<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

આપણુ ગુજરાત એ આગવું ગુજરાત, સ્‍થાપના દિવસની સૌને શુભેચ્‍છા : ઉદય કાનગડ

 

રાજકોટ તા. ૧ : વિધાનસભા-૬૮, રાજકોટ ના ધારાસભ્‍ય ઉદય કાનગડે શહેરીજનોને આજે ગુજરાત રાજયના ૬૬માં સ્‍થાપના દિવસની શુભેચ્‍છા પાઠવતા જણાવેલ કે ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્‍જીન  સાબીત થઈ રહયુ છે અને સમગ્ર વિશ્‍વમાં ગુજરાતનું વિકાસ મોડેલ પ્રખ્‍યાત છે.ગુજરાતની પ્રજાની આગવી અસ્‍મિતા અને ગૌરવનો સહજ સ્‍વભાવિક રણકો છે, આપણુ ગુજરાત એ આગવું ગુજરાત છે.

ગુજરાત સ્‍થાપના દિવસ માત્ર એક તારીખ નથી, તે ગુજરાતની આત્‍મા, અસ્‍મિતા અને અડગ સંકલ્‍પનો ઉત્‍સવ છે. ગુજરાતની પ્રકૃતિદત કેળવાયેલી કોઠાસૂઝ અને પડકારો સામે પ્રજાશકિતથી પ્રતિકાર કરીને પાર ઉતરવાની  શકિત અને વિકાસ માટેની ઉત્‍કટ ક્ષમતા એ જ ગુજરાતને સૌથી નોખુ તારવે છે. અહિંસા અને સહિષ્‍ણુતા એની ગળથૂથીમાં છે, સંવેદના એની માનવવૃતિમાં છલકે છે. ગુજરાતીઓ જયા જયા વસે છે ત્‍યા તેની સંસ્‍કારો અને ઉદ્યમશીલતાથી એક ગુજરાત ઉભુ કર્યુ છે.

ભારતમાં ભાષાવાર રાજયોની પુનઃ રચના કાર્યક્રમ અંતર્ગંત બૃહદ મુંબઈ રાજયમાંથી ગુજરાતની સ્‍થાપના થઈ હતી. આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવી છે. આજે ગુજરાત દેશનું સૌથી વિકસિત રાજય છે. ગુજરાતે આઝાદી પછી વિકાસની હરણફાળ ભરી છે અને ગુજરાતનું નામ દુનિયાભરમાં ગાજતું થયું છે. તેમ અંતમાં ઉદયભાઇ કાનગડે જણાવ્‍યુ છે.

(2:32 PM IST)