તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
બેચર અને મનિષાને સજા અપાવજો, મેં તમને રસતો કરી દીધો...પતિના લફરાને લીધે તરૂણાબેને જીવ દીધો હતો
સાધુ વાસવાણી રોડ યોગીનગરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરનારા પરિણીતાના મોટા બહેન દક્ષાબેનની ફરિયાદ પરથી મૃતકના પતિ બેચર ભીમાણી, તેની સાથેની મહિલા મનિષા, સાસુ, સસરા, નણંદ વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૪:શહેરના સાધુ વાસવાણી રોડ પર યોગીનગરમાં રહેતાં પરિણીતા તરૂણાબેન બેચરભાઇ ભીમાણીએ બે દિવસ પહેલા આપઘાત કરી લીધાની ઘટનામાં તેના પતિ બેચરના અન્ય મહિલા મનિષા સાથેના આડાસંબંધો અને સાસુ, સસરા, નણંદનો ત્રાસ કારણભુત હોવાની ફરિયાદ દાખલ થઇ છે. તેણીએ લખેલી સ્યુસાઇડ નોટને આધારે પોલીસે આ તમામ સામે તેણીને આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે આપઘાત કરી લેનારા તરૂણાબેન બેચરભાઇ ભીમાણી (ઉ.વ.૪૦)ના બહેન રાજકોટના વાછકપર બેડી ગામે રહેતાં મોટા બહેન દક્ષાબેન અશ્વીનભાઇ ચંદ્રાલા (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી તરૂણાબેનના પતિ સાધુ વાસવાણી રોડ યોગીનગર-૩માં રહેતાં બેચર ગોવિંદભાઇ ભીમાણી, ધ્રોલના માણેકપરમાં રહેતાં સસરા ગોવિંદભાઇ મુળજીભાઇ ભીમાણી, સાસુ સવિતાબેન, રાજકોટ બાપા સીતારામ મઢુલી પાસે પરીમલ ચોકમાં રહેતી નણંદ ચંદુબેન નરેન્દ્રભાઇ બોડા અને પતિની કહેવાતી પ્રેમિકા મનિષાબેન શિયાળ વિરૂધ્ધ તરૂણાબેનને ત્રાસ આપી મરી જવા મજબૂર કરવાનો ગુનો નોંધ્યો છે.
દક્ષાબેન ચંદ્રાલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. મારા માતા નિવૃત જીવન જીવે છે, પિતા હયાત નથી. અમે પાંચ બહેનો છીએ જેમાં આપઘાત કરનારા તરૂણાબેનના લગ્ન રાજકોટ યોગીનગરમાં રહેતાં બેચર ભીમાણી સાથે ૧૭ વર્ષ પહેલા થયા હતાં. તેણીને સંતાનમાં એક દિકરી તુલસી ૮ વર્ષની અને દિકરો હેપીલ ૯ વર્ષનો છે. મારી આ બહેન તરૂણાબેન સાથે મારે મોબાઇલમાં ઘણીવાર વાત થતી હતી. તેણી મને કહેતી કે-મારા સાસુ, સસરા, પતિ મને હેરાન કરે છે અને તેને કોણ બચાવશે તેમ કહી વારંવાર ટોર્ચર કરે છે. મારા પતિ બેચરને બીજી મહિલા સાથે આડાસંબંધ છે એ બાબતે હું પુછુ તો મારકુટ કરે છે. નણંદ ચંદુબેન પણ ફોન કરી હેરાન કરે છે. મારી બહેન તરૂણાબેને મને ફોનમાં વધુમાં કહેલું કે ચારેક મહિના પહેલા પતિ બેચર અને તેની સાથે બીજી મહિલા મનિષા કોઇ હોટેલમાં નાસ્તો કરતાં હોઇ તેની મને જાણ થઇ જતાં મેં તેને પકડી લીધા હતાં. દરમિયાન તા. ૩/૧૧ના રોજ મને કાકાના દિકરા મિલનભાઇ લાલપરાએ જાણ કરી હતી કે તરૂણાબેને ગળાફાંસો ખાઇ લીધો છે અને સિવિલ હોસ્પિટલે લઇગયા છે. આથી અમે બધા ત્યાં પહોંચ્યા હતાં. અહિ તરૂણાબેનના પતિ, સાસરિયાના લોકો પણ હતાં. તેમજ મારા સગા કાકાના દિકરા ભાઇ શૈલેષભાઇના પત્નિ નીશાબેન પણ હોઇ તેના દ્વારા જાણવા મળ્યું હતું કે મારા બહેન તરૂણાબેને આપઘાત પુર્વે એક સ્યુસાઇડ નોટ લખી છે. જે નોટ તરૂણાબેનની નણંદ ચંદુબેન ઉર્ફે ચંદ્રીકાબેને લઇલીધી છે. અમે સાસરીાયઓને આ સ્યુસાઇડ નોટ આપવા કહ્યું હતું પરંતુ તેણે ધ્યાન દીધી નહોતું.
