<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

પીસીબીએ વધુ ૩ કટ્ટા-પિસ્‍તોલ સાથે ત્રણને પકડયાઃ દર્શન ઉર્ફે ગાવસ્‍કરે દાટી રાખેલો તમંચો પણ જપ્‍ત

વેપન કાર્ટેલમાં વધુ ૪ સહિત કુલ ૩૮ હથીયાર જપ્‍ત થયા : જસદણ બોઘરાવદરના વિશાલ ચોહલા, ચોટીલા ચાણપાના વિજયસિંહ ગોહિલ અને ચુડા સમઢીયાળાના પ્રતાપ ઉર્ફે શિવરાજ ખાચરને એક-એક પિસ્‍તોલ સાથે દબોચી લેવાયાઃ અગાઉ ત્રણ હથીયારો કાઢી આપનાર ગાવસ્‍કરે કુવાડવા હાઇવે પર ફેક્‍ટરી નજીક છુપાવેલો તમંચો પણ જપ્‍ત કરાયો : પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ આર. કે. જાડેજા અને પી. બી. ત્રાજીયાની આગેવાની હેઠળનું શષાખોજ અભિયાન હાલ તુર્ત પુર્ણ

રાજકોટ  તા. ૨૧: શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ સુદ્રઢ રહે, ગુન્‍હાખોરી પર અંકુશ રહે અને નાગરિકોની જાનમાલનું રક્ષણ થાય તે હેતુસર પીસીબી દ્વારા ગેરકાયદે હથીયારોની લે-વેંચ કરતી વેપન કાર્ટેલ પર ધોંસ બોલાવાઇ છે. વધુ ત્રણ શખ્‍સોને એક એક દેશી પિસ્‍તોલ સાથે પકડી લેવાયા છે. તો બીજી તરફ અગાઉ ત્રણ હથીયારો કાઢી આપનારા શખ્‍સે પણ પુછતાછમાં કુવાડવા હાઇવે પર એક ફેક્‍ટરી પાસે દાટી રાખેલો દેશી તમંચો કાઢી આપ્‍યો છે. આ નવા ચાર હથીયારો મેળી અત્‍યાર સુધીમાં પીસીબીની ટીમે કુલ ૩૮ હથીયારો પકડી લીધા છે અને કુલ મળીને ૨૦ આરોપીઓ પકડાયા છે.

 

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચના અન્‍વયે પીસીબીના પીઆઇ એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમે ગેરકાયદેસર હથિયારોનું ખરીદ-વેંચાણ કરતી વેપન કાર્ટેલનો પીએસઆઇ આર. કે. જાડેજા અને પીએસઆઇ પી. બી. ત્રાજીયાની ટીમે પર્દાફાશ કર્યા બાદ સતત એક પછી એક ગેરકાયદે હથીયારો સાથે શખ્‍સોને પકડી લીધાં છે. અગાઉ આ નેટવર્કના ૧૭ શખ્‍સોને ૩૪ દેશી બનાવટના હથિયારો તથા ૩૨ જીવતા કારતુસ સાથે ઝડપી પાડવામાં આવ્‍યા હતા. આજે વધુ ત્રણ શખ્‍સોને ત્રણ દેશી પિસ્‍તોલ સાથે ઝડપી લેવાયા છે.

વિશેષ તપાસ અને આરોપીઓની પુછપરછ દરમિયાન જાણવા મળ્‍યું હતું કે શકીલ સાદીક મન્‍સુરીએ વિશાલ ચોહલાને, પ્રદિપ અનકભાઇ કરપડાએ પ્રતાપ ખાચરને અને કિશોર ઉર્ફે ભગત વજાભાઇ કોબીયાએ વિજયસિંહ ગોહિલને દેશી બનાવટના હથિયારો આપેલા હતા. આ બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડીને જસદણના બોઘરાવદર ગામના વિશાલ મેપાભાઇ ચોહલા (ઉ.વ.૨૬), ચોટીલાના ચાણપા ગામના વિજયસિંહ વજાભાઇ ગોહીલ (ઉ.વ.૩૧) અને ચુડાના સમઢીયાળા ગામના પ્રતાપ ઉર્ફે શિવરાજ ભરતભાઇ ખાચર (ઉ.વ.૧૯)ને ઝડપી લીધા હતા.

પોલીસે આ આરોપીઓ પાસેથી રૂ. ૧૦,૦૦૦ની કિંમતની ૧ દેશી બનાવટની પિસ્‍તોલ અને રૂ. ૧૫,૦૦૦ની કિંમતના ૩ દેશી બનાવટના કટ્ટા-તમંચા જપ્‍ત કર્યા છે.  આ સિવાય રિમાન્‍ડ હેઠળના આરોપી ગાવસ્‍કર ઉર્ફે દર્શન ચંન્‍દ્રમૌલિકભાઇ ઉર્ફે અનિલભાઇ રોજાસરા કે જે ચોટીલા તરફનો છે તેણે અગાઉ ત્રણ હથીયારો કાઢી આપ્‍યા હતાં. તેની વિશેષ પુછતાછ થતાં તેણે છુપાવેલો વધુ એક કટ્ટો પણ કબ્‍જે કરવામાં આવ્‍યો છે. આ સાથે જ આ વેપન કાર્ટેલમાં અત્‍યાર સુધીમાં કુલ ૨૦ આરોપીઓની ધરપકડ કરી ૩૮ હથિયારો અને ૩૨ જીવતા કારતુસ જપ્‍ત કરવામાં સફળતા મળી છે. ગાવસ્‍કર ઉર્ફે દર્શને આ તમંચો કુવાડવા નજીક હાઇવે પર ડીએનડી ફેક્‍ટરી નજીક દિવાલ પાસે ખાડો કરીને દાટી રાખ્‍યો હતો.

પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઈ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચૌહાણ, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્‍વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદિપસિંહ સરવૈયા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને ડ્રાઇવર હેડ કોન્‍સ. જયેશભાઇ ગઢવી દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. પીસીબીની ટીમ દ્વારા થયેલી ગેરકાયદે હથીયારો પકડવાની આ કામગીરી એક રેકોર્ડ સમાન ગણાવાઇ રહી છે. (૧૪

(3:01 PM IST)