News of Monday, 29th June 2026
રાજકોટની ભાગોળે બની રહેલા નવા ટોલનાકા સામે ફરીથી ઉઠી રહેલો વિરોધ
ટ્રાફિક સમસ્યા અને શહેર આસપાસના ઉદ્યોગકારો તેમજ એરપોર્ટથી આવતા-જતા વાહનચાલકોની હાલાકી વધવાનો સુરઃ નેશનલ હાઇ-વે ઓથોરીટીના સુત્રો વિરોધને અસંગત ગણાવી રહયા છેઃ કાર અને એસ.ટી બસ માટે અહીંયા પણ ટોલ વસુલવાનો નથી તેવુ ઓથોરીટીનું કથનઃ હજુ ૬ થી ૮ મહિના જેટલો સમય લાગશે

રાજકોટ તા.૨૯: રાજકોટ- અમદાવાવદ હાઇવેની સિકસ ટ્રેક કામગીરી હજુ પણ કેટલાક બ્રીજના અટકેલા કામો અને તંત્ર અને કોન્ટ્રાકટરો વચ્ચેની ખેંચતાણના કારણે જગ્યાએ-જગ્યાએ ખોરંભે પડેલી છે. આ વચ્ચે માલીયાસણથી આગળ નિર્માણ પામી રહેલા નવા ટોલનાકાને લઇને ટ્રાફિકની ગંભીર સમસ્યા રાજકોટના દ્વારે જ ઉભી થવાની શકયતા અને શહેરના ઉદ્યોગકારો અને એરપોર્ટ આવતા-જતા મુસાફરોના ખીસ્સા પર ભારણ પડવાના મુદે ફરીથી વિરોધનો સુર ઉઠી રહયો છે. આસપાસના ગ્રામજનો અને ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ધંધા રોજગાર ધરાવતા લોકોમાં આ ટોલનાકુ ચોટીલા બાઉન્ડ્રી નજીક જ યથાવત રહે તે તમામ ટેકનીકલ મુદે યોગ્ય હોવાની ચર્ચા છે. આ વચ્ચે હાઇવે ઓથોરીટી ટોલનાકાનો વિરોધ અસંગત હોવાનું જણાવી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ નવનિર્મીત ટોલપ્લાઝા ઉપર પણ કાર અને એસ.ટી. બસ માટે ટોલ ફ્રી જ રહેવાનો છે.
બીજી તરફ બીજી તરફ અધૂરા અને તૂટેલા રોડ, સતત ટ્રાફિક જામ અને અકસ્માતના જોખમ વચ્ચે વધુ એક ટોલનાકું ઊભું કરવાની તૈયારીને લોકો અન્યાયરૂપ ગણાવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે હાઇવે પર હજુ સુધી પૂરતું અને મજબૂત માર્ગ નિર્માણ પૂર્ણ થયું નથી. અનેક જગ્યાએ રોડ તૂટેલો છે, ખાડાઓ ભરાયેલા છે અને વરસાદ બાદ પરિસ્થિતિ વધુ ખરાબ બની જાય છે. આવી સ્થિતિમાં ટોલ વસૂલવાની તૈયારી કરવી એ જનતાને પરેશાન કરવાનો પ્રયાસ છે. લોકોનો આક્ષેપ છે કે કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા મુસાફરોને કોઈ રાહત આપવામાં આવતી નથી, પરંતુ જ્યાંથી આવક મળે ત્યાંથી ટોલ ઉઘરાવવાનું કામ ઝડપથી કરવામાં આવે છે.
ખેડૂત ચંદુભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે માલિયાસણ ટોલનાકું શહેરની બહુ નજીક હોવાથી તેની સીધી અસર રાજકોટ શહેરમાં પ્રવેશતા વાહનો પર પડશે. એરપોર્ટ તરફ જતાં મુસાફરો, આજુબાજુના ગામોના રહેવાસીઓ, તેમજ ઉદ્યોગ વિસ્તારના ટ્રક અને માલવાહક વાહનો માટે ટ્રાફિક સમસ્યા ગંભીર બની શકે છે. ઉદ્યોગો, ફેક્ટરીઓ, કારખાનાઓ, વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટ વ્યવસાયને વધારાનો સમય અને ખર્ચ સહન કરવો પડશે, જે અંતે વેપાર અને રોજગારી પર પ્રતિકૂળ અસર કરશે. વિરોધકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે રાજકોટ શહેરની એન્ટ્રી પોઈન્ટ પર બિનજરૂરી ટોલનાકું ભવિષ્યમાં શહેરના વિકાસને અવરોધક બનશે. બસ વિકાસ જ વિકાસ જેવા દાવાઓ વચ્ચે હકીકતમાં જનસુવિધાઓ ઘટી રહી છે, એવો લોકોનો રોષ છે. સ્થાનિકો દ્વારા જાગો રાજકોટીયન જાગોના નારા સાથે આ મુદ્દે વધુ ઉગ્ર વિરોધ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ મામલે જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની નમ્ર પરંતુ દૃઢ માંગ ઉઠી છે. ટોલનાકાની જગ્યાની પુનર્વિચારણા, રોડની સંપૂર્ણ મરામત અને ટ્રાફિક સમસ્યાનું સ્થાયી નિરાકરણ લાવવામાં આવે તે માટે લોકો એકજૂટ થવાની તૈયારી દર્શાવી રહ્યા છે. જો સમયસર યોગ્ય નિર્ણય નહીં લેવાય, તો આ વિરોધ આગામી દિવસોમાં વધુ તીવ્ર બનવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વેપારી એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને સામાન્ય જનતાએ આ સ્થળે ટોલનાકું બનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. હવે ફરી એકવાર વિરોધ ઉગ્ર બનવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. જો કે હાઇવે ઓથોરીટીના સુત્રોના કહેવુ છે કે, કાર અને એસ.ટી. બસ માટે ટોલ ફ્રી રહેવાનો છે. હજુ નજીકના સમયમાં ટોલનાકુ કાર્યરત નથી થવાનુ. સેન્ટ્રલ મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ- દિલ્હીને ટોલના નિયત દર નકકી કરવા દરખાસ્ત મોકલવામાં આવી છે.
(2:29 PM IST)










