તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
ધનતેરસે રાજકોટમાં લોકોએ બનાવ્યો નવો રેકોર્ડઃ ૧૫૦ કરોડથી વધુની સોના-ચાંદીના દાગીનાનું વેચાણ
૧૫૦ કરોડના સોના-ચાંદી અને ૬૦૦ કાર-૨૦૦૦ ટુ વ્હીલરનું વેચાણ

રાજકોટ,તા.૭: રાજકોટમાં ધનતેરસના પવિત્ર પર્વે રાજકોટવાસીઓએ ખરીદીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતાં જ રાજકોટના બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડી હતી. રાજકોટમાં એક જ દિવસમાં અંદાજે ૧૫૦ કરોડથી વધુની સોના-ચાંદીના દાગીનાનું વેચાણ થયું હોવાનો અંદાજ છે. આ ઉપરાંત ૬૦૦ નવી કાર અને ૨૦૦૦ ટુ-વ્હીલરનું પણ વેચાણ થયું છે.
રાજકોટમાં એક જ દિવસમાં ૧૨૫ કિલોથી વધુ સોના-ચાંદીનું વેચાણ થયું હોવાનો અંદાજ છે. જેમાં લગડીથી લઈને જુદા-જુદા દાગીનાઓનો સમાવેશ થાય છે. શુકન સાચવવા લોકો દ્વારા ૧ ગ્રામથી લઈને ૧૦ ગ્રામ સુધીના દાગીનાની પણ ખરીદી કરવામાં આવી હતી. છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં ઘટાડો થતાં લોકો સોનાની ખરીદી માટે પહોંચ્યા હતા. ખાસ યંગસ્ટર્સમાં રોઝ ગોલ્ડ ફેવરિટ છે. જ્યારે મહિલાઓ અલગ અલગ વેરાઈટીના બ્રેસલેટ અને ચેનની ખરીદી કરી મુહૂર્ત સાચવ્યું હતું.
રાજકોટના જાણીતા જ્વેલર્સના મુકેશભાઈએ જણાવ્યું હતું કે, આ મહિનામાં સોનાના ભાવમાં ૧૦,૦૦૦ જેવો ઘટાડો જોવા મળ્યો. જે ભાવ ઘટેલો છે એમાં છેલ્લા આઠથી દસ મહિનામાં નીચો ભાવ છે. લોકો ધનતેરસની મુહૂર્તની ખરીદી તો કરતા જ હોય છે પણ દિવાળી પછી જે લગ્નસરાની સિઝન ચાલુ થઈ રહી છે તો તેના માટે પણ અત્યારે ખરીદી થઈ હતી.
મુકેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ગત દિવાળી આસપાસ જે ભાવ હતો એના કરતાં અત્યારે ૧૦ ટકા જ વધારો છે. ગત વર્ષોની સરખામણીએ જોવા જાય તો થોડું ટોન ધીમો રહેશે એવું લાગે છે. જેના માટે ઓછો વરસાદ, આંતરરાષ્ટ્રીય કક્ષા યુદ્ધ સહિતના કારણો જવાબદાર છે
રાજકોટમાં અંદાજે ૨૦૦૦ ટુ-વ્હીલરનું વેચાણ થયું. જેમાં પેટ્રોલ વાહનોની સાથોસાથ ઈલેક્ટ્રિક (EV) વાહનોનો પણ સમાવેશ થયો હતો. ધનતેરસના શુભ મુહૂર્તમાં ગાડીની ડિલિવરી મેળવવા ગ્રાહકોએ ૨૦ દિવસ અગાઉથી જ એડવાન્સ બુકિંગ કરાવી લીધું હતું. એક દિવસમાં અંદાજે ૬૦૦ નવી ફોર-વ્હીલર ગાડીઓની ડિલિવરી પણ કરવામાં આવી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાહનોનું વેચાણ વધુ સારું રહ્યું હતું.(૪૦.૮)
(10:29 AM IST)










