<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

સૌરાષ્‍ટ્રમાં ઓછા વરસાદથી પશુપાલકોની હાલત કફોડીઃ તાત્‍કાલિક રાહત પેકેજ જાહેર કરવા માંગ

ઘાસચારાના આસમાને પહોંચેલા ભાવ અને પાણીની અછતથી માલધારીઓ મુશ્‍કેલીમાં: જિલ્લા-તાલુકા કક્ષાએ કેટલ કેમ્‍પ શરૂ કરવા રણજીત મુંધવા અને હરેશ ભારાઈની રજૂઆત

રાજકોટ તા.૨૪: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના અનેક વિસ્‍તારોમાં ઓછા વરસાદને કારણે ઘાસચારા અને પશુઓ માટે પીવાના પાણીની અછત સર્જાઈ હોવાની રજૂઆત સાથે માલધારીઓ અને પશુપાલકો માટે રાજ્‍ય સરકાર દ્વારા તાત્‍કાલિક વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ રણજીત મુંધવા અને હરેશ ભારાઈ દ્વારા કરવામાં આવી છે. ઘાસચારાના વધતા ભાવ અને ગૌચરની ઘટતી જતી જમીનોને કારણે પશુપાલન વ્‍યવસાય મુશ્‍કેલીમાં મુકાયો હોવાનું જણાવી પશુધનને બચાવવા સરકાર તાકીદે નક્કર પગલાં ભરે તેવી અપીલ કરવામાં આવી છે.

રણજીત મુંધવા અને હરેશ ભારાઈએ જણાવ્‍યું હતું કે, રાજકોટ સ્‍થિત સદભાવના બળદ આશ્રમમાં હજારો બળદોને આશ્રય આપી તેમની ઉત્તમ સેવા કરવામાં આવી રહી છે, જે પ્રશંસનીય અને પ્રેરણાદાયી કામગીરી છે. જોકે, બીજી તરફ સૌરાષ્‍ટ્રના અનેક વિસ્‍તારોમાં ઓછા વરસાદને પગલે માલધારીઓ અને પશુપાલકો સામે ગંભીર સમસ્‍યાઓ ઊભી થઈ છે. ખાસ કરીને ઘાસચારાના ભાવમાં થયેલા વધારાને કારણે પશુઓનું ભરણપોષણ કરવું મુશ્‍કેલ બન્‍યું છે. તેમાં પણ પશુઓ માટે પીવાના પાણીની અછતને કારણે પશુપાલકોની મુશ્‍કેલીમાં વધારો થયો છે.

આ ઉપરાંત મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત મારફત જરૂરિયાતમંદ પશુપાલકોને રાહત દરે પૂરતા પ્રમાણમાં ઘાસચારો ઉપલબ્‍ધ કરાવવામાં આવે તથા પાણીની અછત ધરાવતા વિસ્‍તારોમાં ટેન્‍કર સહિતની વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. સાથે જ જિલ્લા અને તાલુકા કક્ષાએ તાત્‍કાલિક કેટલ કેમ્‍પ શરૂ કરીને તેમાં પશુઓ માટે ઘાસચારો, પીવાનું પાણી અને પશુચિકિત્‍સાની જરૂરી સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે.

(3:30 PM IST)