<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

નિર્મલા સ્‍કૂલને પ્‍લે ગ્રાઉન્‍ડ માટે જમીન આપવાની પ્રક્રિયા આગળ વધી

મનપાના ઠરાવ બાદ રાજકોટ ટી.પી. સ્‍કીમ નં. ૧માં કામચલાઉ પુનઃરચનાની દરખાસ્‍ત; નિયત કિંમત વસૂલી જમીન ફાળવાશે

રાજકોટ, તા.,૫:  મહાનગરપાલિકા અને નિર્મલા સ્‍કૂલ વચ્‍ચે લાંબા સમયથી ચાલી રહેલા જમીન પ્રકરણમાં હવે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સંબંધિત જમીન સ્‍કૂલને રમતગમતના મેદાન માટે ફાળવવા મહાનગરપાલિકાનો ઠરાવ થયા બાદ રૂડા કચેરી ખાતે કાર્યરત પ્રવર નગર નિયોજકની કચેરી દ્વારા રાજકોટ નગર રચના યોજના નં. ૧ (ત્રીજો ફેરફાર)ની કામચલાઉ પુનઃરચનાની દરખાસ્‍ત તૈયાર કરવામાં આવી છે.

આ અંગે અસરગ્રસ્‍ત જમીનમાલિકો અને હિતસંબંધ ધરાવતી વ્‍યક્‍તિઓને જાણ કર્યા બાદ કોઈ રજૂઆત, વાંધો કે સૂચન હોય તો લેખિતમાં રજૂ કરવા તા. ૨૮ સપ્‍ટેમ્‍બરે સાત દિવસની મુદત આપતી જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ સમયમર્યાદા હવે પૂર્ણ થવામાં છે. અત્‍યાર સુધી આ મામલે કોઈ રજૂઆત, વાંધો કે સૂચન મળ્‍યાં નહીં હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે સંબંધિત જમીન નિઃશુલ્‍ક નહીં, પરંતુ નિર્ધારિત કિંમત વસૂલીને નિર્મલા સ્‍કૂલને આપવામાં આવશે. જમીનની કિંમત નક્કી કરતી વખતે સંભવતઃ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આ વિસ્‍તારમાં થયેલા મિલકતના સોદાઓને આધારરૂપ ગણવામાં આવશે.

નગર રચના અધિકારી અને પ્રવર નગર નિયોજકની કચેરીએ જણાવ્‍યું છે કે રાજકોટ નગર રચના યોજના નં. ૧ (રાજકોટラત્રીજો ફેરફાર)માં સમાવિષ્ટ જમીનોથી અસર પામતા જમીનમાલિકો અને હિતસંબંધ ધરાવતી વ્‍યક્‍તિઓને યોજનાની કામચલાઉ  પુનઃરચનાની દરખાસ્‍ત સમજાવવા તથા તેમની રૂબરૂ રજૂઆતો મેળવવા તા. ૨૧ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬થી સુનાવણી અંગેની નોટિસો બજાવવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન કોઈ જમીનમાલિક કે તેમના પ્રતિનિધિની રજૂઆત અધૂરી રહી હોય, વધુ રજૂઆત કરવાની જરૂર હોય અથવા સરનામાના અભાવ સહિતના કોઈ કારણસર નોટિસ મળી ન હોય, તેમને જાહેર નોટિસ દ્વારા લેખિત રજૂઆત કરવાની આખરી તક આપવામાં આવી હતી. નિયત મુદતમાં રજૂઆત નહીં થાય તો ઉપલબ્‍ધ રેકર્ડના આધારે લેવાયેલો નિર્ણય સંબંધિત જમીનમાલિકો અને હિતસંબંધ ધરાવતી વ્‍યક્‍તિઓને બંધનકર્તા રહેશે.

આ નગર રચના યોજનામાં રાજકોટ મહાનગરપાલિકાની આખરી નગર રચના યોજના નં. ૧ના અંતિમખંડ નં. ૪૨૩ અને ૪૨૪ની જમીનનો સમાવેશ થાય છે. જરૂરી વૈધાનિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્‍લે ગ્રાઉન્‍ડ માટે જમીન ફાળવવા અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(3:17 PM IST)