તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
રાજકોટના ૧૦૦૦ થી વધુ હાઉસીંગ બોર્ડના કવાર્ટર ધારકોના પ્રાણ પ્રશ્ને અધિકારીઓએ સરકારને પહેરાવ્યા ‘ઉંધા ચશ્મા!'
રીનોવેશન-બાંધકામના પ્લાન પાસ નહિ કરવાના હાઉસીંગ બોર્ડના મનસ્વી ફતવાનો છેદ ખુદ હાઉસીંગ બોર્ડના આરટીઆઇ અધિકારીએ ઉડાવ્યો : ર૦૧૯ ની સરકારની પોલીસી મુજબ લીઝવાળી જમીન ફ્રિહોલ્ડ ન કરાવે ત્યાં સુધી મંજુરી નહિ આપવાનો કોઇ નિયમ કે કાયદો જ નથી : માનીતા બિલ્ડરોને પીપીપી યોજનામાં લીઝની જમીનોની લ્હાણી કરતી સરકાર સામાન્ય લોકોની સાચી માગણીઓને અભેરાઇએ ચડાવવાનું વલણ છોડે : ગુજરાત હાઉસીંગ બોર્ડ લીઝ હોલ્ડર્સ એસોસીએશનની માંગણી : અમીન માર્ગ ઉપર સામે આવેલા હાઉસીંગ બોર્ડના લોઅર ઈન્કમ ગ્રુપના જર્જરીત કવાર્ટર : ૨૫ થી પપ વર્ષ જુના ‘મોતના માચડા' સમાન કવાર્ટર ધારકોને થઇ રહેલા અન્યાયના મુદ્દે યુવા મેયર નેહલ શુકલ સામે આશાભરી મીટ

રાજકોટ, તા., રઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના હાઉસીંગ બોર્ડ કવાટર્સ (ટેનામેન્ટસ) જે ૯૯ વર્ષ + ૯૭ વર્ષના ભાડા ઉપર છે તેની અત્યંત કથળેલી હાલત કોઇ હોનારત સર્જાય જાય તે પહેલા તેને રીનોવેટ કરવા કે નવા બાંધકામ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાન પાસ આપવામાં આવે તેવી કવાર્ટર ધારકોની ઉચીત અને નિયમાનુસાર માંગણીને હાઉસીંગ બોર્ડના મનસ્વી અધિકારીઓ દ્વારા અકારણ ટલ્લે ચડાવી સરકારને પણ ‘ઉંધા ચશ્મા' પહેરાવાઇ રહયા છે. જે હવે ખુદ હાઉસીંગ બોર્ડના માહિતી અધિકારીએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એકટ હેઠળ માંગવામાં આવેલી માહિતીના જવાબમાં સ્વીકાર્યુ છે ત્યારે આ મામલે મ્યુનિસીપલ કોર્પોરેશનના યુવા મેયર નેહલ શુકલ તાત્કાલીક નિવેડો લાવી આમ લોકોના પ્રાણ પ્રશ્ને બાજુમાં ઉભા રહેવાની ભાજપની બાંહેધરીને ખરા અર્થમાં અનુસરે તેવી માંગણી ગુજરાત હાઉસીંગ બોર્ડ લીઝ હોલ્ડર્સ એસોસીએશન દ્વારા કરવામાં આવી છે.
રાજકોટમાં હાઉસીંગ બોર્ડ હસ્તકની આવી ર૦ એસ્ટેટ આવેલી છે જેમાં ઓછામાં ઓછા ૧૦૦૦ જેટલા ટેનામેન્ટસ કે કવાટર્સ આવેલા છે. આ પૈકીના મોટા ભાગના રહેણાંકોની હાલત અત્યંત જર્જરીત બની ગઇ છે. છેલ્લા ઘણા વર્ષોથી આ કવાર્ટરને રીનોવેટ કરવા માટેના કે તોડીને નવુ બાંધકામ કરવા માટેના પ્લાન પાસ માટેની માંગણીઓ હાઉસીંગ બોર્ડ દ્વારા મ્યુનિસીપલ કોર્પોરેશનને પાઠવાયેલા એક તદ્ન ગેરકાયદે પત્રના કારણે અટકેલી છે. હાઉસીંગ બોર્ડ હસ્તકની અમદાવાદ, સુરત, બરોડાની એક પણ યોજનાઓમાં આ રીતે સુધારા-વધારા કે નવા બાંધકામને અટકાવાતુ નથી