તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
પુષ્ટિમાર્ગીય સત્સંગ સમારોહનું કાલે આયોજન
અધિકમાસ નિમિતે કૃપાનિધી કન્સ્ટ્રકશન કંપની દ્વારા : રાજકોટ સ્થિત યુવાવૈષ્ણવાચાર્ય મહાનુભાવોનું સાનિધ્યઃ મણીયાર હોલ ખાતે રાત્રે ૮:૩૦ થી ૧રઃ૩૦ કાર્યક્રમ

પુષ્ટિમાર્ગીય સત્સંગ સમારોહના આયોજન અંગે ‘‘અકિલા'' કાર્યાલય ખાતે મેહુલભાઇ ભગત, કાનજીભાઇ પટેલ, રાજુભાઇ અનડકટ તથા કલ્પેશભાઇ વાગડીયાએ વિગતો વર્ણવી હતી. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટઃ તા.૩, અધિક પુરૂષોતમ માસ સનાતન ધર્મમાં પરમ પવિત્ર મહિનારૂપે વિખ્યાત છે. પુષ્ટિમાર્ગમાં પણ અધિક મહિનાનું અત્યંત મહત્વ છે. અતઃ પુષ્ટિમાર્ગીયરાજકોટ સ્થિત વૈષ્ણવાચાર્યોના સાનિધ્યમાં સાંસ્કૃતિક કાર્યક્રમો એવમ્ પુ. યુવા વૈષ્ણવાચાર્યોના મંગલ વચનામૃતોનો આલોકિક લાભ રાજકોટની વૈષ્ણવ સૃષ્ટિને પ્રાપ્ત થાય તેવા મંગલ હેતુથી આયોજક કૃપાનીધી કંસ્ટ્રકશન પરિવાર આ અલૌકિક આયોજન રાજકોટના વિખ્યાત અરવિંદભાઇ મણીયાર હોલ-જયુબેલી ગાર્ડન ખાતે થયેલ છે. કાર્યક્રમ તા. ૪ ને ગુરૂવાર રાત્રિના ૮:૩૦ થી ૯:૩૦ યોજાશે.
વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રાજકોટની વિવિધ પાઠશાળાના તેમજ ભાઇ-બહેનો પોતાની કૃતિઓ-નૃત્ય-કથકનૃત્ય તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમો રજુ કરશે ૯:૩૦ વાગ્યે યુવા વૈષ્ણવાચાર્યોના વરદ કર કમલો દ્વારા દિપ પ્રાગટય તથા વધાઇ કિર્તન થશે.
ત્યારબાદ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના મેયર પદે વરાયેલ ડો. નેહલ શુકલ, ડેપ્યુ. મેયર દક્ષાબેન વસાણી, સ્ટે. કમીટીના ચેરમેન પરેશભાઇ પીપળીયા, શાશક પક્ષના નેતા ડો. હિરેનભાઇ ખીમાણીયા તથા ભા.જ.પ. શહેર પ્રમુખ ડો. માધવ દવે વિગેરેનું સન્માન કરવામાં આવશે.
આ સત્સંગ સમારોહમાં યુવા વૈષ્ણવાચાર્યો પુ.પા. ગો. શ્રી મધુશુદન લાલજી મહોદયશ્રી (રૂચિરબાવાશ્રી) ચરણાટ હવેલી, પૂ.પા.ગો. શ્રી રત્નેશકુમારજી મહોદયશ્રી (શ્રી દ્વારિકેશ નિકેતન હવેલી), પુ.પા. ગો.શ્રી પુરૂષોતમ લાલજી મહારાજશ્રી (રસકુંજ હવેલી) પૂ.પા.ગો. શ્રીિ ગોપેશકુમાર મહારાજશ્રી (કમલકુંજ હવેલી કાલાવડ),પુ.પા. ગો. શ્રી વેદાંગકુમારજી બાવાશ્રી (શ્રીમદનમોહન કુંજ હવેલી) પુ.પા. ગો.શ્રી રમણેશકુમારજી બાવાશ્રી (કૃષ્ણાશ્રય હવેલી) રોયલ પાર્ક તથા પુ.પા. ગો. શ્રી રશેષ બાવાશ્રી (લક્ષ્મીવાડી હવેલી) ના બાળકોના વચનામૃતોનો લાભ મળશે.
વૈષ્ણવ ભાઇ-બહેનોને આ પવિત્ર સમારોહમાં પધારવા ભાવભર્યુ આમંત્રણ છે. સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન અરવિંદભાઇ પાટડીયા તથા વ્રજદાશ માવાણી દ્વારા કરવામાં આવશે. તેમ ‘‘અકિલા'' ખાતેની મુલાકાત દરમિયાન મેહુલભાઇ-ભગત, કાનજીભાઇ પટેલ,રાજુભાઇ અનડકટ તથા કલ્પેશભાઇ વાગડીયાએ જણાવ્યું હતું
(3:09 PM IST)