બાદમાં અમે તરૂણાબેનના મૃતદેહને અંતિમધિી માટે માનસર ધ્રોલ ખાતે લઇ ગયા હતાં. અછી ચંદુબેને અમને સ્યુસાઇડ નોટ આપી હતી. આ સ્યુસાઇડ નોટ તરૂણાબેને દિકરા હેપીલની હીન્દી વિષયની હોમવર્કની નોટમાં કાળા કલરની પેનથી લખેલી હતી. પાંચ પેઇજમાં આ સ્યુસાઇડ નોટ લખી હતી. તરૂણાબેને લખ્યું હતું કે-હું મારા સંતાનોને મા વગરના કરી દીધા છે, બેચર કહેતો કે હું ઘરમાં ઘર ચલાવવા પૈસા નહિ આપું, એટલે મેં દુધના પૈસા, તુલસીના ટયુશનના પૈસા પણ આપી દીધા છે. મારે કોઇ હારે પૈસા દેવાના બાકી નથી. તે બધા પૈસા મનિષાની પાછળ ઉડાતડો હતો. ધ્યાન રાખજો મારી દિકરી રઝળી છે. તમારી દિકરીઓ રઝળી ન પડે. આમા મારો વાંક શું છે, મારે ભાઇ નથી કે બાપ નથી એટલે માસીજી, માસાજી, મોટા મામાજી, નણંદ સહિતના ખરાબ વર્તન કરે છે. મારો શું વાંક હતો, બેચરનું લફરૂ હતું મારે નહોતું. હું તો મારા છોકરાઓ માટે કરતી હતી. ભગવાન મારી દિકરીને આ બધુ સહન કરવાની ત્રેવડ આપે. થોડુક પેટમાં બળે ને તો મારા છોકરાઓનું ધ્યાન રાખજો. મનિષાને અને બેચરને સજા અપાવજો. કારણ કે તેણે મારા છોકરાઓની અને મારી હાય લીધી છે. એને કોઇ દિવસ સારુ નહિ થાય. મારી દિકરીને મારે મુકવી પડી છે. કાકા તમને મેં કીધુ હતું કે મારે બેચર ભેગુ નથી જાવું. મારે છોકરાઓને નહોતા મુકવા પણ હવે તેણે બધી હદ પાર કરી દીધી છે. એ મને મરવા કહે છે ગાળો દે છે, હું મારી જિંદગીથી કંટાળી ગઇ છું. મને મારી દિકરી બહુ વહાલી છે, મારી દિકરીનું કોઇ નહિ રહે. તમને બધાને મેં રસ્તો કરી દીધો છે. હું મરી જાઉ પછી બેચરને મને હાથ ન અડાડવા દેતાં . લિ. તરૂણા. આ ચિઠ્ઠીને આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં પીએસઆઇ એચ. એમ. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(4:27 PM IST)










