<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

ભેળસેળીયા વેપારીઓની પેઢી કાયમ માટે બંધ કરો શહેરીજનોના આરોગ્‍ય સાથે ચેડા નહી ચલાવી લેવાય

ત્રણથી વધુ વખત ભેળસેળ પકડાય તો પેઢી સીલ કરો, પરવાનો રદ કરી ફોજદારી ગુનો નોંધો; આકરા દંડ અને કડક સજાની જોગવાઈ માટે મનપા જનરલ બોર્ડની રાજ્‍ય સરકારને ભલામણ : સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટના દરોમાં ઘટાડો, રંગ ઉપવન ગેટ પાસે જમીન સોંપવા સહિતની ૪ અરજન્‍ટ બીઝનેશ સહિત ૧૧ દસ્‍તાવેજ સર્વાનુમતે મંજુર

રાજકોટ, તા.,૧૭ : રાજ્‍યમાં ખાદ્યપદાર્થોમાં સતત વધી રહેલી ભેળસેળને ડામવા માટે ફૂડ સેફ્‌ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ્‍સ એક્‍ટ-૨૦૦૬ હેઠળ સજા અને દંડની જોગવાઈઓ વધુ કડક બનાવવાની જરૂરિયાત વ્‍યક્‍ત કરવામાં આવી છે. આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં રજૂ થયેલી દરખાસ્‍તને મંજૂરી આપી જરૂરી કાયદાકીય અને વહીવટી સુધારા કરવા રાજ્‍ય સરકારને ભલામણ કરવામાં આવી છે.

મનપાની કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન જયરાજસિંહ જાડેજાએ બોર્ડ સમક્ષ દરખાસ્‍ત રજૂ કરી હતી. તેમાં ભેળસેળયુક્‍ત, હલકી ગુણવત્તાવાળા અથવા આરોગ્‍યને નુકસાન પહોંચાડે તેવા ખાદ્યપદાર્થોનું ઉત્‍પાદન અને વેચાણ કરનારાઓ સામે વધુ અસરકારક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

દરખાસ્‍તમાં જણાવાયું છે કે, ખાદ્યસામગ્રીમાં  ભેળસેળના દૂષણને સંપૂર્ણપણે નાથવા માટે ગુનાની ગંભીરતા પ્રમાણે અલગ-અલગ વર્ગો નક્કી કરવા જોઈએ. કોઈ વ્‍યક્‍તિ કે પેઢી વારંવાર અથવા ત્રણથી વધુ વખત ભેળસેળ કરતાં પકડાય તો તેના ખાદ્યપદાર્થો સંબંધિત વ્‍યવસાય પર કાયમી પ્રતિબંધ મૂકવો જોઈએ. આ ઉપરાંત તેનો પરવાનો સ્‍થગિત કે રદ કરવા તેમજ પેઢીને સીલ કરવાની જોગવાઈ કરવી જોઈએ.

નિર્ધારિત સમયગાળા સુધી વ્‍યવસાય કરવા પર પ્રતિબંધ મૂકવા અને ગંભીર કિસ્‍સાઓમાં ફોજદારી કાર્યવાહી કરીને કડક સજા કરવાની જોગવાઈ ઉમેરવા પણ ભલામણ કરવામાં આવી છે. હાલના દંડની રકમમાં નોંધપાત્ર વધારો કરવા તથા દંડ નક્કી કરતી વખતે ગેરકાયદે મેળવેલો આર્થિક લાભ, વ્‍યવસાયનું કદ, ભેળસેળનું પ્રમાણ અને લોકોના આરોગ્‍ય પર ઊભું થયેલું જોખમ ધ્‍યાનમાં લેવા સૂચન કરવામાં આવ્‍યું છે.

દરેક ખાદ્ય નમૂનાનો પરીક્ષણ અહેવાલ ૧૪ દિવસમાં મળી રહે તે માટે માળખાકીય સુવિધાઓ અને સ્‍ટાફમાં વધારો કરવાની જરૂરિયાત પણ દર્શાવવામાં આવી છે. દરેક જિલ્લામાં ખાદ્ય પરીક્ષણ  પ્રયોગશાળા સ્‍થાપવા તેમજ દંડની રકમની સમયાંતરે સમીક્ષા કરીને તેમાં વધારો કરવાની ભલામણ કરાઈ છે.

ખાદ્યસામગ્રીમાં ભેળસેળ અંગેની ઓનલાઇન ફરિયાદોનો ઝડપી નિકાલ થાય અને ફરિયાદીને કાર્યવાહીનો અહેવાલ મળી રહે તેવી અસરકારક વ્‍યવસ્‍થા ઊભી કરવા પણ રાજ્‍ય સરકારને સૂચન કરવામાં આવ્‍યું છે.

જનરલ બોર્ડમાં આ અંગેનો વિશેષ ઠરાવ સર્વાનુમતે મંજૂર કરી રાજ્‍ય સરકારને મોકલવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત કટારિયા ચોકના નામકરણ સહિત ચાર અર્જન્‍ટ બિઝનેસ દરખાસ્‍તોને પણ બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી.

(3:52 PM IST)