તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
પીસીબીએ પકડેલો રૂા. ૩૪.૭૪ લાખનો દારૂ રાજસ્થાનના સુમને ગોવાથી મોકલ્યો હતો
રાજકોટ-અમદાવાદ હાઇવે પર બાતમીના આધારે વોચ ગોઠવી સફળ કાર્યવાહી રાજકોટમાં બુટલેગર પહોંચે એ પહેલા પોલીસ પહોંચી ગઇઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા અને ટીમની કાર્યવાહીઃ દિલીપભાઇ બોરીચા, ઉમેશભાઇ ચાવડા અને વિશાલભાઇ દવેની બાતમી

રાજકોટ તા. ૧૧: દારૂની હેરાફેરીને ડામવા સક્રિય રહેતી પીસીબીની ટીમે વધુ એક સફળ કામગીરી કરી છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર ભગીરથ પેટ્રોલ પંપ નજીક બાતમીના આધારે વોચ રાખી રૂા. ૩૪.૭૫ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે બે રાજસ્થાની ડ્રાઇવરને ઝડપી લીધા છે. તપાસમાં આ દારૂ રાજસ્થાનના ધોલપુરના સમુન ઓૈતારસિંગ ગુર્જર નામના સપ્લાયરે ગોવાથી રવાના કરાવ્યો હોવાનું ખુલ્યું છે. જો કે સુમને મોકલેલો આ દારૂ રાજકોટમાં બૂટલેગર સુધી પહોંચે એ પહેલા પીસીબીની ટીમના હાથમાં આવી જતાં આગળની તપાસ હાથ ધરવામાં ઼આવી છે. શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક દ્વારા દારૂની બદ્દી નાબુદ કરવા સુચના અપાઇ હોઇ પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ દીલીપભાઇ બોરીચા, ઉમેશભાઇ ચાવડા અને પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઇ દવેને બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી એક ટ્રક વિદેશી દારૂનો મોટો જથ્થો લઈને રાજકોટ તરફ આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભગીરથ પેટ્રોલ પંપ સામે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન ત્યાંથી પસાર થતી શંકાસ્પદ ટ્રક નંબર એચઆર-૩૮-વી ૪૯૬૧ને અટકાવી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે આ દરોડા દરમિયાન ટ્રક ચાલક થાનસિંહ તોતારામ કુશવાહ (રહે. ચોૈકી દયેરી તા. મનીયા જી. ધોલપુર રાજસ્થાન) અને તેની સાથેના અન્ય એક શખ્સ ચંદ્રભાણ મેઘસિંહ કુશવાહ (રહે. ચોૈકી ધોલપુર)ની ધરપકડ કરી હતી. આ બંનેની પુછતાછમાં સુમન ઔતારસિંગ ગુર્જર (રહે. ધોલપુર)નું નામ ખુલ્યું હતું. ઝડપાયેલા બંનેએ સુમનનું નામ આપ્યું હતું. સુમને ગોવાથી દારૂનો આ ટ્રક ભરાવી આપ્યો હતો. રાજકોટ પહોંચ્યા પછી બૂટલેગર લેવા આવશે તેવી વાત કરી હતી. જો કે સુમનનો ફોન બંને ટ્રકચાલકને આવે અને બૂટલેગર આ જથ્થો લેવા પહોંચે એ પહેલા પીસીબીની ટીમ પહોંચી ગઇ હતી. પોલીસે ટ્રકમાંથી એવર ગ્રીન રીઝર્વ વ્હીસ્કી અને ઓક્સિજન ઓરેન્જ વોડકાની કુલ ૫,૩૭૬ નંગ બોટલો રૂપિયા ૩૪.૭૪ લાખની કબ્જે કરી છે. તેમજ ૧૦ લાખની કિંમતનો ટ્રક અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ ૪૪,૭૯,૯૧૨નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ કામગીરી પી.આઈ. એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ તથા હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી અને પોલીસ કોન્સ્ટેબલો તેમજ ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ ગઢવીએ કરી હતી.
(2:40 PM IST)










