News of Monday, 23rd November 2026
ઘરેલું હિંસાના નિયમ હેઠળ પરણીતા વિરૂદ્ધ સાસરીયાઓએ કરેલી અરજી ના મંજૂર

રાજકોટ તા. ર૩: પતિના અવસાન પછી વિધવા પરિણીતા પોતાના સાસરિયાં સામે ઘરેલુ હિંસા (ડોમેસ્ટિક વાયોલન્સ) અધિનિયમ હેઠળ અરજી કરી શકતી નથી, તેવી સાસરિયાં પક્ષની અરજી રાજકોટની ફોજદારી અદાલતે ફગાવી દઈ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
આ કેસની વિગતો મુજબ, રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ આલાપ એવન્યુમાં રહેતા અંકિતાબેનના લગ્ન વર્ષ ૨૦૧૫માં શાષાીનગર પાછળ ગાંધી સોસાયટીમાં રહેતા નારણભાઈ કરસનભાઈ પાનસુરીયાના પુત્ર રમેશભાઈ સાથે થયા હતા. આ લગ્નજીવન થકી તેમને એક પુત્રીનો જન્મ થયો હતો. ત્યારબાદ પતિ રમેશભાઈનું અવસાન થતાં સાસરિયાંઓએ અંકિતાબેન પર ઘરેલુ હિંસા આચરવાનું શરૂ કર્યું હતું અને તેમને સગીર પુત્રી સહિત પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકયા હતા.
નિરાધાર બનેલા અંકિતાબેને વર્ષ ૨૦૨૨માં સસરા નારણભાઈ કરસનભાઈ પાનસુરીયા, સાસુ ચંદ્રીકાબેન નારણભાઈ પાનસુરીયા, નણંદ કિંજલ મીલનભાઈ ઘીયાડ, નણદોયા મીલનભાઈ ઘીયાડ, માસાજી લક્ષ્મણભાઈ મોરડ અને માસીજી વિજીયાબેન મોરડ સામે રાજકોટની ફોજદારી અદાલતમાં ઘરેલુ હિંસાની અરજી દાખલ કરી હતી. આ અરજી સાથે વચગાળાની રાહત માંગવામાં આવતા, કોર્ટે પરિણીતાના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી પતિના અવસાન પછી સસરાને ભરણપોષણ માટે જવાબદાર ગણી પરિણીતા અને સગીર પુત્રીને વચગાળાના ભરણપોષણ પેટે માસિક રૂ. ૪,૦૦૦ ચૂકવવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ મૂળ અરજી ચાલવા પર આવતા સાસરિયાંઓએ ફરીથી અરજી કરી એવી રજૂઆત કરી હતી કે પતિની ગેરહાજરીમાં સાસરિયાં સામે આ કાયદા હેઠળ દાદ માંગી શકાય નહીં, તેથી પ્રાથમિક તબક્કે જ પરિણીતાની અરજી રદ કરી સાસરિયાંઓને મુક્ત કરવા જોઈએ. જેની સામે પરિણીતાના વકીલે દલીલ કરી હતી કે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટમાં સાસરિયાંની આવી અરજી કરવાની કોઈ જોગવાઈ નથી અને તમામ હકીકતો પુરાવાનો વિષય હોવાથી પુરાવો લીધા પહેલાં અરજી રદ કરી શકાય નહીં.
રાજકોટની ફોજદારી કોર્ટે પરિણીતાના વકીલની દલીલો સાથે સહમત થઈ સાસરિયાંની અરજી રદ કરવાનો હુકમ કર્યો છે અને કેસમાં પુરાવા માટે નવી મુદત મુકરર કરી છે. આ ચકચારી કેસમાં પરિણીતા વતી એડવોકેટ સંદીપ કે. અંતાણી તથા સમીમબેન એમ. કુરેશી રોકાયા છે.
(3:00 PM IST)










