<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

રાજકોટમાં જળસંકટને નાથવા આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ

આજીમાં હાલ ૧૯.૬ ફુટ તથા ન્‍યારી-૧માં ૧૫.૭૪ ફુટે સપાટી પહોંચી

રાજકોટ ,તા.૧૫: એક તરફ શહેરમાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્‍યો છે, તો બીજી તરફ રાજકોટની પીવાના પાણીની જરૂરિયાત સંતોષતા આજી અને ન્‍યારી ડેમમાં ચાલુ ચોમાસાની સિઝનમાં નોંધપાત્ર પાણીની આવક નહીં થતાં જળસંકટની ચિંતા યથાવત છે.

બંને જળાશયોમાં ઉપલબ્‍ધ પાણીનો જથ્‍થો મર્યાદિત હોવાથી આગામી સમયમાં પાણીની મુશ્‍કેલી સર્જાય નહીં તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્‍ય સરકાર સમક્ષ સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાની માંગણી કરી હતી. આ માંગણીનો સ્‍વીકાર થતાં ગઈકાલથી આજી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવ્‍યું હોવાનું જાણવા મળે છે.

મહાનગરપાલિકા દ્વારા વર્ષ દરમિયાન આજી ડેમ માટે ૨૧૦૦ એમસીએફટી અને ન્‍યારી ડેમ માટે ૧૯૦૦ એમસીએફટી મળી કુલ ૪૦૦૦ એમસીએફટી નર્મદાના નીરની માંગણી કરવામાં આવી છે.

શહેરમાં વરસાદ વરસવા છતાં આજી-ન્‍યારીના કેચમેન્‍ટ વિસ્‍તારમાં પૂરતી આવક ન થતાં આગામી સમયની જળજરૂરિયાતને ધ્‍યાનમાં રાખીને નર્મદાના નીરનો સહારો લેવામાં આવ્‍યો છે

(3:40 PM IST)