કે જે તે મહાનગર પાલીકા દ્વારા પ્લાન પાસ માટે આનાકાની કરવામાં આવતી નથી ત્યારે માત્ર સૌરાષ્ટ્ર-કચ્છની જ વસાહતોને આ અન્યાય શા માટે કરવામાં આવે છે? તે અંગે હાઉસીંગ બોર્ડ લીઝ હોલ્ડર એસોસીએશનના પ્રમુખ અશોકભાઇ કામદારે જણાવ્યું કે, હાઉસીંગ બોર્ડના અધિકારીઓના એક મનસ્વી ફતવાના કારણે આવુ થઇ રહયું છે. જયારે જયારે કોઇ પણ ટેનામેન્ટ ધારક દ્વારા મ્યુનિસીપલ કોર્પોરેશન પાસે પ્લાન પાસની માંગણી કરવામાં આવી ત્યારે હાઉસીંગ બોર્ડના કાર્યપાલક ઇજનેર દ્વારા ર૦ર૧ માં મ્યુનિસીપલ કોર્પોરેશનને જયાં સુધી કોઇ પણ ટેર્નામેન્ટ ધારક લીઝમાંથી મિલ્કત ફ્રીહોલ્ડ ન કરાવે ત્યાં સુધી પ્લાન પાસ નહિ કરવા સરકારની ર૦૧૯ની પોલીસીનો હવાલો આપી અટકાવવામાં આવ્યું છે. તાજેતરમાં એસોસીએશન દ્વારા આરટીઆઇ હેઠળ હાઉસીંગ બોર્ડની વડી કચેરી પાસે માંગવામાં આવેલી માહિતીના જવાબમાં માહિતી અધિકારીએ આવી કોઇ શરતો કે જોગવાઇઓ નહિ હોવાનું જણાવ્યું છે. ત્યારે આરએમસીને પાઠવાયેલા હવે ગેરકાયદે જ માની શકાય તેવા પત્રનો છેદ ઉડી જાય છે. ર૦૧૯ની પોલીસી મુજબ લીઝવાળી જમીન ફ્રીહોલ્ડ કરાવવા માટે વિકલ્પ આપવામાં આવ્યો છે, આ નિયમ ફરજીયાત નથી. તેવુ કામદારની લેખીત રજુઆતમાં જણાવાયું છે.
આ બાબતે રાજકોટના ત્રણ-ત્રણ ધારાસભ્યોએ ટેનામેન્ટ ધારકોની માંગણી યોગ્ય હોવાની રજુઆતો સરકારમાં કરી હોવા છતાં પરીણામ શુન્ય આવ્યું છે. હયાત ટેનામેન્ટસના ક્ષેત્રફળ મુજબ રીનોવેશનનો ખર્ચ વધીને ૭-૮ લાખ રૂપીયા આવે જયારે બાંધકામનો ખર્ચ રપ-૩૦ લાખનો આવે ત્યારે જો લીઝ ધારકો મિલ્કત ફ્રીહોલ્ડ કરાવવા જાય તો ૧ કરોડ ચુકવવા પડે તેવી નોબત આવે. આવી વસાહતોમાં વસતા લોકો નોકરીયાત વર્ગ કે મધ્યમ કક્ષાના લોકો હોય છે. તેમની આર્થિક સ્થિતી આટલી બધી સધ્ધર ન હોય તે સ્વાભાવિક છે. જયારે નિયમ પણ આવો નથી. તો હાઉસીંગ બોર્ડ સરકાર અને તેના ધારાસભ્યો અને મ્યુનિસીપલ કોર્પોરેશનને શા માટે ઉંધા ચશ્મા પહેરાવે છે? તેવા પ્રશ્ન સંદર્ભે અશોક કામદારે જણાવ્યું કે, એક બિલ્ડર દ્વારા ર૦૧પ માં એનઓસીની માંગણી હાઉસીંગ બોર્ડના કાર્યપાલક ઇજનેર સમક્ષ કરી હતી. તત્કાલીન મહિલા અધિકારીએ આ માટે ર૦ લાખ કે તેથી વધુની માંગણી કરી હતી. આ માંગણી સંદર્ભે બિલ્ડરે એન્ટીકરપ્શન વિભાગની મદદથી છટકુ ગોઠવી મહિલા અધિકારીના પતિને તેમના બદલે લાંચનો હપ્તો સ્વીકારતા રાજકોટના લીમડા ચોક આસપાસથી રંગે હાથ ઝડપી લીધા હતા. આ કેસ ચાલી જતા બંનેને ૭-૭ વર્ષની સજા પડી હતી. આ ઘટના બાદ હાઉસીંગ બોર્ડના અધિકારીઓએ કવાર્ટર ધારકોની સાથે દુશ્મન જેવું વર્તન કરવાનું શરૂ કરી દીધું છે.
