News of Thursday, 4th June 2026
પેટ સ્કેન ખૂબ ખર્ચાળ, સિવીલ હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રજુઆત
સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ માટે રાજેષ (રાજા) ચાવડાનો પત્ર

રાજકોટ, તા. ૪: ભાજપના અગ્રણી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિના સભ્ય રાજેષ (રાજા) એમ. ચાવડાએ સિવીલ હોસ્પિટલમાં પેટસ્કેન સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજયના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા સહિતના સતાધીશોને પત્ર પાઠવી રજુઆત કરી છે.
શ્રી રાજેશ ચાવડાએ પત્રમાં જણાવ્યું છે કે, ગંભીર રોગમાં દર્દીના ચોક્કસ નિદાન માટે પોજીટ્રોન એમીશન ટ્રોમોગ્રાફી (પેટ સ્કેન) તપાસની જરૂર રહે છે. મારી જાણકારી મુજબ સમગ્ર સૌરાષ્ટ્ર સૌથી મોટી ગણાતી પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, રાજકોટમાં કે રાજકોટમાં સેવાભાવિ ટ્રસ્ટ સંચાલિત કોઈ હોસ્પિટલમાં પેટ સ્કેનની સુવિધા નથી કેન્સર જેવા ગંભીર રોગમાં શરીરના અંગોની સ્થિતિ, તેની કાર્યપ્રણાલી અને શરીરમાં રોગના ફેલાવાની જાણકારી મેળવવા માટે પેટ સ્કેન કરવાની જરૂરિયાત રહે છે, પેટ સ્કેનનો રિપોર્ટ દર્દીના નિદાન અને સમયસર સચોટ સારવાર માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. પેટ સ્કેન કરાવવાનું ખૂબ જ ખર્ચાળ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે અસહ્ય થઈ જાય છે. રાજકોટની રાજય સરકાર સંચાલિત સિવિલ હોસ્પિટલમાં જો આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો જેને પેટ સ્કેનની જરૂરિયાત છે તેવા કેન્સર અને તથા બીજા રોગોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ થઈ શકે તેમ છે. રાજય સરકાર અને કેન્દ્ર સરકાર આરોગ્ય સેવાને ઉતમોત્મ બનાવવા પ્રયત્નશીલ ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક પેટ સ્કેન મશીનની સુવિધા શરૂ કરવા મારી રજુઆત છે
(2:07 PM IST)










