તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
રાજકોટના કુવાડવામાં સ્ટેટ મોનીટરીંગ સેલના મેગા દરોડા બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એક્શનમાં : કુવાડવા પોલીસ સ્ટેશન પીઆઇ વી. આર. વસાવાને તાત્કાલિક અસરથી કર્યા સસ્પેન્ડ
RK9 ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી જંગલેશ્વરના નામચીન બુટલેગર ફિરોઝ સંધી અને સુલતાન સંધીનો ટ્રક સાથે ૧ કરોડથી વધુનો દારૂ સાથેનો મુદ્દામાલ જપ્ત થતાં સ્થાનિક પોલીસ તંત્રમાં ફફડાટ

રાજકોટ:સ્થાનિક પોલીસની નાક નીચે ચાલતા ગેરકાયદેસર કાળા કારોબાર પર ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ત્રાટકતા જ રાજકોટ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઔદ્યોગિક વિસ્તારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયાના માત્ર બે જ દિવસમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ કડક વલણ અપનાવ્યું છે. એસએમસીની આ સફળ રેડ બાદ સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા અને નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા થતાં, પોલીસ કમિશનર દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વી. આર. વસાવાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાનો કડક હુકમ કરવામાં આવ્યો છે. ઉચ્ચ સ્તરેથી લેવાયેલા આ આકરા પગલાના કારણે કુવાડવા પોલીસ સ્ટેશનનો સમગ્ર ડી સ્ટાફ અને અન્ય પોલીસ કર્મચારીઓ ભારે ચિંતા અને ફફડાટમાં મુકાઈ ગયા છે.
આ ચોંકાવનારી ઘટનાની વિગત એવી છે કે, ગત તા. ૧૯ જૂનના શુક્રવારના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને એક અત્યંત ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે એસએમસીના ઉચ્ચ અધિકારીઓએ કુવાડવા રોડ પર આવેલા RK9 ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ મગા રેડ દરમિયાન સ્થળ પરથી આશરે ૭૦.૩૮ લાખ રૂપિયાની કિંમતનો કુલ ૨૧૭ પેટી વિદેશી દારૂનો મંગી જથ્થો તંત્રએ ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે એક મોટા ટ્રક સહિત કુલ ૧ કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સ્થળ પરથી જ એક આરોપીની ધરપકડ કરી તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસ અને પકડાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આ વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવનાર બીજો કોઈ નહીં પરંતુ રાજકોટના જંગલેશ્વર વિસ્તારનો નામચીન લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી હતો. આ ઉપરાંત દરોડાના સ્થળ પરથી એક શંકાસ્પદ ક્રેટા કાર પણ મળી આવી હતી, જેના નંબર જીજે.૦૧.આરએન. ૬૪૪૦ છે. આ વૈભવી કારના માલિક સુલતાન સંધી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
આ સમગ્ર ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ થતાં એસએમસી દ્વારા મુખ્ય સુત્રધાર અને લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી, કાર માલિક સુલતાન સંધી, દારૂ ભરેલી ટ્રકનો ચાલક, એક બોલેરો ગાડીનો ચાલક તેમજ અન્ય રાજ્યોમાંથી દારૂ મોકલનાર સપ્લાયર સહિત કુલ ફરાર ૬ શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો સ્થાનિક પોલીસની નજર બહાર ઔદ્યોગિક વિસ્તારમાં ઉતર્યો હોવાથી કમિશનરે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આ સસ્પેન્શનના આદેશ જારી કર્યા છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(4:36 PM IST)










