<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

કટારીયા શો રૂમમાં કાર સામ-સામે આવી જતાં ઓમ પંડયા અને મિત્ર સંજય પંડિત પર હુમલો

બલેનો કારના ચાલક વિક્રમ અને અજાણ્‍યાએ મારામારી કરીઃ સિવિલ હોસ્‍પિટલમાં પણ આવીને ટાંટીયા ભાંગવાની ધમકી દીધીઃ તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૯: શહેરના કાલાવડ રોડ પર આવેલા કટારીયા કાર શો-રૂમમાં ગાડી સાઇડમાં લેવા જેવી નજીવી બાબતે માથાકુટ થઇ હતી. શો-રૂમની અંદર જ સામસામે કાર આવી જતાં બલેનો કારના ચાલકે દાદાગીરી કરી સ્‍ટાફ સાથે ઝઘડો કર્યો હતો અને વચ્‍ચે છોડાવવા પડેલા મેનેજરના મિત્રને જમીન પર પછાડી, છાતી પર બેસીને માર માર્યો હતો. આટલું જ નહીં હુમલાખોરોએ સિવિલ હોસ્‍પિટલની અંદર પણ ઇજાગ્રસ્‍તોને ઘેરી લઈ હજી તો તમારા ટાંટિયા ભાંગી નાખવા છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે ચાર શખ્‍સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવમાં તાલુકા પોલીસે જામનગર રોડ નવી કોર્ટ બિલ્‍ડીંગ સામે સિધ્‍ધી-૫ ખાતે રહેતાં મુળ સુરેન્‍દ્રનગરના ઓમ કૃણાલકુમાર પંડયા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી બલેનો કાર જીજે૦૩પીડી-૦૫૯૯ના ચાલક વિક્રમભાઇ, એક અજાણ્‍યો શખ્‍સ અને બે અજાણી મહિલા સામે ગુનો નોંધ્‍યો છે. ઓમ  પંડયા ખાંભા ઇન્‍ડસ્‍ટ્રીઝની નાશા એક્‍સપોર્ટ કેમિકલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું  છે કે તેના શેઠની સ્‍વિફ્‌ટ કાર જીજે૦૩એનએફ-૨૦૬૮ની સર્વિસ કરાવવા માટે કટારીયા શો-રૂમ ખાતે ગયો હતો.  સાથે મિત્ર સંજય પંડિત પણ હતો, જે શો-રૂમની બહાર ઉભો હતો. ઓમ જ્‍યારે કાર લઈને શો-રૂમના સર્વિસ એરિયા તરફ આગળ વધી રહ્યો હતો ત્‍યારે સામેથી એક બલેનો કાર જીજે૦૩પીડી-૦૫૯૯ આવી ગઇ હતી.

બંને કાર સામસામે આવી જતાં ઓમએ બલેનો ચાલકને ગાડી થોડી પાછળ લેવા ઈશારો કર્યો હતો. પરંતુ બલેનો ચાલકે ઉશ્‍કેરાઈને કહ્યું કે-ગાડી પાછળ નહીં જાય અને પોતાની કાર સ્‍વિફ્‌ટ કારની અડોઅડ લાવીને ઉભી રાખી દીધી હતી. બાદમાં શો-રૂમના સ્‍ટાફે ઓમની સ્‍વિફ્‌ટ કાર સાઇડમાં લઈ લીધી હતી, પરંતુ બલેનો ચાલકે પોતાની જીદ પકડી રાખી ગાડી હટાવવાની ના પાડી દીધી અને બોલાચાલી કરવા લાગ્‍યો હતો.  આ દરમિયાન ઓમનો મિત્ર સંજય પંડિત અંદર આવ્‍યો હતો અને તેણે બલેનો ચાલકને શાંતિથી ગાડી હટાવી લેવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બલેનો ચાલકે મેં માણસો બોલાવ્‍યા છે, તમારે જે કરવું હોય તે કરી લો તેમ કહી ધમકાવતા સંજયએ તાત્‍કાલિક ૧૧૨ નંબર પર પોલીસને ફોન કર્યો હતો. પોલીસને ફોન કરતા જ બલેનો ચાલક વિક્રમભાઈ એકદમ ઉશ્‍કેરાઈ ગયેલ અને ઓમને ઢીકાપાટુનો માર મારવા લાગ્‍યા હતા. એટલામાં જ વિક્રમભાઈના સગા એક ભાઈ અને બહેન પણ ત્‍યાં દોડી આવ્‍યા હતા અને ઝપાઝપી શરૂ કરી દીધી હતી. આ ધમાચકડીમાં સંજય પંડિત નીચે પડી જતાં વિક્રમભાઈ તેમની છાતી પર બેસી ગયા હતા અને બેરહેમીથી માર માર્યો હતો, જેના કારણે સંજયને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્‍યો હતો.

પોલીસની ગાડી ઘટનાસ્‍થળે પહોંચતા મામલો થાળે પડ્‍યો હતો અને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે બંને પક્ષના ઇજાગ્રસ્‍તોને રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખસેડાયા હતા. ઓમ પોતાના મિત્ર સંજયને ઇમરજન્‍સી વોર્ડમાં સારવાર અપાવી રહ્યા હતા, ત્‍યારે બલેનો ચાલક સાથે આવેલો શખ્‍સ અને અન્‍ય બે બહેનો ત્‍યાં ધસી આવ્‍યા હતા. તણે ઓમ પાસે આવીને વિક્રમભાઈની આંગળીમાં ફ્રેક્‍ચર થયું છે તેનો સારવારનો ખર્ચો આપો અને સામસામે સમાધાન કરી લો. ઓમએ ખર્ચો આપવાની ના પાડતાં આ શખ્‍સો સિવિલ હોસ્‍પિટલની અંદર જ બેફામ ગાળો બોલવા લાગ્‍યા હતા અને તમારા તો હજી ટાંટિયા ભાંગી નાખવા છે અને તમને જાનથી મારી નાખવા છે તેવી ધમકી આપી હતી. હુમલાખોરોની આવી દાદાગીરી અને ધમકીથી ડરી ગયેલા ઓમભાઈ અને તેમનો મિત્ર હોસ્‍પિટલથી સીધા ઘરે જતા રહ્યા હતા. ત્‍યારબાદ તાલુકા પોલીસને જાણ કરતાં પીએસઆઇ પી. જી. આલએ ગુનો નોંધ્‍યો હતો. 

(3:41 PM IST)