<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

ત્રંબામાં ૧૫ વર્ષથી સરકારી જમીન ઉપર દબાણઃ ડીજેનો ધંધાર્થી ઝપટેઃ ૩.૮૮ લાખનો દંડ ફટકારતા મામલતદાર

રાજકોટ તા.૨૫: ત્રંબા ગામે ૪ ગુંઠા સરકારી ખરાબાની જમીન પર ૧૫ વર્ષથી દબાણ કરીને ખેતીની ઉપજ મેળવનાર ડીજેના ધંધાર્થીને તાલુકા મામલતદારે રૂ. ૩.૮૮ લાખનો દંડ ફટકાર્યો છે. સ્‍વૈચ્‍છિક દબાણ ન હટાવે કલમ ૨૦૨ હેઠળ કાર્યવાહી કરી તોડી પાડવા હુકમ કર્યો છે.

રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે કરેલી તપાસ દરમિયાન સામે આવ્‍યું હતું કે, કસ્‍તુરબાધામ ગામે રહેતા મનોજભાઈ બાવળિયાએ ગામના રેવન્‍યુ સર્વે નંબર ૨૭૭ પૈકીની આશરે એ. ૪.૦૦ ગુંઠા સરકારી ખરાબાની જમીન પર ખેતી વિષયક હેતુસર ગેરકાયદેસર કબ્‍જો કરી દબાણ કર્યું છે. સરકાર તરફે બોમ્‍બે લેન્‍ડ રેવન્‍યુ કોડની કલમ-૬૧ હેઠળ પેશકદમી કેસ દાખલ કરાયો હતો. કેસની સુનાવણી દરમિયાન સામાવાળાને નોટિસ પાઠવી અવારનવાર મુદતો આપવામાં આવી હતી. જોકે સુનાવણી દરમિયાન દબાણકર્તા મનોજ બાવળિયાએ જમીનની માલિકી અંગેના કોઈ પણ આધાર-પુરાવા રજૂ કર્યા  ન હતા.  આ જમીન પર છેલ્લા ૧૫ વર્ષથી ગેરકાયદેસર દબાણ હોવાનું સ્‍પષ્ટ થતા મામલતદાર કોર્ટે સરકાર પક્ષે ચુકાદો આપ્‍યો હતો. તાલુકા મામલતદાર કે.એચ. મકવાણાએ દબાણકર્તા પાસેથી નિયમોનુસાર વસૂલવાપાત્ર થતો ખેતી આકાર, અન્‍ય લોકલ સેસ તેમજ સરકારના ગેઝેટ મુજબ જંત્રીના ૧% લેખે ૩,૮૮,૫૧૨ નો દંડ વસૂલ કરવાનો હુકમ કર્યો છે. રેવન્‍યુ તલાટી અને તલાટી કમ મંત્રીને તાત્‍કાલિક અસરથી દબાણવાળી જમીનનો કબ્‍જો ખુલ્લો કરાવી પંચરોજકામ મોકલી આપવા અને જો દબાણ દૂર ન થાય તો જમીન મહેસૂલ કાયદાની કલમ-૨૦૨ હેઠળ કાર્યવાહી કરી દબાણ હટાવવા સૂચના અપાઈ છે.

(3:39 PM IST)