<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

જુના માર્કેટ યાર્ડ નજીક ખાનગી બસ કાળ બનીઃ વિરનગરની દિપાલી ચોૈહાણનું મોતઃ બહેન અને ૪ વર્ષના ભાણેજને ઇજા

જીવલેણ અકસ્‍માત સર્જનારા બસ ચાલકની લોકોએ બેફામ ધોલધપાટ કરી આટકોટની કેડીપી હોસ્‍પિટલમાં નોકરી કરતી ૨૫ વર્ષિય દિપાલી રાજકોટ માન સરોવરમાં કાકાના ઘરે આવી હતીઃ ત્‍યાંથી ફઇની દિકરી કોમલબેન સાથે ભીચરી કથામાં જતી વખતે બનાવઃ આજીડેમ પોલીસ દ્વારા બસ ચાલક સામે ગુનો

રાજકોટ તા. ૧: શહેરના જુના માર્કેટ યાર્ડ નજીક સાંજે ખાનગી સ્‍લીપર કોચ બસની ઠોકરે ટુવ્‍હીલર ચડી જતાં વીરનગરની ૨૫ વર્ષની યુવતિ પોતાના ફઇની દિકરીના ટુવ્‍હીલર પાછળ બેઠી હોઇ રોડ પર ફેંકાઇ જતાં બસની ઠોકરે આવી જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. જ્‍યારે તેણીની ફઇની દિકરી બહેન, ચાર વર્ષના ભાણેજને ઇજાઓ થઇ હતી. ઘટનાને પગલે રોષે ભરાયેલા લોકોના ટોળાએ બસના ચાલકને પકડી બેફામ ધોલધપાટ કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ જસદણના વિરનરગમાં રહેતી દિપાલીબેન અરવિંદભાઇ ચોૈહાણ-ગુર્જર કુંભાર (ઉ.વ.૨૫) ગઇકાલે રાજકોટ આજીડેમ ચોકડી પાસે માન સરોવરમાં રહેતાં  કાકા હિતેષભાઇ અને શૈલેષભાઇના ઘરે આવી હતી. અહિથી તે ફઇની દિકરી મોરબી રોડ સત્‍યમ પાર્ક-૫માં રહેતી કોમલબેન સચીનભાઇ મુળીયા (ઉ.વ.૩૨)ના ટુવ્‍હીલરમાં બેસી ભીચરી ગામે સગાને ત્‍યાં કથા પ્રસંગમાં જવા નીકળી હતી. સાથે કોમલબેનનો દિકરો જીયાંશ (ઉ.વ.૪) પણ હતો.

બંને બહેનો જુના માર્કેટ યાર્ડ નજીક ગુ.હા. બોર્ડ દુધસાગર રોડના છેડે પહોંચી ત્‍યારે ખાનગી ટ્રાવેલ્‍સની સ્‍લીપર કોચ બસના ચાલકે પાછળથી ટુવ્‍હીલરને ઠોકરે લેતાં ચાલક કોમલબેન તથા તેનો દિકરો ડાબી બાજુએ ફેંકાઇ ગયા હતા. જ્‍યારે પાછળ બેઠેલી દિપાલીબેન જમણી સાઇડ ફેંકાઇ જતાં બસની ઠોકરે આવી જતાં ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. કોમલબેન અને પુત્ર જીયાંશને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. બનાવની જાણ થતાં લોકોનું ટોળુ ભેગુ થઇ ગયું હતું અને બસના ચાલકને બેફામ ધોલધપાટ કરી લીધી હતી. આ દરમિયાન પોલીસ પહોંચી જતાં બસચાલકને સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

મૃત્‍યુ પામનાર દિપાલીબેન એક ભાઇથી મોટા અને અપરિણીત હતાં. તેના પિતા અરવિંદભાઇ કડીયા કામની મજુરી કરે છે. દિપાલીબેન કે. ડી. પરવાડીયા હોસ્‍પિટલમાં ક્‍લાર્ક તરીકે નોકરી કરી પરિવારને મદદરૂપ થતાં હતાં. યુવાન અને આશાસ્‍પદ દિકરીના મોતથી ચોૈહાણ પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(2:41 PM IST)