ર૦૧૯ની સરકારી પોલીસીમાં મિલ્કત ફ્રીહોલ્ડ થયા પછી જ પ્લાન પાસ કરવા તેવો કોઇ ઉલ્લેખ નહિ હોવા છતાં હાઉસીંગ બોર્ડના અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહયા છે. અમદાવાદ, સુરત, વડોદરા મહાપાલીકા દ્વારા હાઉસીંગ બોર્ડના ધારકોને રીનોવેશન બાંધકામની મંજુરી આપવામાં આવે છે ત્યારે માત્ર સૌરાષ્ટ્ર-કચ્છને જ શા માટે અન્યાય થઇ રહયો છે? તે માટે એક માત્ર લાંચના છટકાના કારણ સિવાય બીજુ કોઇ કારણ એસોસીએશનને સમજાતુ નથી. જો સરકારનો જ વિભાગ પ્રજાના હિતમાં રહેલા નિયમાનુસાર કામો ન કરે ત્યારે હાયર ઓથોરીટી પાસે જવાબ માંગવો પડે છે. આવા પ્રશ્નના જવાબમાં ખુદ હાઉસીંગ બોર્ડના અધિકારીએ જે જવાબ આપ્યો છે તેના પરથી હવે ‘દુધનું દુધ અને પાણીનું પાણી' થઇ ગયું છે. રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના યુવા મેયર નેહલ શુકલ આ મામલો તાકીદે હાથ ઉપર લઇ રાજકોટના ૧૦૦૦ પરિવારના આશરે ૫૦૦૦ જેટલા સભ્યોને ન્યાય અપાવે તે જરૂરી બની ગયું છે. હાઉસીંગ બોર્ડ, મ્યુનીસીપલ કોર્પોરેશન અને સરકાર વચ્ચે ટલ્લે ચડાવાતા આ પ્રશ્નનો ઉકેલ જર્જરીત કવાટર્સ ધસી પડે અને માનવ જીંદગીઓ હોમાય પછી જ આવશે?
કીડીને કોસના ડામ' જેવું....
એલઆઇજી કવાર્ટરધારકો મિલ્કતનું રીનોવેશન કરાવે તો ૬-૭ લાખનો, નવું બનાવે તો ર૦-રપ લાખનો અને જંત્રી મુજબ ફ્રીહોલ્ડ કરાવવા જાય તો ૧ કરોડનો ખર્ચ!
રાજકોટ : ટેનામેન્ટ સુધારણા અને નવા બાંધકામ માટે હાઉસીગ બોર્ડના ફતવાથી મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા અટકાવી રાખવામાં આવેલી પ્લાન પાસની માંગણીઓ ઉચિત અને કાયદા મુજબની છે ત્યારે થઇ રહેલા અન્યાય સંદર્ભે પોતાની વ્યથા રજુ કરતા હાઉસીંગ બોર્ડના લોઅર ઇન્કમ ગૃપના કવાર્ટર કે ટેનામેન્ટ ધારકોએ જણાવ્યુ કે, અમે અમારા રહેણાંકનું રીનોવેશન કરાવીએ તો ૬-૭ લાખનો ખર્ચ થાય, નવું બાંધકામ કરીએ તો વધીને ર૦ થી રપ લાખનો ખર્ચ થાય અને જો જંત્રી મુજબ સરકારમાં મિલ્કત ફ્રીહોલ્ડ કરાવવા જાય તો ૧ કરોડ જેટલી રકમ ભરવી પડે ! આ તો ‘કીડીને કોસના ડામ' જેવું છે.
સરકારના માનીતા બિલ્ડરોને પીપીપી ધોરણે લીઝની જગ્યાઓની
લ્હાણી કરતી વખતે ફ્રીહોલ્ડની શરત કયાં ભુલાઇ છે?
હાઉસીંગ બોર્ડ અને શહેરી વિકાસ સત્તામંડળના લાંચીયા અધિકારીઓની મિલી ભગત
રાજકોટઃ હાઉસીંગ બોર્ડ લીઝ હોલ્ડર એસોસીએશનના પ્રમુખ અને આ મામલે લડત ચલાવી રહેલા અશોક કામદાર સહિતના કવાર્ટર ધારકોએ અકિલા સમક્ષ તેમનો ઉભરો ઠાલવતા જણાવેલ કે, જીડીસીઆર મુજબ મિલ્કત ફ્રીહોલ્ડ થયા પછી જ રીનોવેશન કે નવા બાંધકામના પ્લાન મંજુર કરવાનો કોઇ નિયમ નહિ હોવા છતા અમોને વર્ષોથી અધ્ધર તાલે લટકાવી રાખવામાં આવ્યા છે. મત માંગવા આવતા ભાજપના સ્થાનીક અને ધારાસભ્ય કક્ષાના નેતાઓ આ મામલે કશુ ઉકાળી શકયા નથી. જયારે સરકારના માનીતા બિલ્ડરોને પીપીપી યોજનામાં લીઝવાળી જમીનો મફતમાં પધરાવી દેવામાં આવે છે ત્યારે મિલ્કત ફ્રીહોલ્ડ કરાવવાનો અમારા ઉપર લાદવામાં આવેલો તદ્ન ગેરકાયદે નિયમ કયાં ચાલ્યો જાય છે
(2:41 PM IST)










