<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

રાજકોટમાં અસહ્ય બફારા વચ્‍ચે માત્ર ઝાપટુઃ ગતરાત્રે ૭.૨ મી.મી. વરસાદ, સવારે પણ ઝરમર વરસી ગયો

મેઘરાજા ક્‍યારે મન મૂકીને વરસશે? રાજકોટવાસીઓ આતુર; હજુ પણ ધોધમાર વરસાદની પ્રતીક્ષા

રાજકોટઃ રાજકોટવાસીઓ જેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે તેવા ધોધમાર વરસાદને બદલે ગઈકાલે માત્ર અમીછાંટણાથી સંતોષ માનવો પડ્‍યો છે. ગતરાત્રે શહેરમાં ધીમી ધારે માત્ર ૭.૨ મી.મી. જેટલું પાણી પડ્‍યું હતું. વરસાદના આ હળવા રાઉન્‍ડ બાદ આજે સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયેલા છે, પરંતુ હજી પણ અસહ્ય બફારા અને ઉકળાટમાંથી મુક્‍તિ મળી નથી. આ લખાય છે ત્‍યારે સવારે ૧૦ વાગ્‍યા આસપાસ ઝરમર વરસી ગયો હતો.

હાલ સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, જેને પગલે નાગરિકોમાં એવી આશા જાગી છે કે આજે મેઘરાજા ધમાકેદાર બેટિગ કરશે. જો કે, મોટો સવાલ એ જ છે કે મેઘરાજા ક્‍યારે મન મૂકીને વરસશેર્?ં

સ્‍થાનિક હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, આગામી ૨૪ થી ૪૮ કલાકમાં સિસ્‍ટમ્‍સ સક્રિય થતાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક અને ભારે વરસાદ પડી શકે છે.

હાલ તો અડધા ઈંચથી પણ ઓછા આ વરસાદના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં બફારો બેવડાયો છે. હવે જોવાનું એ રહે છે કે વાદળછાયા વાતાવરણ વચ્‍ચે ક્‍યારે મુશળધાર વરસાદ તૂટી પડે છે અને રાજકોટવાસીઓને અસહ્ય ગરમીમાંથી કાયમી રાહત મળે છે. આ લખાય છે ત્‍યારે બપોરે બે વાગ્‍યે વાદળછાયું વાતાવરણ જોલવા મળે છે.

(2:50 PM IST)