તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
રૈયા રોડના જીવનનગરમાં દુર્ગંધયુક્ત અને ધીમા ફોર્સથી પાણી વિતરણઃ લોકોમાં રોષ
છ વખત કોલ સેન્ટરમાં ફરિયાદ છતાં પ્રશ્ન યથાવતઃ ઉપવાસ આંદોલનની ચિમકીઃ નર્મદાનું શુધ્ધ પાણી મળતું નહી હોવાનો આક્ષેપઃ લતાવાસીઓમાં રોગચાળાનો ભય

વિરોધઃ શહેરના જીવનનગરમાં છેલ્લા ઘણા સમયથી ધીમા, ગંદાપાણી વિતરણ થતા લતાવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આજે વિસ્તારવાસીઓ એકત્રીત થઇ વિરોધ કર્યો અને આ સમસ્યા તાકિદે ઉકેલવા માંગ કરી છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ, તા.૨૨: શહેરના વોર્ડ નંબર ૧૦ના રૈયા રોડ વિસ્તારમાં આવેલા જીવનનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ હોવાનું સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું છે. વિસ્તારવાસીઓના જણાવ્યા મુજબ ઘરોમાં આવતું પાણી અત્યંત ધીમા ફોર્સથી આવે છે અને સાથે પાણીમાંથી દુર્ગંધ આવતી હોવાથી લોકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીનો રંગ અને ગંધ બંને શંકાસ્પદ હોવાને કારણે લોકો તેનો પીવા તેમજ ઘરગથ્થુ ઉપયોગ માટે પણ સંકોચ અનુભવી રહ્યા છે. ખાસ કરીને નાના બાળકો, વળદ્ધો અને બીમાર લોકોના આરોગ્ય પર તેની ગંભીર અસર પડી શકે તેવી ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે. રહેવાસીઓએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિને કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ ભયજનક સ્થિતિ સર્જાઈ રહી છે.
વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે તેમને નિયમિત અને શુદ્ધ નર્મદાનું પાણી મળતું નથી. પાણી પુરવઠાની સમસ્યાને કારણે રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી વખત પાણી પૂરતા દબાણથી ન આવતા ઘરના ઉપરના માળ સુધી પાણી પહોંચી શકતું નથી, જેના કારણે મહિલાઓ અને વળદ્ધોને વધુ હાલાકી ભોગવવી પડે છે.
રહેવાસીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ સમસ્યા અંગે અત્યાર સુધીમાં છ વખત કોલ સેન્ટરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. અનેક રજૂઆતો છતાં પ્ર‘ યથાવત રહેતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે માત્ર આશ્વાસન આપવામાં આવે છે પરંતુ સ્થળ પર કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી.
વિસ્તારવાસીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક સ્વચ્છ અને પૂરતા દબાણથી પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ નહીં કરવામાં આવે તો તેઓ ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમો હાથ ધરશે. લોકોની માંગ છે કે મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઇન, લીકેજ અને સપ્લાયની સમગ્ર વ્યવસ્થાની તાત્કાલિક તપાસ કરી પ્ર‘નો કાયમી ઉકેલ લાવવામાં આવે જેથી લોકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ પાણી મળી શકે
(3:03 PM IST)










