News of Wednesday, 23rd September 2026
રાજકોટના છૂટક બજારમાં ડુંગળીનો ભાવ ₹70 થી ₹80 પ્રતિ કિલો પહોંચ્યો
છેલ્લા 15 દિવસમાં ₹25નો વધારો થયો:માર્કેટિંગ યાર્ડમાં ₹30 થી ₹40 નો ભાવ:બગડેલો માલ વધુ આવવાથી અછત સર્જાઈ:એક મહિનામાં નાસિક અને સૌરાષ્ટ્રથી નવી ડુંગળી આવતાં ભાવ ઘટવાની શક્યતા

સૌરાષ્ટ્રના સૌથી મોટા વેપારી મથક રાજકોટમા ગૃહિણીઓનું બજેટ ખોરવતો મોટો ભાવવધારો સામે આવ્યો છે. શાકભાજી બજારમાં ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. રાજકોટના છૂટક બજારોમાં સારી ગુણવત્તાવાળી ડુંગળી ₹70 થી ₹80 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે, જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના જથ્થાબંધ ભાવ ₹30 થી ₹40 પ્રતિ કિલો (મણના ₹500 થી ₹800) આસપાસ બોલાઈ રહ્યા છે. છેલ્લા માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ છૂટક ભાવમાં સીધો ₹25 પ્રતિ કિલોનો વધારો ઝીંકાતાં સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોની રસોઈનું બજેટ ડામાડોળ થઈ ગયું છે.
યાર્ડના અગ્રણી વેપારીઓના જણાવ્યા મુજબ, પાછલા દિવસોમાં થયેલા કમોસમી અને સતત વરસાદના કારણે ગોડાઉનો અને ખેતરોમાં સંગ્રહાયેલી ડુંગળીનો મોટો જથ્થો પલળીને બગડી ગયો હતો. માર્કેટિંગ યાર્ડમાં હાલ જે માલ આવી રહ્યો છે તેમાં બગડેલી કે ગુણવત્તા વગરની ડુંગળીનું પ્રમાણ ઘણું વધારે છે. સારી અને સુકી ડુંગળીની ભારે અછત સર્જાતાં અને માંગ સામે પૂરવઠો ઓછો રહેતાં બજારમાં કૃત્રિમ નહીં પણ વાસ્તવિક અછત ઊભી થઈ છે, જેના પગલે છૂટક વેપારીઓએ ભાવ વધારી દીધા છે.
રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવતા ખેડૂતોને હાલ સારી ગુણવત્તા મુજબ 20 કિલોના ₹500 થી લઈને ₹800 સુધીના ભાવ મળી રહ્યા છે. જોકે, મોટાભાગના ખેડૂતો પાસે હાલ સારો સ્ટોક નહિવત્ હોવાથી આ ઊંચા ભાવનો સીધો લાભ મર્યાદિત ખેડૂતો સુધી જ સીમિત રહ્યો છે. છૂટક વેપારીઓ ટ્રાન્સપોર્ટેશન અને નફાનું માર્જિન જોડીને ગ્રાહકો પાસેથી ₹70 થી ₹80 વસૂલી રહ્યા હોવાથી સામાન્ય ગ્રાહકોની આંખોમાં ડુંગળીના કારણે પાણી આવી ગયું છે.
બજારના નિષ્ણાતો અને વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ ચાલી રહેલી આ તેજી લાંબો સમય ટકી રહેવાની શક્યતા ઓછી છે. આગામી એક મહિનાની અંદર મહારાષ્ટ્રના નાસિક તેમજ ખુદ સૌરાષ્ટ્ર પંથકની નવી ખરીફ ડુંગળીની બજારમાં વિધિવત આવક શરૂ થઈ જશે. નવી ડુંગળીની નવી આવક શરૂ થતાંની સાથે જ પૂરવઠો સામાન્ય બનશે અને ભાવમાં મોટો ઘટાડો નોંધાશે, જેથી દિવાળી આસપાસ સામાન્ય જનતાને ડુંગળીના આકરા ભાવમાંથી મોટી રાહત મળી શકે છે.
(12:34 AM IST)










