તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Wednesday, 15th April 2026
કવિ યોગેશ વૈદ્યને ‘ભટ્ટખડકી' માટે સાહિત્ય અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર : ભારવિ મંચના ૫૦મા મણકાની ‘સ્વર્ણિમ બેઠક'માં સર્જકનું ભાવભીનું સન્માન
સંજુ વાળા, મહેન્દ્ર જોશી અને સતીશચંદ્ર વ્યાસની ઉપસ્થિતિમાં કવિતા અને ગદ્યના પરિશીલન સાથે યોજાયો સંતર્પક સંવાદ : રાજુ યાજ્ઞિકના કંઠે ‘નવો ઉતારો'ના વાચિકમે શ્રોતાઓને કર્યા ભાવવિભોર

રાજકોટ : ભારવિ મંચના ૫૦ મણકા પૂર્ણ થવાના અવસરે એક વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તક ત્યારે વધુ યાદગાર બની જ્યારે કવિ યોગેશ વૈદ્યને તેમના કાવ્યસંગ્રહ ‘ભટ્ટખડકી' માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ગુજરાતી ભાષાનું પ્રતિષ્ઠિત પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. રૂા. ૧,૦૦,૦૦૦/- અને ટ્રોફી સાથેના આ ગૌરવશાળી પુરસ્કાર નિમિત્તે ભારવિ પરિવાર દ્વારા કવિને પોંખવા માટે એક વિશેષ સ્વર્ણિમ બેઠકનું આયોજન કરાયું હતું.
સાહિત્યિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આદર સત્કાર : કાર્યક્રમના પ્રારંભે સંજય ઉપાધ્યાયે ભારવિ મંચના ઉદ્દેશો સ્પષ્ટ કર્યા હતા. કવિ ભાસ્કર ભટ્ટના પ્રાર્થનાત્મક શ્લોક અને પરાગ ત્રિવેદીના સંચાલન હેઠળ બેઠકની શરૂઆત થઈ હતી. ભારવિ પરિવાર વતી યોગેશ વૈદ્યનું શાલ અને પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે તેમના પત્ની ઇશિતાબહેન અને અન્ય વક્તાઓનું પુષ્પ દ્વારા સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે કવિ ભગવાન થાવરાણી, વિનોદ વ્યાસ, રમેશ પાચાણી અને નવીનભાઈ ધામેચાએ પોતાની રચનાઓ રજૂ કરી હતી.
જીવન અને કવનનું ઊંડાણપૂર્વક પરિશીલન : કવિના અંગત મિત્ર સતીશચંદ્ર વ્યાસે તેમના જીવન સંઘર્ષ અને વ્યાવસાયિક મૂલ્યો પર પ્રકાશ પાડ્યો હતો. GHCL માં જનરલ મેનેજર જેવી ઉચ્ચ પોસ્ટ પરથી નિવળત્ત થયેલા યોગેશ વૈદ્ય એક સિવિલ ઈજનેર હોવા છતાં સાહિત્યમાં કેવી રીતે સર્વોચ્ચ શિખર સર કરી શકયા તેની વિગતો તેમણે આપી હતી. વરિષ્ઠ કવિ મહેન્દ્ર જોશીએ પુરસ્કળત સંગ્રહ ‘ભટ્ટખડકી' ના સોનેટ ગુચ્છનો આસ્વાદ કરાવી શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા.
વિદ્વત્તાપૂર્ણ વિવેચન અને વાચિકમ : મૂર્ધન્ય કવિ સંજુ વાળાએ ‘ભટ્ટખડકીની કવિતામાં કલ્પન અને કાવ્યાત્મકતા' વિષય પર ગહન ચર્ચાઓ કરી હતી. તેમણે ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોના ઉદાહરણો આપી કવિના લક્ષ્યવેધને પ્રસ્તુત કર્યો હતો. કવિના ગદ્ય સંગ્રહ ‘નવો ઉતારો'માંથી પસંદ કરેલા અંશોનું આકાશવાણીના ઉદઘોષક રાજુ યાજ્ઞિકે પોતાના ઘેઘૂર અવાજમાં હૃદયસ્પર્શી વાચિકમ કર્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું.
સન્માનિત સર્જકની કેફિયત : પોતાના સંબોધનમાં યોગેશ વૈદ્ય અત્યંત નમ્રતા સાથે દિવંગત સ્વજનોને યાદ કરી ભાવુક થયા હતા. તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સામે સર્જકતાના પડકારો અને નવી પેઢીને ભાષા સાથે જોડવાની જરૂરિયાત પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઈશ્વરની ઈચ્છા હોય ત્યાં સુધી આ શબ્દયાત્રા ચાલુ રાખવાની ઈચ્છા દર્શાવી હતી.
લેન્કો (LENCO) એલ્યુમની એસોસિએશન વતી ઈજનેર સવજીભાઈ સીતાપરાએ પણ ઉપસ્થિત રહી મોરબી એન્જિનિયરિંગ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા યોગેશ વૈદ્યની સિદ્ધિને બિરદાવી હતી. આ સાદગીપૂર્ણ છતાં ગૌરવવંતા કાર્યક્રમમાં અંદાજે ૫૦ જેટલા સાહિત્યપ્રેમી ભાવકો ઉપસ્થિત રહ્યા હતા.
(1:55 PM IST)










