News of Saturday, 18th July 2026
સોમવારે જિલ્લા પંચાયતમાં સમિતિઓના અધ્યક્ષોની વરણી સાથે પ્રેઝન્ટેશનઃ પખવાડિયામાં પ્રથમ બેઠક
ચૂંટાયેલા સભ્યોને કામગીરીથી વાકેફ કરવા નૂતન અભિગમ

રાજકોટ તા.૧૮: જિલ્લા પંચાયતમાં સમિતિઓની રચના થઇ ગયા બાદ હવે સમિતિઓના અધ્યક્ષોની વિધિવત વરણી માટે તા.૨૦ સોમવારે સવારે ૧૦:૩૦થી ૨ વાગ્યે વચ્ચે દર અડધી કલાકના અંતરે વિવિધ સમિતિઓની બેઠક બોલાવવામાં આવી છે. ભૂતકાળમાં સમિતિના અધ્યક્ષની ચૂંટણી પછીના દિવસોમાં જે તે શાખા અધિકારી સભ્યો સમક્ષ સમિતિની કામગીરીનું વર્ણન કરતા હતા. આ વખતે તેમાં ફેરફાર કરી સમિતિના અધ્યક્ષની વરણીની ઓૈપચારિકતા પછી તુરત તે જ સ્થળે પ્રોજેકટની મદદથી શાખા અધિકારી સમિતિના સભ્યો સમક્ષ સમિતિની કામગીરીનું પ્રેઝન્ટેશન કરશે. આ નૂતન પ્રયોગ અંગે ડે.ડી.ડી.ઓ.એ શાખા અધિકારીઓને સૂચના આપી છે.
કારોબારી સમિતિમાં નરશીભાઇ સોજીત્રા, સામાજીક ન્યાય સમિતિમાં જગદીશ પરમાર, શિક્ષણ સમિતિમાં નિલેષ હીરપરા, આરોગ્ય સમિતિમાં વિલાસભાઇ ઢાંકેચા, બાંધકામ સમિતિમાં ભારતીબેન હુંબલ, મહિલા બાળ વિકાસ સમિતિમાં કુંદનબેન માવલ અને સિંચાઇ સહકાર સમિતિમાં દેવેન્દ્ર જાપડિયા અધ્યક્ષ તરીકે જાહેર થયા છે. અપીલ સમિતિમાં હોદાની રૂએ જિલ્લા પંચાયત પ્રમુખ જ અધ્યક્ષ બને છે.
સમિતિના અધ્યક્ષ ચૂંટાયા પછી ચોખ્ખા છ દિવસનો સમયગાળો રાખી સમિતિની ખાસ બેઠક અથવા ૧૦ દિવસનો સમયગાળો રાખી સામાન્ય બેઠક બોલાવી શકાય છે. સમિતિની મંજુરીની જરૂરિયાતવાળી કામગીરી માર્ચ મહિનાથી પડતર છે તેથી કારોબારી સમિતિ સિવાઇની સમિતિઓની પ્રથમ બેઠક પખવાડિયામાં બોલાવાશે તેવો નિર્દેષ છે. વિવિધ સમિતિઓની બેઠકો મળી જાય પછી કારોબારી સમિતિની બેઠક મળશે. કારોબારી પછી પ્રશ્નોતરી સાથેની પ્રથમ સામાન્ય સભા બોલાવવાનું શાસકોનું આયોજન છે. સોૈ પ્રથમ તા.૨૦ સોમવારે સમિતિઓના અધ્યક્ષોની ચૂંટણી નિમિતે ઉત્સવ જેવો માહોલ સર્જવાની તૈયારી ચાલી રહી છે.
(2:47 PM IST)










