તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 17th June 2026
ગંગોત્રી પાર્ક રોડ પર બખેડો કરનારા નેપાળી શખ્સો, સગીરોને પોલીસે શોધી ગુનો નોંધ્યો
હોટેલના નેપાળી કર્મચારીઓ, સગીરો વચ્ચે સામાન્ય વાતે બોલાચાલી બાદ જાહેરમાં ધમાલ મચી ગઇ હતીઃ યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ શહેરમાં જાહેર રસ્તાઓ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ કમિશનરની કડક સૂચનાઓ વચ્ચે વધુ એક વખત જાહેરમાં મારામારી અને બખેડાની ઘટના સામે આવી હતી. ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર બે રેસ્ટોરન્ટની બહાર રસ્તા પર અમુક યુવકો સામસામે ઝપાઝપી અને ઝગડો કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયો પ ઉચ્ચ પોલીસ અધિકારીના ધ્યાને આવતા જ તાકીદે તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. જેને પગલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફે તપાસ હાથ ધરી ૭ જણા સામે ગુનો સુલેહશાંતિ ભંગ કરવાનો ગુનો નોંધ્યો છે.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડકોન્સ્ટેબલ પ્રતાપસિંહ દાદભા મોયાએ સરકાર તરફે ફરિયાદી બની ગંગોત્રી પાર્ક રોડ પર આવેલા હરભોલે રેસ્ટોરન્ટના હીમરાજ ઉર્ફે કમલ કરણભાઇ પરીયાર, માનશન ખલુચંદ નેપાળી, મોટા મવા તાલુકા પોલીસ સ્ટેશન સામે રહેતાં બીરૂ હકભાઇ સીંધ અને બીજા ચાર સગીર નેપાળી સામે ગુનો નોંધ્યો હતો. ફરિયાદ મુજબ ૧૫મીએ સોશિયલ મીડિયા એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર આવેલા શ્રી રજની ઢાસા તથા હરભોલે મલ્ટીકયુઝેન રેસ્ટોરન્ટ પાસે જાહેર રોડ પર રાત્રિના સમયે અમુક શખ્સો એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝપાઝપી કરી રહેલા જોવા મળ્યા હતાં. પોલીસે વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ મેળવી તેઓના નામ-સરનામા શોધી કાઢીને તમામની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન ઝડપાયેલા શખ્સોએ કબૂલાત આપી હતી કે પંદરમીએ રાત્રિના આશરે સાડા બારેક વાગ્યે તેઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બધા ભેગા મળીને જાહેર રસ્તા પર જ એકબીજા સાથે ઝગડો અને ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. જાહેરમાં સુલેહશાંતિનો ભંગ કરી બખેડો ઊભો કરનાર શખ્સોમાં હોટેલના નેપાળી કર્મચારીઓ અને સ્થાનિક સગીરો પણ સામેલ હોઇ કાર્યવાહી કરવામાં આવી હતી. (૧૪.૯)
(2:26 PM IST)










