<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

રાજકોટમાં મનપાની પ્રથમ મટકીફોડ સ્પર્ધામાં પોલીસ હેડક્વાર્ટરની ટીમ પ્રથમ માત્ર બે મિનિટમાં મટકી ફોડી મેદાન માર્યું : જુઓ વિડીયો

સ્પર્ધાના વિજેતાઓ માટે મહાનગરપાલિકા દ્વારા આકર્ષક રોકડ પુરસ્કારો પણ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ઇનામ રૂ.1.50 લાખ, દ્વિતીય રૂ.1.21 લાખ અને તૃતીય રૂ.1.01 લાખ

 

 

રાજકોટઃ જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સૌપ્રથમ વખત જાહેર સ્તરે ભવ્ય મટકીફોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૌધરી હાઇસ્કૂલના વિશાળ મેદાન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભક્તિ, ઉત્સાહ, સાહસ અને ટીમવર્કનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. 

 

મટકીફોડ સ્પર્ધામાં રાજકોટ પોલીસ હેડક્વાર્ટરની ટીમે શાનદાર પ્રદર્શન કરતાં માત્ર બે મિનિટમાં જ માનવ પિરામિડ રચીને મટકી ફોડી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પોલીસ જવાનોના તાલમેલ, ચપળતા અને સાહસિક પ્રદર્શનને ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું હતું.

 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત યોજાયેલા આ મટકીફોડ મહોત્સવમાં શહેર અને આસપાસના વિસ્તારોની ગોવિંદા મંડળીઓએ ભાગ લઈ માનવ પિરામિડ રચી દહીંહાંડી ફોડવાની રોમાંચક સ્પર્ધામાં પોતાનું કૌવત બતાવ્યું હતું. કાર્યક્રમ રાત્રે 8થી 11 વાગ્યા દરમિયાન યોજાયો હતો. 

 

સ્પર્ધાના વિજેતાઓ માટે મહાનગરપાલિકા દ્વારા આકર્ષક રોકડ પુરસ્કારો પણ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ઇનામ રૂ.1.50 લાખ, દ્વિતીય રૂ.1.21 લાખ અને તૃતીય રૂ.1.01 લાખ રાખવામાં આવ્યું હતું. 

(9:48 AM IST)