<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

પોપટપરા નાલામાં વરસાદી પાણી ભરાવાની સમસ્‍યાનો કાયમી ઉકેલ ઢુકડોઃ પાટા પાસે પાઇપલાઇન બીછાવાશે

વરસાદી પાણી આજી-૨ તરફ ડાયવર્ટ કરવાની યોજનાઃ અંતિમ તબક્કામાં રહેલ રેલવેની મંજૂરી મળતાં જ કામગીરી શરૂ થશે

 

રાજકોટ,તા.૧૭: શહેરના વોર્ડ નં. ૩ વિસ્‍તારના પોપટપરા નાલા ખાતે દર વર્ષે સામાન્‍ય વરસાદ કે ઝાપટાં દરમિયાન પણ પાણી ભરાઈ જવાની સમસ્‍યા સર્જાય છે. વર્ષોથી ચાલતી આ સ્‍થિતિને કારણે વરસાદી મોસમમાં સ્‍થાનિક નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને અવરજવર પણ પ્રભાવિત થાય છે.

આ કાયમી સમસ્‍યાના ઉકેલ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોપટપરા નાલા નજીક આવેલી રેલવે લાઇનની બાજુમાંથી નવી પાઇપલાઇન નાખી વરસાદી પાણીને ડાયવર્ટ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજના મુજબ સંતોષીનગર તરફથી આવતા વરસાદી પાણીને સીધુ આજી-૨ તરફ વાળવામાં આવશે, જેના કારણે પોપટપરા નાળામાં પાણી ભરાવાની સમસ્‍યાનો કાયમી ઉકેલ આવી શકે છે.

યોજનાના અમલીકરણ માટે રેલવેની જમીનમાંથી પાઇપલાઇન પસાર કરવાની હોવાથી રેલવે વિભાગની મંજૂરી જરૂરી છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા રેલવે સમક્ષ દરખાસ્‍ત કરવામાં આવી છે. રેલવે વિભાગે મંજૂરી માટે અંદાજે રૂ. ૫.૫૦ કરોડના ચાર્જની માંગણી કરી છે. આ રકમમાં ઘટાડો કરવા માટે હાલ રેલવે સાથે પત્રવ્‍યવહાર અને રજૂઆતો ચાલુ છે.

રેલવેની મંજૂરી મળ્‍યા બાદ તમામ તકનીકી અને સલામતીના ધોરણોને ધ્‍યાનમાં રાખીને કામગીરી હાથ ધરવામાં આવશે. ચાર્જ, પાઇપલાઇન અને અન્‍ય જરૂરી કામો સહિત સમગ્ર પ્રોજેક્‍ટનો પ્રાથમિક અંદાજ અંદાજે રૂ. ૮ કરોડ જેટલો છે.

મહાનગરપાલિકાનું આયોજન આગામી ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ કરવાનું છે. યોજના અમલમાં આવ્‍યા બાદ પોપટપરા વિસ્‍તારમાં વર્ષોથી સર્જાતી વરસાદી પાણી ભરાવાની સમસ્‍યામાં નોંધપાત્ર રાહત મળશે તેમજ વરસાદી મોસમ દરમિયાન નાગરિકોની અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બનશે.

(3:32 PM IST)