<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

રૈયાધારમાં એડવોકેટના ઘરમાં ફ્રીઝ પરથી રૂા.૨૦ હજારની રોકડ સાથેનું પર્સ ‘છૂ'

ઘરે ખાડો ખોદવાની મજૂરી કરવા આવેલા રાજીયા નામના શખ્‍સ પર શંકાઃ ઓરીજીનલ પાનકાર્ડ, આધારકાર્ડ, વકિલનું સનદ કાર્ડ, લાયસન્‍સ પણ પર્સમાં હતાં

રાજકોટ તા. ૨૨: રૈયાધારમાં રહેતાં એડવોકેટના ઘરમાં ફ્રીઝ પરથી રોકડ તેમજ ઓરીજીનલ આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્‍સ, વકિલનું સનદ કાર્ડ સહિતનું પર્સ ગાયબ થઇ જતાં પોલીસને જાણ કરી છે. આ ચોરી ઘરે ખાડો ખોદવાની મજુરી કરવા આવેલો શખ્‍સ લઇ ગયાની શંકા દર્શાવાતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયાધાર સ્‍લમ ક્‍વાર્ટર શીવધારા મેડિકલ સ્‍ટોરની બાજુમાં પ્‍લોટ નં. ૩ ખાતે રહેતાં અને વકિલાત કરતાં અશોકભાઇ ગોવિંદભાઇ વાઘેલા (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી તેના  ઘરે કામ કરવા આવેલા શખ્‍સ સામે શંકા દર્શાવી હોઇ રાજુ ઉર્ફે રાજીયો નામના શખ્‍સને શકદાર ગણી ગુનો નોંધ્‍યો છે. ફરિયાદમાં જણાવેલી વિગતો અનુસાર અશોકભાઇ વાઘેલા વકિલાત કરે છે અને તેની ઓફિસ સ્‍ટાર પ્‍લાઝા ખાતે ૭૨૭ નંબરમાં છે. આ ઉપરાંત તેઓ ઘર નજીક કરીયાણાની દુકાન પણ ચલાવે છે. તા. ૨૫/૦૬ના રોજ સવારે આઠેક વાગ્‍યે તે પોતાની કરિયાણાની દુકાનેથી ઘરે આવ્‍યા ત્‍યારે તેમનો ફોન અને પાકીટ મળી આવ્‍યા ન હતા. આ અંગે તેમણે માતા જયાબેનને પુછતાં માલુમ પડ્‍યું હતું કે ઘરે ખાડો ખોદવાનું કામ કરતો રાજુ ઉર્ફે રાજ્‍યો (રહે. પ્‍લોટ નં-૭, રૈયાધાર સ્‍લમ ક્‍વાર્ટર) સવારે સાડા સાતેક વાગ્‍યે આવ્‍યો હતો.

તેણે પોતાની પત્‍નિ સાથે વાત કરવી છે તેમ કહી અશોકભાઈના પિતાનો ફોન માગ્‍યો હતો અને ઘરમાં વાત કરતો હતો. વકિલના પિતા ગોવિંદભાઇ સુતા હોઇ જેથી માતા જયાબેને રાજુને થોડે દૂર જઈ વાત કરવા કહ્યું હતું.  ફોન પર વાત પુરી કર્યા બાદ તેણે મોબાઇલ ફોન ફ્રિઝ પર મૂકી દીધો હતો, પણ સાથે ફ્રિઝ પર રાખેલું પાકીટ  સેરવી લીધું હોવાની શંકા જાગી હતી.

ચોરી થયેલા કાળા કલરના પાકીટમાં આશરે રૂપિયા ૨૦,૦૦૦ રોકડા તેમજ  અસલ આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્‍સ અને વકીલનું સનદકાર્ડ જેવા અત્‍યંત મહત્‍વના દસ્‍તાવેજો હતા. બનાવ બાદ પરિવારજનો પોતાની રીતે તપાસ કરી રહ્યા હોઇ ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો. અંતે યુનિવર્સિટી પોલીસમાં જાણ કરતાં પીઆઇ સી. એન. દવેની રાહબરીમાં એએસઆઇ જે. એચ. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:28 PM IST)