<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

જામનગરમાં પીજીવીસીએલના નાયબ ઇજનેર રૂષી પરમાર અને લાઇનમેન મનોજભાઈ પ્રજાપતિ ૮૦ હજારની લાંચ લેતા એસીબીના સિકંજામાં

ખંભાળીયા હાઇવે પર નાગાર્જુન પેટ્રોલ પંપ સામે પીઆઈ એ.આર.ગોહિલની ટીમે ગોઠવ્યું છટકું : મદદનીશ નિયામક જે.ડી.મેવાડા અને નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના સુપરવિઝનમાં એસીબીની મોટી કાર્યવાહી

રાજકોટ : જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને સાંકળતા જામનગર-ખંભાળીયા હાઇવે પર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે એક મોટી અને સફળ ટ્રેપ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ગેસ્ટ હાઉસના વીજ કનેક્શન માટે નવું ટીસી ફિટ કરી મીટર લગાવી આપવાના અવેજ પેટે ૮૦ હજાર રૂપિયાની મસમોટી લાંચ લેતા પીજીવીસીએલના વર્ગ-૧ ના નાયબ ઇજનેર અને તેના વતી લાંચના નાણાં સ્વીકારતા વર્ગ-૪ ના આસિસ્ટન્ટ લાઇનમેનને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વીજ લોડ વધારવા અને નવા કનેક્શન માટે માંગી હતી લાંચ:
આ ગુનાની વિગત એવી છે કે એક જાગૃત નાગરિકે તા.જી.જામનગર હેઠળ આવતી સાપર સબ ડિવિઝન, પીજીવીસીએલની કચેરી ખાતે પોતાના ગેસ્ટ હાઉસ માટે વીજ લોડ વધારવા તેમજ નવા વીજ કનેક્શન માટે અરજી કરી હતી. આ અરજી અન્વયે પીજીવીસીએલ કચેરી દ્વારા ઘણા સમયથી કોઈ ન્યાયિક કાર્યવાહી કરવામાં આવતી નહોતી. ગેસ્ટ હાઉસ માટે નવું ટીસી ફિટ કરી અને નવું વીજ મીટર લગાવી આપવાના અવેજ પેટે સાપર સબ ડિવિઝનના નાયબ ઇજનેર (વર્ગ-૧) રૂષી દિનેશચંદ્ર પરમાર (ઉંમર વર્ષ ૪૨) નાઓએ શરૂઆતમાં રૂપિયા ૧,૦_૦,૦૦૦/- ની માંગણી કરી હતી. જોકે ફરિયાદી સાથે થયેલી રકજકના અંતે નાયબ ઇજનેર રૂષી પરમારે રૂપિયા ૮૦,૦૦૦/- ની લાંચ સ્વીકારવાનું નક્કી કર્યું હતું.

હાઇવે પર પેટ્રોલ પંપ સામે ગોઠવાયું લાંચનું છટકું:
ફરિયાદી આ લાંચની રકમ આપવા બિલકુલ માંગતા ન હોવાથી તેઓએ જામનગર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર મામલાની વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને ૧૭ જૂન, ૨૦૨૬ ના રોજ જામનગર-ખંભાળીયા હાઇવે રોડ પર મોટી ખાવડી પાસે આવેલા નાગાર્જુન પેટ્રોલ પંપની સામે લાંચના છટકાનું સચોટ આયોજન કર્યું હતું.

લાઇનમેન નાણાં લેતા ઝડપાયો, ઓફિસેથી નાયબ ઇજનેરની પણ અટકાયત કરાઈ:
લાંચના આ આયોજિત છટકા દરમિયાન નાયબ ઇજનેર રૂષી પરમાર વતી સાપર સબ ડિવિઝન પીજીવીસીએલ કચેરીના આસિસ્ટન્ટ લાઇનમેન (વર્ગ-૪) મનોજભાઈ ડુંગારામ પ્રજાપતિ (ઉંમર વર્ષ ૪૩) રૂબરૂ હાઇવે પર નિયત સ્થળે આવ્યા હતા. તેઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂપિયા ૮૦,૦૦૦/- ની માંગણી કરી ફરિયાદી પાસેથી સ્વીકારી હતી. લાઇનમેન મનોજભાઈ પ્રજાપતિ લાંચના નાણાં લેતા જ વોચમાં ગોઠવાયેલા એસીબીના સ્ટાફે તેમને રંગેહાથ દબોચી લીધા હતા. આ સફળ ટ્રેપ બાદ એસીબીની બીજી ટીમે પીજીવીસીએલની કચેરી ખાતેથી મુખ્ય આરોપી નાયબ ઇજનેર રૂષી પરમારને પણ તાત્કાલિક ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રૂપિયા ૮૦,૦૦૦/- રિકવર કરી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

વરિષ્ઠ એસીબી અધિકારીઓનું સંકલન અને સફળ રેડ:
આ સફળ ટ્રેપની કામગીરી જામનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહિલ તથા તેમના સ્ટાફ દ્વારા અત્યંત ગુપ્તતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનમાં એસીબી રાજકોટ એકમના મદદનીશ નિયામક જે.ડી.મેવાડાએ સુપરવિઝન અધિકારી તરીકેની ભઠિકા નિભાવી હતી, જ્યારે એસીબી રાજકોટના નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના સક્ષમ માર્ગદર્શન અને ઇન્ચાર્જ વડપણ હેઠળ આ ભ્રષ્ટાચાર વિરોધી મોટી કાર્યવાહીને સફળતાપૂર્વક અંજામ આપવામાં આવ્યો છે.

(9:20 PM IST)