંબંધિત ખાસ ટ્રેનિગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ ઈન્ટરનેશનલ પેસેન્જરોની અવરજવર દરમિયાન જરૂરી ઈમિગ્રેશન પ્રક્રિયા અને સંબંધિત કામગીરી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હિરાસર એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફલાઇટ શરૂ કરવાની તૈયારીઓમાં આ પ્રક્રિયા પણ એક મહત્વપૂર્ણ ભાગ છે.
હાલ સૌરાષ્ટ્રમાંથી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા મુસાફરો માટે અમદાવાદ એક મહત્વપૂર્ણ વિકલ્પ છે. રાજકોટથી જ ઈન્ટરનેશનલ ફલાઇટ સેવા શરૂ થશે તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના મુસાફરોને સીધી સુવિધા મળી શકે છે. ડિસેમ્બરના અંત સુધીમાં રાજકોટથી ઈન્ટરનેશનલ ફલાઇટ ઉડાન ભરે તેવી સંભાવના છે. જોકે, ફલાઇટ કયા આંતરરાષ્ટ્રીય રૂટ પર શરૂ થશે અને ચોક્કસ તારીખ શું હશે તે અંગે હજુ અંતિમ સત્તાવાર વિગતો સામે આવી નથી. હાલમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઈમિગ્રેશન સહિતની તૈયારીઓ આગળ વધારવામાં આવી રહી છે
(10:21 AM IST)










