તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
ધોકાને દિવસે ગાંધીગ્રામની રૂબીનાને પ્રેમી શહેજાદે ધોકાથી ફટકારી લોહીલુહાણ કરી
દિવાળીની રાતે પ્રેમી સાથે ફોનમાં વાત કરતી હતી ત્યારે પ્રેમીની પત્નિએ ફોન લઇ લેતાં બોલાચાલી થતાં જામી પડી ભાવનગર રોડ પર આવેલા પ્રેમીના ડેલે જતાં તેણે બીજા શખ્સ, બે મહિલાને બોલાવી-તું મારું ઘર ભંગાવે છે, કજીયા કરાવે છે કહી બેફામ મારકુટ કરીઃ થોરાળા પોલીસે ચાર જણા સામે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૩: ગાંધીગ્રામમાં રહેતી યુવતિ ભાવનગર રોડ પર રહેતાં પરિણીત પ્રેમી સાથે દિવાળીની રાતે ફોન પર વાત કરતી હતી ત્યારે પ્રેમીની પત્નિએ ફોન લઇ લેતાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ધોકાના દિવસે આ યુવતિ પ્રેમીનો ડેલો જે ભાવનગર રોડ પર આવેલો છે ત્યાં વાત કરવા જતાં પ્રેમીએ તારા કારણે મારું ઘર ભાંગે છે, તું મારા ઘરમાં કજીયા કરાવે છે કહી બીજા એક શખ્સ અને બે મહિલા સાથે મળી ધોકા-હોકીથી માર મારી લોહીલુહાણ કરી નાંખતા સારવાર લેવી પડી છે.
આ બનાવમાં થોરાળા પોલીસે ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં અંજલી પાર્ક-૩ ખાતે રહેતાં રૂબીનાબેન આમદભાઇ મિંયાણા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી શહેજાદ જુણેજા અને ત્રણ અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. રૂબીનાબેનના માતા અને બહેન હડાળા ખાતે રહે છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારે દોઢેક વર્ષથી ભાવનગર રોડ થોરાળા પોલીસ સ્ટેશન નજીક રહેતાં શહેજાદ જુણેજા સાથે પ્રેમસંબંધ છે. દિવાળીની રાતે ૮મીએ સાડા અગીયારેથી બારની વચ્ચે હું શહેજાદ સાથે ફોનમાં વાત કરતી હતી ત્યારે તેના પત્નિએ અચાનક શહેજાદનો ફોન લઇ લીધો હતો અને અમારા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ ધોકાના દિવસે ૯મીએ બપોરે બે વાગ્યા આસપાસ હું શહેઝાદનો ડેલો જે ભાવનગર રોડ પર એસકે નામે છે ત્યાં ગઇ હતી.
આથી શહેજાદે કહેલું કે મારા મોટા પપ્પા સામેની સાઇડ ઉભા છે આપણે તેની સાથે વાત કરી લઇએ. જેથી હું રોડ ક્રોસ કરીને સામેની બાજુએ ગઇ હતી. જ્યાં શહેજાદે મને કહેલું કે તું ઘરે ચાલ. મેં ઘરે જવાની ના પાડતાં શહેજાદે કોઇને ફોન કરતાં શેરીમાંથી એક પુરૂષ અને બે મહિલા આવી ગયા હતાં. પુરૂષ પાસે લાકડાનો ધોકો અને હોકી હતાં. તેણે શહેજાદને ધોકો આપતાં તે કહેવા લાગેલો કે-તારા હિસાબે મારું ઘર ભાંગે છે, મારા ઘરમાં તું કજીયા કરાવે છે. આમ કહી તેણે આડેધડ મને ધોકાથી ફટકારી હતી. અજાણ્યા શખ્સે પણ હોકીથી માર માર્યો હતો. જ્યારે બે અજાણી મહિલાએ પણ ગાળો દીધી હતી. આ દરમિયાન માથા ભાગે ઘા લાગી જતાં લોહી નીકળતાં હોઇ માણસો ભેગા થઇ જતાં મારા એક સંબંધી મહિલા આવી જતાં તે મને કારમાં હોસ્પિટલે લઇ ગયા હતાં. માથામાં ચાર પાંચ ટાંકા લેવા પડયા હતાં. તેમ વધુમાં રૂબીનાબેને જણાવતાં થોરાળાના પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં એએસઆઇ એચ. એમ. કોઠીવાળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(12:27 PM IST)










