<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

કરકસરને જ પ્રાધાન્‍યઃ મનપામાં ઈંધણનો ઉપયોગ ૭૦ ટકા સુધી ઘટાડાશેઃ નેહલ શુકલ

ભાજપના સંકલ્‍પપત્રના તમામ વચનો થશે સાકારઃ ટૂંક સમયમાં સાંઢિયાપુલ વાહનચાલકો માટે ખુલ્લો મુકાશેઃ નવ નિયુકત મેયરની સતાવાર જાહેરાત

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્‍ત મેયર ડો. નેહલ શુક્‍લએ વિધિવત રીતે પદભાર સંભાળ્‍યા બાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્‍યું હતું કે, વૈશ્વિક પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા દેશવાસીઓને કરકસર અપનાવવાની આપવામાં આવેલી સલાહને અનુસરી કોર્પોરેશનમાં ઈંધણના વપરાશમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરવામાં આવશે.

તેમણે જણાવ્‍યું હતું કે, હાલ મનપામાં પેટ્રોલ-ડિઝલનો જે વપરાશ થઈ રહ્યો છે તેમાં આશરે ૭૦ ટકા સુધી ઘટાડો થાય તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ માટે તમામ શાખાના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવશે.

ડો. શુક્‍લએ વધુમાં ઉમેર્યું હતું કે, મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા જાહેર કરાયેલા સંકલ્‍પપત્રમાં શહેરીજનોને આપવામાં આવેલા દરેક વચનને પ્રાથમિકતા સાથે પૂર્ણ કરવામાં આવશે.

સાંઢિયાપુલ બ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂકયું છે અને અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ ટૂંક સમયમાં જ આ બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં આવશે. રાજકોટના નાગરિકોને વધુ સારી અને ઝડપી નાગરિક સુવિધાઓ મળે તે દિશામાં કાર્ય કરવામાં આવશે.

પદભાર બાદ દેવદર્શનઃ રૂપાણી પરિવારના આશીર્વાદ લીધા

રામનાથ મહાદેવ અને આશાપુરા માતાના દર્શન સાથે વિકાસ માટે શીશ ઝુકાવ્‍યું

રાજકોટ :  રાજ્‍યની તમામ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ પદભાર સંભાળ્‍યા બાદ સૌપ્રથમ દેવદર્શન કરવાનું રહે તેવી પ્રદેશ ભાજપની સૂચના અનુસાર, રાજકોટના નવનિયુક્‍ત મેયર ડો. નેહલ શુક્‍લએ પદભાર સંભાળ્‍યા બાદ પ્રથમ રાજકોટના ગામદેવતા ગણાતા સ્‍વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે પહોંચી દર્શન કર્યા હતા. ત્‍યારબાદ તેઓ પેલેસ રોડ સ્‍થિત આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્‍યા હતા, જ્‍યાં માતાજીના ચરણોમાં શિશ ઝુંકાવી આશીર્વાદ મેળવ્‍યા હતા. આ પ્રસંગે રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ તેમનું સ્‍વાગત અને સન્‍માન કર્યું હતું.

આગળ તેઓ રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. વિજયભાઈ રૂપાણીના નિવાસસ્‍થાને પહોંચ્‍યા હતા. અહીં તેમણે વિજયભાઈ રૂપાણીની તસ્‍વીર સમક્ષ માથું ઝુકાવી આશીર્વાદ લીધા હતા. અંજલીબેન રૂપાણી સહિત પરિવારજનોએ તેમનું મોઢું મીઠું કરાવી રાજકોટના વિકાસના કાર્યમાં સફળતા માટે શુભેચ્‍છાઓ પાઠવી હતી

(4:00 PM IST)