News of Tuesday, 17th November 2026
રાજકોટમાં હવે ખાનગી ડેરીઓએ દૂધના ભાવમાં રૂ.૨થી રૂ.૪ સુધીનો વધારો ઝીંક્યો
કમરતોડ મોંઘવારીનો વધુ એક માર! : રાજકોટમાં ખાનગી ડેરીઓનું મોટું નેટવર્ક છેઃ શહેરમાં અંદાજે ૬૫૦ ડેરીઓ આવેલી છે, જ્યાંથી દરરોજ છૂટક અંદાજે ૩ લાખ લીટર દૂધનું વેચાણ થાય છે

રાજકોટ,તા.૧૭: દૂધના ભાવમાં ફરી એકવાર વધારો થતાં સામાન્ય પરિવારોના ઘરનું બજેટ ખોરવાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. હજુ તો અમૂલ દ્વારા દૂધના ભાવમાં કરવામાં આવેલા વધારાની અસર લોકો અનુભવી રહ્યા છે, ત્યાં હવે રાજકોટની ખાનગી ડેરીઓએ પણ ભાવ વધારો ઝીંકી દીધો છે. રાજકોટમાં ખાનગી ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં ૨થી ૪ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ડેરી મર્ચેન્ટ એસોસિયેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે હવે રાજકોટના લોકોને રોજિદા વપરાશ માટે દૂધ ખરીદવા વધુ રૂપિયા ખર્ચવા પડશે.
રાજકોટમાં ખાનગી ડેરીઓનું મોટું નેટવર્ક છે. શહેરમાં અંદાજે ૬૫૦ ડેરીઓ આવેલી છે, જ્યાંથી દરરોજ છૂટક અંદાજે ૩ લાખ લીટર દૂધનું વેચાણ થાય છે. આ તમામ ડેરીઓમાં દૂધના ભાવ વધારાની અસર જોવા મળશે. ડેરી મર્ચેન્ટ એસોસિયેશન દ્વારા દૂધની ફેટના આધારે અલગ-અલગ ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેમાં ૪ ફેટથી વધુના દૂધમાં પ્રતિ લીટર ૪ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ૪ ફેટ સુધીના દૂધમાં પ્રતિ લીટર ૨ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
ભાવ વધારા બાદ હવે ગ્રાહકોએ દૂધ ખરીદવા માટે વધુ નાણાં ચૂકવવા પડશે. અગાઉ ૪ ફેટ સુધીનું દૂધ ૩૦થી ૩૫ રૂપિયામાં મળતું હતું, જેનો ભાવ હવે વધીને ૩૨થી ૩૭ રૂપિયા સુધી થઈ ગયો છે. બીજી તરફ ૪થી ૬ ફેટ સુધીના દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ દૂધનો ભાવ વધીને હવે ૬૨થી ૭૦ રૂપિયા સુધી પહોંચ્યો છે. આમ, દૂધની ફેટ પ્રમાણે ગ્રાહકોને ૨થી ૪ રૂપિયા સુધીનો વધારાનો બોજ સહન કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમૂલ દ્વારા પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર ૪ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લીટર ૨ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. આ ભાવ વધારા બાદ અમૂલ ગોલ્ડના અડધા લીટરના પાઉચની કિમત ૩૫ રૂપિયાથી વધીને ૩૭ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે અમૂલ તાજાના અડધા લીટરના પાઉચનો ભાવ ૨૯ રૂપિયાથી વધીને ૩૦ રૂપિયા થયો છે.
માત્ર અમૂલ જ નહીં, પરંતુ બરોડા ડેરી દ્વારા પણ અમૂલ શક્તિ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. બરોડા ડેરીએ અમૂલ શક્તિના પ્રતિ ૫૦૦ મિલીના પાઉચ પર ૨ રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ અમૂલ શક્તિના ૫૦૦ મિલીના પાઉચની કિમત હવે ૩૪ રૂપિયા થઈ ગઈ છે. એક પછી એક ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવતાં સામાન્ય ગ્રાહકોની મુશ્કેલી વધી રહી છે. દૂધ રોજિંદા જીવનની જરૂરી વસ્તુ હોવાથી દરેક પરિવારને આ ભાવ વધારાની સીધી અસર થશે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો ધરાવતા પરિવારોમાં દૂધનો વપરાશ વધુ હોય છે. ત્યારે અમૂલ બાદ રાજકોટની ખાનગી ડેરીઓ અને બરોડા ડેરીના ભાવ વધારાથી હવે દૂધ ખરીદવા માટે ગ્રાહકોએ પોતાના માસિક બજેટમાં વધુ ખર્ચની તૈયારી રાખવી પડશે.(૪૦
(2:59 PM IST)










