તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th November 2026
પદ્મશ્રી હેમંત ચૌહાણનો શનિવારે જન્મદિવસઃ ભજન અને લોકસંગીત ક્ષેત્રે અમૂલ્ય યોગદાન

રાજકોટ તા.૪: ગુજરાતી સંતવાણી, ભજન અને લોકસંગીતના ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનાર પદ્મશ્રી હેમંત ચૌહાણનો જન્મદિવસ આગામી ૭ નવેમ્બરના રોજ ઉજવાશે. તેમની સુમધુર વાણી અને સંગીતસાધનાએ ગુજરાત સહિત દેશ-વિદેશમાં વસતા સંગીતપ્રેમીઓના હૃદયમાં વિશેષ સ્થાન મેળવ્યું છે.
હેમંત ચૌહાણે અત્યાર સુધીમાં ૨૪૦૦થી વધુ ભજનો, લોકગીતો અને સંગીત રચનાઓમાં સ્વરદાન આપ્યું છે. ૬૦૦૦થી વધુ સ્ટેજ કાર્યક્રમો દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે. આકાશવાણીના વિવિધ કેન્દ્રો પરથી તેમના ૫૦૦થી વધુ ભજનોનું પ્રસારણ થયું છે. ગુજરાતી ફિલ્મોમાં પણ અનેક યાદગાર ગીતો દ્વારા તેમણે પોતાની આગવી છાપ છોડી છે. તેમણે શ્રી ઝી ટીવી સહિત અનેક રાષ્ટ્રીય મંચો પર સંતવાણી અને લોકસંગીતની રજૂઆત કરી છે. સંગીત નાટક અકાદમી સાથે પણ તેમનો લાંબો સંગીતમય સંબંધ રહ્યો છે. જાપાન, દુબઈ, બ્રિટન, અમેરિકા, કેનેડા સહિત અનેક દેશોમાં કાર્યક્રમો યોજી તેમણે ભારતીય સંગીત અને સંતવાણીનું ગૌરવ વધાર્યું છે. તેમની સંગીતસાધનાને અનેક પ્રતિષ્ઠિત સન્માનોથી નવાજવામાં આવી છે. જેમાં ભારત સરકારનો પદ્મશ્રી પુરસ્કાર (૨૦૨૩), સંગીત નાટક અકાદમીનો અકાદમી રત્ન એવોર્ડ (૨૦૨૨), વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, યુકે દ્વારા સન્માન, ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર, આકાશવાણીનો ટોપ ગ્રેડ એવોર્ડ હાંસલ થયેલ છે.
(3:52 PM IST)










