<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

દેવનગરના શખ્સ પારસ પરમારે શ્યામનગરમાં પ્રશાંતભાઇ સોલંકીના બે ટુવ્હીલર સળગાવ્યા

પ્રશાંતભાઇ સોલંકીની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યોઃ પ્રશાંતભાઇની બહેને પારસ સાથે વાંધો હોઇ તેના વિરૂધ્ધ અરજી કરતાં ખાર રાખી નુકસાન પહોંચાડી ગયાનો આરોપ

રાજકોટ તા. ૧૦: નાના મવા રોડ રાજનગર ચોક પાસે શ્યામનગરમાં રહેતાં  યુવાનના ઘર બહાર પાર્ક કરાયેલા બે ટુવ્હીલર નજીકના દેવનગરમાં રહેતો શખ્સ રાત્રીના સમયે કોઇ જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી જતાં વાહનોમાં નુકસાની થઇ છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. યુવાનના નાના બહેને વાહનો સળગાવનાર શખ્સ સાથે કોર્ટમેરેજ કર્યા હતાં. પણ હવે વાંધો ચાલતો હોઇ તેણીએ આ શખ્સ વિરૂધ્ધ અરજી કરી હોઇ ખાર રાખી તેણે આ કૃત્ય આચર્યુ હતું.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે નાના મવા રોડ રાજનગર ચોક પાસે હનુમાનજીના મંદિર નજીક શ્યામનગર-૨/૪ના ખુણે રહેતાં કારડીયા રાજપૂત પ્રશાંતભાઇ હસમુખભાઇ સોલંકી (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી નાના મવા રોડ દેવનગર-૩ ચંદ્રેશનગર રોડ પર રહેતાં પારસ ભવાનભાઇ પરમાર નામના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

પ્રશાંતભાઇ પરિવારમાં દાદી લીલાબેન, માતા મંજુલાબેન અને પિતા સાથે રહે છે. તેના પિતા રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેના મોટા બહેન જામનગર સાસરે છે. પ્રશાંતભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે મારી નાની બહેન હેમાંશી (ઉ.વ.૨૨) જ્યારે સ્કૂલમાં ભણતી ત્યારેથી પારસ પરમાર પણ સાથે ભણતો હોઇ બંને એક બીજાને ઓળખે છે. મારી પાસે જ્યુપીટર ટુવ્હીલર જીજે૦૩એલપી-૫૭૩૩ છે. તેમજ મારા મોટા બહેનના નામે  અન્ય ટુવ્હીલર જીજે૦૩એલડી-૩૨૨૪ છે, જે મારી નાની બહેન ચલાવે છે. તા. ૭/૧૦ના રાતે મેં આ બંને વાહનો મારા ઘર બહાર પાર્ક કર્યા હતાં.

આ પછી રાતે એકાદ વાગ્યે મારા પિતા માર્કેટ યાર્ડ ખાતે ફેરો કરવા ગયા હતાં ત્યારે આ બંને વાહનો વ્યવસ્થિત પાર્ક કરેલા હતાં. એ પછી વહેલી સવારે અઢી વાગ્યા અસપાસ પાસ પરમાર મારા આ વાહનોને આગ લગાડી ભાગી ગયો હતો. જેની જાણ મને પાડોશી પરષોત્તમભાઇએ ડેલી ખખડાવીને કરી હતી. અવાજ થતાં મારા દાદીમા પણ જાગી ગયા હતાં. બાદમાં બીજા સદભ્યો પણ જાગી ગયા હતાં અને અમે આગ બુઝાવી નાંખી હતી. શેરીના રહેવાસીઓએ પણ પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે આગથી બંને વાહનોમાં મળી રૂ. ૪૫ હજારનું નુકસાન થયું હતું.

આ માથાકુટનું કારણ એ છે કે મારી નાની બહેને અગાઉ પારસ પરમાર સાથે કોર્ટ મેરેજ કર્યા હતાં. પણ તેણીને હવે પારસ સાથે તકલીફ હોવાથી પારસ વિરૂધ્ધ અરજી કરી હતી. આ બાબતનો ખાર રાખી પારસે  અમારા ઘર બહાર પાર્ક કરેલા મારા બે વાહનો સળગાવી દીધા હતાં. તેમ વધુમાં પ્રશાંતભાઇએ કહેતાં માલવીયાનગર પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં હેડકોન્સ. આર. ટી. વાસદેવાણીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:31 PM IST)