<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

'આપણું દેશી ભાણું' જ આપશે નિરોગી આયુષ્ય : પિઝા-બર્ગરના જમાનામાં મેદસ્વિતા અને આધુનિક બીમારીઓ સામે 'શ્રી અન્ન' સાબિત થશે રામબાણ ઈલાજ

જુવાર, બાજરી, રાગી અને કઠોળ જેવા પોષકતત્વોથી ભરપૂર પરંપરાગત સુપરફૂડ અપનાવી "સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત" અભિયાનને સાકાર કરવા આહાર વિશેષજ્ઞોનું આહ્વાન

રાજકોટ : વર્તમાન આધુનિક જીવનશૈલીમાં પિઝા, બર્ગર અને પ્રોસેસ્ડ ફૂડનું ચલણ અનહદ વધી ગયું છે, જેની સીધી અને અત્યંત ગંભીર અસર જનમાનસના સ્વાસ્થ્ય પર પડી રહી છે. આ ઝડપથી બદલાતા ફૂડ કલ્ચરના કારણે આજે મેદસ્વિતા (સ્થૂળતા) એક વિકરાળ સ્વાસ્થ્ય સમસ્યા બનીને ઉભરી આવી છે. વજન વધવું એ માત્ર બાહ્ય દેખાવ પૂરતી મર્યાદિત બાબત નથી, પરંતુ તે ડાયાબિટીસ, હૃદયરોગ અને હાઈ બ્લડપ્રેશર જેવી અનેક અસાધ્ય અને ગંભીર બીમારીઓનું મુખ્ય મૂળ છે.

 

રાજ્ય સરકાર દ્વારા પણ લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિમાં જો હોસ્પિટલોના મોંઘા ખર્ચ અને દવાઓથી બચવું હોય, તો તેનો સૌથી સહેલો અને રામબાણ ઈલાજ આપણી સદીઓ જૂની પરંપરાગત થાળીમાં જ છુપાયેલો છે. આપણા પૂર્વજોના આહારનો મુખ્ય હિસ્સો રહેલા ‘શ્રી અન્ન’ (મિલેટ્સ) પુનઃ અપનાવીને ખૂબ સરળતાથી આધુનિક રોગો સામે રક્ષણ મેળવી શકાય છે.

 

એક સમયે 'જાડા ધાન્ય' ગણાતા જુવાર, બાજરી, રાગી (નાગલી), કોદરી, સામો અને કાંગ ખરેખર તો કુદરતી સુપરફૂડ છે અને તે પોષકતત્વોનો અખૂટ ખજાનો ધરાવે છે. તેમાં ભરપૂર માત્રામાં રહેલું ડાયેટરી ફાઈબર પાચનતંત્ર સુધારવાની સાથે સાથે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જેનાથી અસમયે થતી ભૂખ તથા ઓવર-ઈટિંગની આદત આપોઆપ છૂટી જાય છે અને વજન કુદરતી રીતે નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત, મિલેટ્સ સંપૂર્ણ ગ્લુટેન-ફ્રી હોવાની સાથે વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ્સથી સભર હોવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

 

શ્રી અન્નની સાથોસાથ આપણી થાળીમાં કઠોળનું હોવું પણ એટલું જ અનિવાર્ય છે. મગ, ચણા, અડદ, મઠ અને તુવેર જેવા કઠોળ શાકાહારી લોકો માટે પ્રોટીનનો સૌથી ઉત્તમ અને આર્થિક સ્ત્રોત છે, જે સ્નાયુઓના બંધારણ અને ઘસારા માટે અત્યંત જરૂરી છે. કઠોળમાં રહેલું ઊંચું ફાઈબર લોહીમાં શુગરના સ્તરને અચાનક વધતું અટકાવે છે, કબજિયાત દૂર કરે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયને તંદુરસ્ત રાખે છે.

 

આ દેશી અને પૌષ્ટિક આહારને દૈનિક જીવનમાં સામેલ કરવા માટે માત્ર એક નાનકડા સંકલ્પની જરૂર છે. સવારના નાસ્તામાં મેંદાની વાનગીઓ કે પેકેટ ફૂડના બદલે ફણગાવેલા કઠોળ અથવા રાગીના ચિલા લઈ શકાય. બપોરે ઘઉંની રોટલીના સ્થાને ગરમાગરમ બાજરી કે જુવારનો રોટલો અને રાત્રે હળવી મગની દાળ-ખીચડી કે કઠોળનો ગરમ સૂપ ઉત્તમ વિકલ્પ બને છે. વેસ્ટર્ન ફૂડ કલ્ચરનું અનુકરણ છોડી પોતાના પરંપરાગત ભોજનને અપનાવીને જ આહારને ઔષધ બનાવી શકાશે. (આલેખન - કેતન સારેસા)

(7:51 PM IST)