<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

કણકોટ રોડ પર બાંધકામ સાઇટ પરથી ૫.૧૩ લાખની પ્‍લેટ્‍સ ચોરાઇઃ શકમંદોની પુછતાછ

અગાઉ નવા દોઢસો રીંગ રોડ પરથી પણ દસ લાખની પ્‍લેટ્‍સ ચોરાઇ હતીઃ તાલુકા પોલીસમાં વધુ એક ગુનોઃ ક્રાઇમ બ્રાંચે કેટલાક શંકાસ્‍પદ શખ્‍સોને ઉઠાવ્‍યા

રાજકોટ તા. ૩૦: શહેરમાં તાજેતરમાં નવા દોઢસો ફુટ રીંગ રોડ પર બાંધકામની સાઇટ પરથી દસ લાખથી વધુની કિંમતની એલ્‍યુમિનિયમની પ્‍લેટસ ચોરાઇ ગઇ હતી. તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્‍યાં આવો વધુ એક બનાવ કણકોટ રોડ પર બન્‍યો છે અહિ  નિર્માણ પામી રહેલા એક ઓડિટોરિયમ હોલની બાંધકામ સાઇટને તસ્‍કરોએ નિશાન બનાવી છે. સાઇટ પર પ્‍લાન ચેન્‍જ થવાના કારણે થોડા દિવસો માટે કામકાજ બંધ રાખવામાં આવ્‍યું હતું, જેનો લાભ ઉઠાવીને તસ્‍કરો સેન્‍ટિંગ કામ માટે વપરાતી કિંમતી એલ્‍યુમિનિયમની ૩૫ પ્‍લેટો ચોરી કરી ગયા છે.

આ બનાવ અંગે તાલુકા પોલીસે સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોકમાં પામ સીટી એ-વીંગ બ્‍લોક નં. ૧૧૦૨ ખાતે રહેતાં અને મારૂતિ કન્‍સ્‍ટ્રકશન નામે સેન્‍ટીંગ કામ કરતાં રાજેશભાઇ જેરામભાઇ માલાણી (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે. ફરિયાદની વિગત મુજબ રાજેશભાઇ  છેલ્લા ત્રણ-ચાર મહિનાથી કણકોટ ૮૦ ફૂટ રોડ ચોકડી પાસે ટ્રીડન હાઇટ્‍સની બાજુમાં વિનય કન્‍સ્‍ટ્રક્‍શનની ઓડિટોરિયમ હોલ બનાવતી સાઇટ પર સેન્‍ટિંગનું કામ કરી રહ્યા છે. આ કામ માટે તેમણે સાઇટ પર એલ્‍યુમિનિયમની અલગ-અલગ સાઇઝની કુલ ૧૪૦ માઇવન મટીરીયલની પ્‍લેટો મંગાવી હતી.

ગત તા. ૬ના રોજ આ સાઇટ પર પ્‍લાન ચેન્‍જ કરવાનો હોવાથી થોડા દિવસો માટે કામકાજ બંધ કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ તા. ૧૯/૦૬ના રોજ જ્‍યારે સાઇટ ફરી ચાલુ કરવામાં આવી અને રાજેશભાઈ સાંજે સાઇટ પર ગયા, ત્‍યારે સેન્‍ટિંગ મટીરીયલ ઓછું હોવાનું જણાયું હતું. સાઇટ પર સાધનો ઓછા જણાતા કોન્‍ટ્રાક્‍ટર રાજેશભાઈએ તાત્‍કાલિક તેમના મજૂરો પાસે એલ્‍યુમિનિયમ પ્‍લેટોની ગણતરી કરાવી હતી. ગણતરી દરમિયાન કુલ ૧૪૦ પ્‍લેટોમાંથી આશરે ૩૫ પ્‍લેટો ઓછી હોવાનું માલુમ પડ્‍યું હતું.

આ અંગે તેઓએ સાઇટ પર તથા આજુબાજુના વિસ્‍તારમાં તપાસ કરી હતી અને ત્‍યાં તૈનાત સિકયુરિટી ગાર્ડની પણ પુછપરછ કરી હતી, પરંતુ પ્‍લેટોનો કોઈ પતો લાગ્‍યો ન હતો. તસ્‍કરો રૂપિયા ૫,૧૩,૦૦૦ની કિંમતની ૩૫ પ્‍લેટો ચોરી ગયાનું જણાતાં તાલુકા પોલીસને જાણ કરતાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એમ. એચ. મહારાજે ગુનો દાખલ કરતાં આગળની તપાસ પીએઅસાઇ બી. આર. ભરવાડ અને ડી. સ્‍ટાફ ટીમે હાથ ધરી છે. દરમિયાન ક્રાઇમ બ્રાંચે અમુક શકમંદોને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે. આ ગુનો તથા અગાઉ નવા ૧૫૦ રીંગ રોડ પર કન્‍સ્‍ટ્રક્‍શન સાઇટ પર સ્‍કાયલાઇન પ્રોજેક્‍ટની સાઇટ પરથી રૂપિયા ૧૦.૧૧ લાખની એલ્‍યુમિનયમ પ્‍લેટ્‍સની ચોરી થઇ હતી તે ગુનો  પણ ઉકેલાઇ જવાની શક્‍યતા છે.

(2:19 PM IST)