<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

૮૧ વર્ષના લાભુબેન નંદાણીનો કોહવાયેલો મૃતદેહ તેમના ઘરમાંથી મળતાં અરેરાટી

ભાવનગર રોડ પટેલવાડી નજીક રણછોડનગરમાં બનાવ દિકરી ફોન કરતી હોઇ રિસીવ ન થતાં રૂબરૂ આવતાં ઘટનાની જાણ થઇઃ વૃધ્‍ધા એકલા રહેતાં હતાં: હૃદય રોગનો હુમલો આવી ગયાનું તારણ

રાજકોટ તા. ૧: શહેરના ભાવનગર રોડ પર પટેલ વાડી પાસે રણછોડનગરમાં રહેતાં વૃધ્‍ધાની તેમના જ ઘરમાંથી કોહવાયેલી દુર્ગંધ ફેલાવતી લાશ મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ પટેલ વાડી નજીક રણછોડનગર શેરી નં. ૮માં રહેતાં લાભુબેન ઠાકરશીભાઇ નંદાણી-પટેલ (ઉ.વ.૮૧) એકલવાયુ જીવન જીવતાં હતાં. તેમને સંતાનમાં બે દિકરી છે અને પતિ હયાત નથી. દિકરી-જમાઇ તેમની દેખરેખ રાખતા હતાં. બે ત્રણ દિવસથી દિકરી તેમને ફોન જોડતી હતી પરંતુ ફોન રિસીવ થતો નહોતો. માતા કદાચ સુતા હશે તેમ સમજી દિકરીએ વધુ કોલ કર્યા નહોતાં. બાદમાં ગત સાંજે ફરીથી ફોન જોડતાં ફોન રિસીવ ન થતાં દિકરી, જમાઇ સહિતના ઘરે તપાસ કરવા આવતાં ઘરમાંથી લાભુબેનનો કોહહવાયેલો મૃતદેહ મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

બનાવની જાણ થતાં બી-ડિવીઝન પોલીસે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી અને મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. એકલવાયુ જીવન જીવતાં લાભુબેનનું હાર્ટએટેકથી મૃત્‍યુ થયાનું તારણ નીકળ્‍યું હતું. મૃતદેહ બે ત્રણ દિવસ ઘરમાં જ પડી રહ્યો હોઇ ભારે ગરમીને કારણે કોહવાઇ ગયાનું તારણ નીકળ્‍યું હતું.

(3:31 PM IST)